Abtak Media Google News
  • હવે ખમૈયા કરો મહારાજ
  • મેઘરાજાના બે રૂપ સુરેન્દ્રનગર જિલ્લામાં હજી નોંધપાત્ર વરસાદ વરસ્યો જ નથી
  • દરિયાકાંઠા વિસ્તારના ત્રણેય જિલ્લાની હાલત ભારે કફોડી,  દ્વારકામાં તો હવે જમીનમાંથી સરવાણી ફૂટવા લાગી: મોટાભાગના વિસ્તારોમાં વાવણી નિષ્ફળ: ખેડુતોને પારાવાર નુકશાની

સૌરાષ્ટ્રમાં મેઘરાજાના બે રૂપ જોવા મળી રહ્યા છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાં લીલા દુષ્કાળની ભીતિ ઝળુંબી રહી છે તો  બીજી તરફ હજી સુરેન્દ્રનગર જિલ્લામાં સંતોષકારક  વરસાદ વરસ્યો  નથી જો મેઘરાજા ખમૈયા નહી કરે તો દરિયાકાંઠા વિસ્તારના આ ત્રણેય જિલ્લામાં પારાવાર નુકશાનીની દહેશત વર્તાય રહી છે. દેવભૂમિ દ્વારકામાંતો રેકોર્ડબ્રેક વરસાદ છેલ્લા ત્રણ દિવસમાં  વરસી જવાના કારણે હવે જમીનમાંથી પાણીની  સરવાણી ફૂટવા લાગી છે. વાવણી નિષ્ફળ ગઈ છે.જગતાતને ભારે નુકશાની થવા પામી છે. બજારોમાં પણ કમરડુબ પાણી ભરાવાના કારણે વેપારીઓ પણ પાયમાલ થઈ ગયા છે. રાજય સરકાર દ્વારા તાત્ક્ાલીક અસરથી ભારે વરસાદથી નોંતરાયેલી ખૂંવારીનો સર્વે કરી સહાય ચૂકવવાની માંગ ઉઠી રહી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌથી વધુ  142 ટકા જેટલો  વરસાદ વરસી ગયો  છે. દ્વારકા શહેરમા  54 ઈંચ એટલે કે સિઝનનો  238 ટકા વરસાદ વરસી  ગયો છે.  આ ઉપરાંત  કલ્યાણપુરમાં 50 ઈંચ અર્થાત સીઝનનો  140 ટકા, ખંભાળીયામાં  42 ઈંચ એટલે કે 121 ટકા અને  ભાણવડમાં 28 ઈંચ અર્થાંત 95 ટકા વરસાદ પડયો છે. જિલ્લાનાં તમામ જળાશયો  ઓવરફલો થઈ ગયા છે.  સ્થિતિ ખૂબજ નાજૂક છે. સેંકડો લોકોનું સલામત  સ્થળે સ્થળાંતર  કરવામાં આવ્યું છે.

જૂનાગઢ જિલ્લાની સ્થિતિ પણ  ભારે વરસાદના કારણે થોડી નાજૂક છે. જિલ્લામાં અત્યાર સુધીમાં સીઝનનો 119.71 ટકા વરસાદ વરસી ગયો છે. ભેંસાણ અને માંગરોળને બાદ કરતા જિલ્લાના તમામ 9 તાલુકાઓમાં 100 ટકાથી વધુ વરસાદ વરસી ગયો છે. જૂનાગઢ ગ્રામ્ય અને શહેરમાં 116.56 ટકા, કેશોદમાં 139.62 ટકા, માળીયાહાટીનામાં 103.36 ટકા, માણાવદરમાં 157.28 ટકા, માંગરોળમા 83 ટકા, મેંદરડામાં  124.15 ટકા, વંથલીમાં  140.12 ટકા અને  વિસાવદરમાં 124.23 ટકા વરસાદ વરસી ગયો છે. જયારે પોરબંદર જિલ્લામાં આજ સુધીમાં સીઝનનો  121.30 ટકા વરસાદ પડી ગયો છે. કુતિયાણા તાલુકામાં  94.69 ટકા, પોરબંદરમાં 152.53 ટકા,  અને રાણાવાવમાં 119.59 ટકા વરસાદ વરસી ગયો છે.

મેઘરાજાએ એક તરફ દરિયાકાંઠા વિસ્તારના ત્રણ જિલ્લાને ધમરોળી નાખ્યા છે. તો બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં હજી સંતોષકારક વરસાદ પડયો નથી સુરેન્દ્રનગર જિલ્લામાં માત્ર  30.14 ટકા જ વરસાદ પડયો છે.

દેવભૂમિ દ્વારકા, પોરબંદર, અને જૂનાગઢ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વાવણી નિષ્ફળ જવા પામી છે. ખેતરમોાં  ગોઠણડુબ પાણી ભરાયેલા છે. ખેડુતોને ભારે નુકશાની થવા પામી છે.

સોરઠનું સ્વર્ગ મનાતો હસ્નાપુર ડેમ છલકાયો

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મૂશળધાર વરસાદ વરસ્યો છે. જેને લઇને અનેક જળાશયોમાં નવા નીરની આવક થઇ છે. દરમિયાન જૂનાગઢમાં ગીરનારની ગોદમાં આવેલો હસ્નાપુર ડેમ છલકાયો છે. હસ્નાપુર ડેમ જૂનાગઢ પંથકનો મહત્વનો ડેમ છે અને જૂનાગઢ શહેરને પાણી પુરૂં પાડે છે. આ ડેમ પર્યટકોનું પ્રિય સ્થળ પૈકીનું એક છે અને સોરઠનું સ્વર્ગ માનવામાં આવે છે. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ વચ્ચે રાજ્યના કુલ 207 જળાશયોમાંથી 31 જળાશયો સંપૂર્ણ રીતે ભરાઇ ગયા છે. જ્યારે 60 જેટલા જળાશયોને હાઇ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના 28 અને કચ્છ જિલ્લામાં આવેલા ત્રણ જળાશયો ઓવરફ્લો થયા છે.

956 કરોડના સુદર્શન બ્રિજના પાંચ માસમાં ગાબડા પડ્યા !!

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત 25 મી ફેબ્રુઆરીના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારે દ્વારકાનો સુદર્શન સેતુ બ્રિજ કેવો હતો અને અત્યારે કેવો થઇ ગયો છે. ઓખા મેઇનલેન્ડ અને બેટ – દ્વારકા ટાપુને જોડતો આ પુલ જે સુદર્શન સેતુ થી ઓળખાય છે. જે બ્રીજનું ઉદ્ઘાટન કે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે કરવામાં આવ્યું હતું. જ્યારે આ પુલને આખો ઝગમગ કરીને ચમકાવામાં આવ્યો હતો. પરંતુ આ બ્રિજની ચમક હવે ક્યાંક ફીકી પડી હોય તેવું જ લાગી રહ્યું છે.

આ સુદર્શન સેતુ બ્રિજ કે જે 2320 મીટર લાંબો અને 27.20 મીટર પોહળો આ સેતુ નો 900 મીટરનો ભાગ કેબલ સ્ટેન્ડથી ઉભો કરવામાં આવ્યો છે. પુલ નિર્માણ પાછળ 956 કરોડ રૂપિયાનો ખર્ચો કરવાં આવ્યો હતો. પરંતુ આ કરોડો અબજો રૂપિયા જાણે પાણીમાં ડૂબી ગયા હોય એવું જ લાગી રહ્યું છે. પાંચ જ મહિનામાં બ્રિજના સળિયા દેખાવા લાગ્યા છે. આ બ્રિજના હાલમાં પોપડા ઉખડવા લાગ્યા છે. આટલા રૂપિયા ખર્ચ્યા તેમ છતાં આ બીજનું કામ નિમ્ન કક્ષાનું થયું હોય તેવું જ લાગી રહ્યું છે. હજી પણ જો તંત્ર નહિ જાગે તો મોરબી બ્રિજ જેવી દુર્ઘટના થતા વાર નહિ લાગે તેવું જ લાગી રહ્યું છે.

બ્રિજમાં રસ્તામાં સળિયા દેખાવવા લાગ્યા છે. તો કયાંક બ્રિજમાં જે જોઈન્ટ આપવમાં આવ્યો હોય તે જોઈન્ટ પણ ખુલી ગયા છે. જે ફોટામાં દેખાય જ છે. આ તો કેવા પ્રકારનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવ્યું છે. ગુજરાતમાં અનેક બ્રિજ બનાવામાં આવ્યા છે તે બ્રિજની કામગીરીને લઈને સવાલો ઉભા થયા છે. ત્યારે હવે આ બ્રિજની જે પ્રમાણે કામગીરી કરવામાં આવી છે તેની ગુણવતા જે જોવા મળી રહી છે તેને લઈને કોન્ટ્રક્ટર સામે કોઈ પગલાં ભરવામાં આવશે ખરી ? અને જે પ્રમાણે આ બ્રીજનું કામ અબજો રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું છે ત્યારે આ જે નિમ્ન કક્ષાનું કામ થયું છે ત્યારે આ બ્રિજના કામમાં પણ ભ્રષ્ટાચાર મોટા પ્રમાણમાં થયો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે હવે આ ભ્રષ્ટાચારની તપાસ કરવામાં આવશે ખરી ?

ભારે વરસાદથી છેલ્લા 24 કલાકમાં 8 લોકોના મૃત્યુ

રાજ્યમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે ત્યારે ભારે વરસાદને પગલે રાજ્યમાં 215 લોકોના રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. અને 800થી વધુ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં આઠ લોકોના મૃત્યુ થયા છે. સિઝન દરમિયાન કુલ 62 માનવ જીંદગી હોમાઇ છે. જેમાં અલગ-અલગ વિજળી પડવાથી તેમજ અન્ય આફતોને કારણે મૃત્યુ થયા છે. વરસાદની સ્થિતિને ધ્યાનમાં લઇ 13 એનડીઆરએફની ટીમ અને 20 એસડીઆરએફની ટીમ ડિપ્લોય કરાઇ છે અને બે એનડીઆરએફની ટીમ રિઝર્વ ઉપર છે. કુલ 253 ગામોમાં વિજળીનો પૂરવઠો ખોરવાયો છે. જ્યારે 225 ગામોમાં વિજ પૂરવઠો પૂર્વત: શરૂ કરવાની કામગીરી ચાલુ છે.

રાજ્યના 666 રસ્તાઓ બંધ

રાજ્યભરમાં ભારે વરસાદને કારણે અનેક રોડ-રસ્તાઓ બંધ થયા છે. રાજ્યમાં 17 જેટલા સ્ટેટ હાઇવે બંધ હાલતમાં છે. જ્યારે અન્ય 42 તથા 607 પંચાયત હસ્તકના રસ્તાઓ બંધ છે. એમ કુલ મળીને 666 રસ્તાઓ બંધ હાલતમાં છે. આજે સૌરાષ્ટ્રના બે તેમજ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના પાંચ જિલ્લાઓમાં રેડ એલર્ટ છે. બે દિવસ પૂર્વે દ્વારકામાં ત્રણ લોકોને એરલીફ્ટ કરવામાં આવ્યા હતા. આજે સુરતના લુહાર ગામમાં પણ અનેક લોકોને એરલીફ્ટ કરવામાં આવ્યા છે.

વરસાદનું જોર ઘટ્યા બાદ સર્વેની કામગીરી હાથ ધરાશે: રાહત કમિશનર

રાજ્યમાં વડોદરા, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડી રહેલા ભારે વરસાદને લઇ રાહત કમિશનર આલોક પાંડેએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી દ્વારા દર બે કલાકે માહિતી અને વિગતો આપવામાં આવી રહી છે. રાજ્યમાં સિઝનનો 53 ટકા વરસાદ વરસી ચુક્યો છે. સિઝનમાં 73 તાલુકામાં 500 મીમી કરતા વધુ વરસાદ થયો છે. સૌરાષ્ટ્રમાં પણ અતિભારે વરસાદ વરસ્યો છે. કૃષિમાં નુકશાની બાબતે હાલ તો પાણી ભરાયેલા છે માટે સર્વે થઇ રહ્યો નથી. વરસાદનું જોર ઘટ્યા બાદ તાકીદે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.