સુરક્ષા એજન્સીઓની ચેતવણીથી શહેરમાં ભીડ જામવા અને ડ્રોન ઉડાડવા પર મૂકાયો પ્રતિબંધ: કલમ ૧૪૪ લાગુ કરાઈ
ભારતની આર્થિક રાજધાની ગણાતા એવા મુંબઈમાં ફરી એક વખત મોટો આતંકવાદી હુમલો થાય તેવી દહેશત ઊભી થઈ છે. આને લઈ સુરક્ષા વિભાગે એલર્ટ જાહેર કર્યુ છે. ગુપ્તચર વિભાગે આ હુમલાની ધમકીના ઇનપુટ્સ મહારાષ્ટ્ર સરકારને આપ્યા છે.
એક તરફ તહેવારોની સીઝન શરૂ થઈ છે તો બીજી તરફ આ માહોલનો ફાયદો ઉઠાવી બોમ્બ ધડાકા કરવા આતંકવાદીઓ ફરી સક્રિય થયા છે. ગુપ્તચર વિભાગના પત્ર બાદ મુંબઇમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આખા શહેરમાં ભીડ જામવા પર અને ફ્લાઈંગ ડ્રોન પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
મુંબઈ પોલીસે એક આદેશ જારી કર્યો છે. તેમાં તેમણે જણાવ્યું છે કે આતંકવાદીઓ અને દેશદ્રોહી લોકો ડ્રોન, રિમોટ સંચાલિત માઇક્રો લાઇટ એરક્રાફ્ટ, એરિયલ મિસાઇલો, પેરા-ગ્લાઇડર્સ દ્વારા હુમલો કરી શકે છે. આતંકવાદીઓ વીવીઆઈપી અથવા ગીચ જગ્યાઓને નિશાન બનાવી શકે છે. જેના લીધે કાયદો અને વ્યવસ્થા બગડતાની સાથે જાહેર સંપત્તિને મોટુ નુકસાન પહોંચી શકે છે.
મુબંઈમા ૩૦ દિવસ માટે કલમ ૧૪૪ લાગુ
આતંકી હુમલાની દહેશતથી મુંબઇ એલર્ટ થઈ ગયું છે. તમામ ફ્લાઈંગ ઓબ્જેક્ટ પર પ્રતિબંધ મૂકાયો છે. તેમજ શહેરમાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. આદેશમાં જણાવાયું છે કે આ હુકમ આગામી ૩૦ દિવસ સુધી અમલમાં રહેશે. મુંબઈ પોલીસના ડીસીપી ચૈતન્યએ લોકો માટે અપીલ જારી કરી છે. તેમણે અપીલમાં કહ્યું છે કે લોકોને આતંકવાદી હુમલાના એલર્ટથી ગભરાવાની જરૂર નથી. લોકોએ ડરવું જોઈએ નહીં. પણ સજાગ અને સાવધ રહેવું જોઈએ.
નવેમ્બર ૨૦૦૮માં થયેલો આતંકી હુમલો
મુંબઈ અગાઉ પણ ઘણા આતંકી હુમલાનું ભોગ બન્યું છે. વર્ષ ૧૯૯૩માં બોમ્બ ઘડાકા બાદ છેલ્લે ૨૦૦૮મા ભયાનક હુમલો થયો હતો. નવેમ્બર, ૨૦૦૮માં શહેરમાં થયેલા હુમલા આતંકવાદી હુમલાઓનું એક જૂથ હતું, જ્યારે મુંબઈ સ્થિત લશ્કર-એ-તૈયબા નામના ઇસ્લામિક આતંકવાદી સંગઠનના ૧૦ આતંકીઓએ ૧૨ સંકલિત ગોળીબાર અને શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કર્યા હતા. વૈશ્વિક સ્તરે વ્યાપકપણે આ ઘટનાને વખોડી કાઢવામાં આવી હતી. જેમાં ૧૫૫ લોકો માર્યા ગયા હતા જયારે ૩૦૪ લોકો ઘાયલ થયા હતા.