સરકારી હોસ્પિટલમાં 7000 અને ખાનગીમાં 6000 મળી કુલ 13000 બેડ તૈયાર : ટેસ્ટિંગ વધારવા માટે યુનિ. લેબને પણ ચાલુ કરી દેવાશે: જરૂર પડ્યે હાઇવે ઉપર ડ્યુટી કરતી તેમજ ખાનગી હોસ્પિટલોની એમ્બ્યુલન્સ ઉપયોગમાં લેવાશે
વ્યવસ્થા સંદર્ભે કલેક્ટર દ્વારા બેઠકોનો ધમધમાટ સાંજે આઈએમએ, આવતીકાલે કેમિસ્ટો અને સોમવારે ખાનગી હોસ્પિટલો સાથે બેઠક
અબતક, રાજકોટ
કોરોના સામે લડવા તંત્રએ એક્શન પ્લાન બનાવ્યો છે. કલેક્ટર અરુણ મહેશ બાબુના માર્ગદર્શનમાં તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. જે સંદર્ભે છેલ્લા ઘણા સમયથી કલેક્ટર દ્વારા કમર કસવામાં આવી રહી છે. કોરોનાના કેસો વધી રહ્યા છે. ત્યારે હાલ તંત્ર દ્વારા કોરોના સદર્ભની કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.
જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું કે રાજકોટ જિલ્લામાં તકેદારીના ભાગરૂપે 13 હજાર જેટલા બેડ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં સરકારી હોસ્પિટલમાં 7000 અને ખાનગીમાં 6000 બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. વધુમાં તેઓએ જણાવ્યું કે હાલ ટેસ્ટિંગ પીડિયું કોલેજમાં જ થઈ રહ્યું છે. આ ઉપરાંત ખાનગી લેબોમાં પણ ટેસ્ટિંગ થઈ રહ્યું છે. હવે ટેસ્ટિંગ વધારવામાં આવનાર છે. જેથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે જે લેબ છે. તે તૈયાર કરી દેવામાં આવી છે. જેથી તેનો ઉપયોગ કરી શકાય.
વધૂમાં તંત્ર દ્વારા એમ્બ્યુલન્સની યાદી તૈયાર કરી લેવામાં આવી છે. જરૂર પડ્યે હાઇવે ઉપર ડ્યુટી કરતી તેમજ ખાનગી હોસ્પિટલોની એમ્બ્યુલન્સ ઉપયોગમાં લેવામાં આવશે. કોરોનાના વધતા કેસને ધ્યાને લઇ જિલ્લા કલેક્ટર અરુણ મહેશબાબુ દ્વારા છેલ્લા ઘણા સમયથી તૈયારીઓ સંદર્ભે કમર કસી છે. હજુ પણ વિવિધ વ્યવસ્થા સંદર્ભે બેઠકોનો ધમધમાટ ચલાવવામાં આવનાર છે. જેમાં આજે સાંજે આઈએમએ સાથે બેઠક યોજવામાં આવનાર છે. જેમાં તેઓના સૂચનો લેવામા આવશે. ત્યારબાદ આવતીકાલે કેમિસ્ટ સાથે બેઠક યોજવામાં આવનાર છે. જેમાં કેમિસ્ટોને શરદી, તાવ, ઉધરસની દવા લેવા આવતા દર્દીઓની યાદી તૈયાર કરવાની સૂચના અપાઈ શકે છે. આ ઉપરાંત આગામી સોમવારના રોજ ખાનગી હોસ્પિટલો સાથે બેઠક યોજવામાં આવનાર છે. જેમાં તેમના પ્રતિનિધિઓ સાથે ચર્ચા વિચારણા કરી મહત્વના નિર્ણયો લેવામાં આવી શકે છે.
વધુમાં મળતી માહિતી અનુસાર રાજકોટ જિલ્લામાં કલેક્ટર કચેરી ખાતે કોવિડ-19 અંતર્ગત વોરરૂમ શરૂ કરવામાં આવનાર છે. જેમાં કોરોનાને લગતી તમામ માહિતી ઉપરાંત વિવિધ હોસ્પિટલોમાં ઉપલબ્ધ બેડ સહિતની વિગતો લોકો જાણી શકાશે. આ ઉપરાંત ગત રોજ રાજ્યના મુખ્ય સચિવે પણ કોરોના સંદર્ભે તમામ કલેક્ટરો અને મ્યુનિ.કમિશનરો સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્ય સચિવ દ્વારા તમામ શહેરો અને જિલ્લાની પરિસ્થિતિ અંગે વિગતો મેળવવામાં આવી હતી. આ ઉપરાંત જરૂરી સૂચનો પણ આપવામાં આવી હતી.
ઉપરાંત જિલ્લાઓમાં હાલ જે-જે સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. તે અંગે મુખ્ય સચિવે માહિતી મેળવીને શહેર જિલ્લાની સમિક્ષા હાથધરી હતી.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હાલ જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે, એવું લાગી રહ્યું છે કે જાણે કોરોનાની ત્રીજી લહેર ગુજરાતના આંગણે દસ્તક દઇ રહી છે. ત્રીજી લહેરના ભણકારા વચ્ચે આજથી જ સરકાર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગઇ છે અને વાયબ્રન્ટ સમિટ રદ કરવા જેવો મોટો નિર્ણય લીધો છે.
50.60 મેટ્રિક ટન ઓકિસજન તૈયાર
જિલ્લામાં બીજી લહેરની જેમ ઓક્સિજનનો પ્રશ્ન ન સર્જાઈ તે માટે તંત્ર સતત પ્રયત્નશીલ છે. જિલ્લામાં ઓક્સિજન સરળતાથી મળી શકે તે માટે 50.60 મેટ્રિક ટન ઓક્સિજન તૈયાર રાખવામાં આવ્યું છે. જિલ્લામાંમાં ઓક્સિજનના કુલ 24 ટેન્ક હોવાનું જાણવા મળ્યું છે.
પીડિયૂમા 630 વેન્ટિલેટર સજ્જ
કોરોનાની બીજી લહેરમાં વેન્ટિલેટરની ઓછી સંખ્યાને કારણે ભારે અફરાતફરી સર્જાઈ હતી. પણ હવે કોરોનાના વધતા કેસ વચ્ચે આવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે પીડિયું હોસ્પિટલમાં 630 વેન્ટિલેટર સજ્જ કરી દેવામાં આવ્યા છે. આ સાથે ખાનગી હોસ્પિટલમાં પણ અલગથી વેન્ટિલેટર ઉપલબ્ધ હોવાનું જાણવા મળ્યું છે.
હાલ જિલ્લામાં 149 અને શહેરમાં 174 દર્દીઓ હોમ આઇસોલેટ
મળતી માહિતી અનુસાર હાલ જિલ્લામાં કોરોનાના કેસો આવી રહ્યા છે પણ હોસ્પિટલમાં તેની અસર નહિવત દેખાઈ રહી છે. હાલ જિલ્લામાં 149 અને શહેરમાં 174 દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ સારવાર લઈ રહ્યા છે.
15થી 18 વર્ષના બાળકોનું ત્રણ જ દિવસમાં60 ટકા વેકસીનેશન
જિલ્લામાં ગત તા.3થી 15થી 18 વર્ષના બાળકોનું વેકસીનેશન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ઉત્સાહભેર બાળકો વેકસીન લઈ રહ્યા છે. માત્ર ત્રણ દિવસમાં 60 ટકા બાળકોનું વેકસીનેશન થઈ ગયું છે. હવે આગામી 2થી 3 દિવસમાં આ વેકસીનેશન 100 ટકા કરવા જિલ્લા તંત્રએ પ્રયાસો હાથ ધર્યા છે.
જિલ્લામાં માત્ર 6 ટકા લોકોને જ બીજો ડોઝ બાકી
જિલ્લામાં તંત્ર દ્વારા વેકસીનેશન માટે તનતોડ પ્રયાસો કરવામાં આવ્યા છે. જેને સફળતા મળી છે. જિલ્લામાં 99.70 ટકા લોકોએ પ્રથમ ડોઝ લઈ લીધો છે. જ્યારે 94 ટકા લોકોએ બન્ને ડોઝ લઈ લીધો છે. હવે માત્ર 0.30 ટકા લોકોને બન્ને ડોઝ અને 6 ટકા લોકોને બીજો ડોઝ લેવાનો બાકી રહ્યો છે.
કોર્પોરેશને શરૂ કર્યો વોર રૂમ, ધન્વંતરી અને સંજીવની રથ દોડવા લાગ્યા
વેક્સીનની કામગીરી પણ પુર જોશમાં: આજથી 50 સંજીવની રથ શરૂ કરી દેવાયા,141 કેસ મળી આવતા પદાધિકારીઓની ઊંઘ હરામ
અબતક રાજકોટ
રાજકોટમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઇ ગઇ હોય તેવું લાગી રહ્યું છે.ગઈકાલે એક જ દિવસમાં 141 કેસ મળી આવતા તંત્રની ઉંઘ હરામ થઈ ગઈ છે.ફરી કોરોના વોર રૂમ શરૂ કરી દેવાયો છે.100 ધન્વંતરિ રથ અને 50 સંજીવની રથ શરૂ કરી દેવાયા છે.
કોરોનાની મહામારીની ત્રીજી લહેર આગળ વધતી જાય છે ત્યારે સાવચેતીના ભાગરૂપે ઝુંબેશ હાથ ધરી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદી જુદી કામગીરી શરૂ કરવામાં આવેલ છે. હાલમાં શહેર ભરમાં 50 ધનવન્તરી રથ કાર્યરત હતા તેમાં બીજા 50નો વધારો કરી કુલ 100 ધન્વંતરી રથ ચાલુ કરવામાં આવ્યા છે.તેમાં 1 ડોક્ટર અને 1 પેરા મેડીકલ સ્ટાફ ફરજ પર છે તેઓ શહેરના કોરોનાગ્રસ્ત વિસ્તારમાં સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત હોમ આઈસોલેશન દર્દીની સારવાર માટે 50 સંજીવની રથ આજથી કાર્યરત કરવામાં આવશે.તેમાં 1 ડોક્ટર અને 1 પેરા મેડીકલ સ્ટાફ ફરજ પર રખાયા છે.તેમ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ તથા આરોગ્ય કમિટી ચેરમેન ડો.રાજેશ્રીબેન ડોડીયાએ જણાવ્યું છે.વિશેષમાં તેઓએ ઉમેર્યું હતું કે કોરોનાની કોઈપણ પરિસ્થિતિને પહોચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સેન્ટ્રલ ઝોન કચેરીમાં પહેલા માળે રૂમ નં.1માં કંટ્રોલ રૂમ(વોર રૂમ) શરૂ કરવામાં આવેલ છે જ્યાંથી આ તમામ કામગીરીનું મોનીટરીંગ કરવામાં આવે છે. શહેરમાં બસ સ્ટેશન, રેલવે સ્ટેશન તથા એરપોર્ટ પર 24/7 સ્કીનીંગની કામગીરી કરવામાં આવે છે. તેમજ આકાશવાણી ચોક, રૈયા ચોક, કે.કે.વી. ચોક, લીમડા ચોક તથા મવડી ચોક ખાતે કોરોના ટેસ્ટીંગ બુથ કાર્યરત છે.15 થી 18 વર્ષની વયના બાળકોને વેક્સીન આપવાનું શરૂ કરાવેલ છે જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા પણ વેક્સીનની ઝુંબેશ હાથ ધરાયેલ છે જેના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.03 થી તમામ સ્કુલોમાં 15 થી 18 વર્ષની વયના બાળકોને 93 જેટલી ટીમ બનાવી વેકસીનનો પ્રારંભ કરાયેલ જેમાં ક્રમશ: કુલ 45,878(એટલે કે 56%) બાળકોને વેક્સીન આપવામાં આવેલ છે.આ ઉપરાંત 18 થી વધુ વયના લોકોને વેક્સીન આપવાના 11,42,093ના લક્ષ્યાંકની સામે 12,88,015 લોકોને વેક્સીન આપી 112.78% લક્ષ્યાંક સિદ્ધ કરેલ છે તેમજ વેક્સિનના બીજા ડોઝમાં 10,62,649ની સામે 9,63,551 લોકોને વેક્સીન આપી 96.7% લક્ષ્યાંક સિદ્ધ કર્યો છે. ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટી પુષ્કરભાઇ પટેલ તથા આરોગ્ય સમિતિ ચેરમેન ડો.રાજેશ્રીબેન જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોરોનાની કોઈપણ પરિસ્થિતિને પહોચી વળવા તંત્રને સુસજ્જ કરવામાં આવ્યુ છે.