યુક્રેનના રાષ્ટ્રપતિએ પણ જાહેર કર્યું, અમને મિત્રો તરફથી હથિયારો મળવાના છે : યુક્રેન બોર્ડર પર અમેરિકન વિમાન ઉડતા દેખાયા
અબતક, નવી દિલ્હી
યુદ્ધના પહેલા દિવસથી જ યુક્રેન રાષ્ટ્રપતિએ વિવિધ દેશો પાસે મદદ માંગી છે. જોકે યુદ્ધના પહેલાં દિવસે તો અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને કહી દીધું હતું કે, યુક્રેન તેની લડાઈ જાતે લડે પરંતુ ત્રીજા દિવસે અમેરિકાએ યુક્રેનને મદદ કરવાની જાહેરાત કરી છે. અમેરિકન ગૃહના અધ્યશ્ર નેન્સી પેલોસીએ કહ્યું છે કે, કેપિટલ હિલના સાંસદ યુક્રેનને 60 કરોડ ડોલરના ઘાતક હથિયારો પૂરા પાડશે. જેથી તેઓ કિવને રશિયન સૈન્યના હુમલાથી પોતાને બચાવી શકે.ન્યૂઝ એજન્સી સિન્હુઆના રિપોર્ટ પ્રમાણે યુદ્ધના બીજા દિવસે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડને રશિયા સામે વધુ આર્થિક પ્રતિબંધો જાહેર કર્યા છે અને યુરોપમાં અમેરિકાના વધુ સૈનિકો તહેનાત કરવાનો આદેશ આપ્યો છે.
જોકે બાઈડને ફરી એક વાર કહ્યું છે કે, કોઈ પણ અમેરિકન સેનાને યુક્રેનની જમીન પર મોકલવામાં નહીં આવે.રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન યુક્રેન બોર્ડર પર અમેરિકન વિમાન ઉડતા દેખાયા છે. અમેરિકન વાયુસેનાના ત્રણ વિમાન રોમાનિયા હવાઈ વિસ્તારમાં ઉડતા દેખાયા છે. આ વિમાન ત્રણ કલાક કરતા વધુ સમયથી અહીં ઉડતા હતા. તેમાંથી એક પોલેન્ડ હવાઈ વિસ્તારમાં ઈંધણ ભરતું વિમાન છે. નોંધનીય છે કે, યુક્રેન પર હુમલા પછી રશિયાની એક્ટિવિટી વિશે બ્રિટન સહિત અમેરિકાએ ઘણાં કડક પગલાં લીધા છે. આ જ હેતુથી અમેરિકાના વાયુસેનાના ત્રણ વિમાન યુક્રેન સીમા પર જોવા મળ્યાહતા.
આ પહેલાં અમેરિકાએ રશિયા પર એક્શન લેતા કહ્યું છે કે, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ, આર્મી ચીફ સહિત અન્ય લોકોની સંપત્તિ ફ્રિજ કરી દેવામાં આવી છે. અમેરિકાએ કહ્યું કે, અમે કારણ વગરના યુદ્ધ અને માનવ નુકસાનને રોકવાના ઘણાં પ્રયત્નો કર્યા છે. પરંતુ રશિયન રાષ્ટ્રપતિ પુતિને અમેરિકા અને અમારા સહયોગના પ્રયત્નોને નિષ્ફળ બનાવ્યા છે.
રશિયાના 3500 સૈનિકને મારી નાખ્યા, 200ને બંધક બનાવ્યા : યુક્રેનનો દાવો
યુક્રેનની સેના દ્વારા કરવામાં આવેલા દાવા મુજબ હુમલામાં સામેલ 3500 રશિયન સૈનિકો માર્યા ગયા છે જ્યારે 200ને કેદી લેવામાં આવ્યા છે.સેનાએ તેના ફેસબુક પેજ પર આ સંબંધમાં માહિતી આપી છે. વધુમાં, સેના દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે અત્યાર સુધીમાં રશિયાના 14 એરક્રાફ્ટ, 8 હેલિકોપ્ટર અને 102 ટેન્કને નષ્ટ કરવામાં આવી છે. જોકે રશિયા દ્વારા અત્યાર સુધી આવા કોઈ નુકસાનની માહિતી જાહેર કરવામાં આવી નથી.