અબતક, રાજકોટ
કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટે વિશ્ર્વના અનેક દેશોમાં પગપેશારો કરતા ગઇકાલે સપ્તાહના પ્રથમ દિવસે સંભવિત ત્રીજી લહેરના ફફડાટ તળે મહામંદી વ્યાપી જવા પામી હતી. જો કે, નવા વેરિયન્ટનો એકપણ કેસ ભારતમાં ન હોય અને તેની અસર પણ બહુ ન વર્તાઇ તેવી સંભાવના દેખાતા બજારમાં આજે સાનૂકૂળતા જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટી ઉછાળા સાથે ખૂલ્યા હતાં. અમેરિકી ડોલર સામે ભારતીય રૂિ5યો 11 પૈસા જેટલો મજબૂત બનતાં બજારમાં તેજીને બળ મળ્યું હતું.
નિફ્ટી પણ 185 પોઇન્ટ અપ: અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 8 પૈસા મજબૂત
ગઇકાલે ભારતીય શેરબજારમાં ભારે ઉતાર-ચડાવ જોવા મળ્યો હતો. કોરોનાના નવા વેરિયન્ટની સંભવિત અસરથી બજારમાં વિશ્ર્વાસનો અભાવ દેખાતો હતો. જો કે, ઓમિક્રોન વેરિયન્ટની અસર ભારતમાં નહીં જોવા મળે તેવું લગભગ સ્પષ્ટ થઇ જવા પામ્યુ છે. જેના કારણે આજે બજારમાં નવેસરથી તેજી જોવા મળી હતી. જો કે જાણકારોના મત્તાનુસાર આ તેજી હંગામી છે. ડિસેમ્બર માસના અંત સુધી બજારમાં સતત ઉતાર-ચડાવનો માહોલ યથાવત રહેશે. ત્યારબાદ નવા વર્ષના આરંભથી બજાર ફરી તેજીના ટ્રેક પર આગળ વધતું જોવા મળશે. ગઇકાલે દિવસ દરમિયાન સતત ઉતાર-ચડાવ રહ્યા બાદ આજે માર્કેટ ઉછાળા સાથે ખૂલતાં રોકાણકારોમાં ભારે રાજીપો વ્યાપી જવા પામ્યો હતો.
આ લખાઇ રહ્યું છે ત્યારે સેન્સેક્સ 656 પોઇન્ટના ઉછાળા સાથે 57917ની અને નિફ્ટી 185 પોઇન્ટના ઉછાળા સાથે 17239 પર કામકાજ કરી રહ્યાં છે. જ્યારે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 8 પૈસાની મજબૂતાઇ સાથે 75.02 પર ટ્રેડ કરી રહ્યો છે.