બંગાળની ખાડીમાં વધુ એક લો-પ્રેશર બનશે: સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજયભરમાં ૨૨ અને ૨૩ ઓગસ્ટે વરસાદ તુટી પડે તેવી આગાહી વ્યકત કરતુ હવામાન વિભાગ: છેલ્લા ૨૪ કલાકમાં રાજયના ૧૭૯ તાલુકાઓમાં વરસાદ
રાજયમાં આગામી ૨૨ અને ૨૩ ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યકત કરવામાં આવી છે જેથી હવે લીલા દુકાળની ભીતિ સેવાઈ રહી છે. અગાઉ જ ભારે વરસાદનાં પગલે અનેક જિલ્લાઓને નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે મેઘરાજા વધુ એક ધુઆંધાર રાઉન્ડ લેવાના છે જેથી તંત્રમાં પણ ચિંતા જોવા મળી રહી છે.
હવામાન વિભાગ દ્વારા અગાઉ પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી જે હાલ સુધી યથાવત રહી છે પરંતુ બંગાળની ખાડીમાં વધુ એક લો-પ્રેશર બની રહ્યું હોય જેથી હવામાન વિભાગ દ્વારા આગામી ૨૨ અને ૨૩ ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજયભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહીના પગલે તંત્ર એલર્ટ મોડ ઉપર આવી ગયું છે અને અનેક જિલ્લાઓમાં જયાં એસડીઆરએફ અને એનડીઆરએફનો પડાવ છે તે ટીમોને વધુ સતર્ક રહેવાની સુચના આપી દેવામાં આવી છે. વધુમાં જે વિસ્તારો નિચાણવાળા છે ત્યાં તંત્ર દ્વારા વધુ ધ્યાન આપવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત દરિયાકાંઠાનાં વિસ્તારો છે ત્યાં પણ તંત્ર વધુ સજાગ બન્યું છે. માછીમારોને માછીમારી ન કરવા માટેની સુચના પણ તંત્ર દ્વારા આપી દેવામાં આવી છે.
હાલ સુધી મેઘરાજાએ રાજયમાં ખમૈયા કર્યા નથી. છેલ્લા ૨૪ કલાકમાં રાજયનાં ૧૭૯ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેની વિગતો જોઈએ તો નવસારીનાં ખેર ગામમાં ૪ ઈંચ, અરવલ્લીનાં ભિલોડામાં ૩॥ ઈંચ, આણંદનાં બોરસદમાં ૩॥ ઈંચ, નવસારીનાં ચીખલી, વાસંદામાં ૩ ઈંચ, વલસાડમાં ૩ ઈંચ, આણંદનાં પેટલાદમાં અને નવસારીનાં ગણદેવીમાં ૩ ઈંચ, સુરેન્દ્રનગરનાં વઢવાણમાં તેમજ બનાસકાંઠાનાં સુઈ ગામમાં ૨॥ ઈંચ, નર્મદાના ડેડીયાપાડામાં સવા બે ઈંચ, ડાંગનાં સુબીર અને વઘઈમાં સવા બે ઈંચ, સુરતનાં બારડોલીમાં સવા બે ઈંચ, ડાંગમાં ૨ ઈંચ, નવસારીમાં ૨ ઈંચ, કાંકરેજમાં ૨ ઈંચ, સુરતનાં મહુવામાં ૨ ઈંચ, વલસાડનાં ધરમપુરમાં પોણા બે ઈંચ, તાપીનાં સોનગઢમાં પોણા બે ઈંચ, સુરતનાં ચોર્યાસીમાં પોણા બે ઈંચ, સુરેન્દ્રનગરનાં લખતરમાં પોણા બે ઈંચ, નવસારીનાં જલાલપોરમાં પોણા બે ઈંચ, વલસાડનાં કપરાડામાં પોણા બે ઈંચ, ગોંડલમાં દોઢ ઈંચ, તાપીનાં વાલોદમાં દોઢ ઈંચ, તાપીનાં વ્યારામાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે.
તેલીબીયા અને કઠોળમાં નુકસાનનાં ભણકારા
ઓગસ્ટ મહિનામાં પણ વરસાદનું જોર યથાવત રહેતા ખેડુતોની માઠી બેઠી છે. તેલીબીયા અને કઠોળનાં પાકને વરસાદને પગલે નુકસાન થઈ રહ્યું હોવાની બુમરાળ ઉઠવા પામી છે. ખેડુતો દ્વારા વાવવામાં આવેલા તલ, મગફળી, મગ, અડદ સહિતનાં પાકોમાં ઉગાવો થયો હોવાની રાવ ઉઠી છે. વધુમાં હજુ જો મેઘરાજા વિરામ નહીં લ્યે તો ખેડુતોને વધુ નુકસાન થશે તે નકકી છે. આ ઉપરાંત ડુંગળીના પાકને પણ નુકસાન થઈ રહ્યું હોવાનું ખેડુતો જણાવી રહ્યા છે.