પાણીનાં નિકાલની તાત્કાલિક વ્યવસ્થા કરવા સ્થાનિકોની માંગ
જસદણના ચિતલિયાકુવા રોડ કાળુપીરના બાવળ પાસે ભૂગર્ભ ગટરનું ખોદાણ થતાંની સાથે જ આ વિસ્તારની પાણીની પાઇપલાઇન અને સ્થાનિક રહેવાસીઓના નળજોડાણ તૂટી જતાં ગટરનું પાણી પીવાના પાણીની પાઇપલાઇનમાં ઘુસી જતાં જો આ બાબતે પાલિકા તંત્ર અને પાણી પુરવઠા બોર્ડ સજાગતા નહિ દાખવે તો શહેરમાં પાણીજન્ય રોગો ફેલાવવાની દહેશત છે.
શહેરમાં ભૂગર્ભ ગટરના કામો પુરા થયાનાં વર્ષો બાદ ચિતલિયાંરોડ પર કામ શરૂ થતાં જ અત્રેના રહેવાસીઓ અને વેપારીઓને પ્રથમ કોળીયે માખી આવી હોવાનો ઘાટ ઘડાયો છે ખોદાણ પણ નિયમ મુજબ થયું નથી પેટા શેરીઓમાં જે લોકો વર્ષોથી નગરપાલિકાના વિવિધ વેરાઓ ભરે છે તે શેરીઓમાં કામ ચાલુ કરવામાં આવ્યું નથી દુકાનદારો અને રહેવાસીઓના નળજોડાણ તોડી નાખ્યા છે ખાડામાં ગટરનું પાણી છે આવી પ્રારંભે અનેક સમસ્યાઓનો નાગરિકો સામનો કરી રહ્યાં છે. અત્રેના વેપારીઓએ જણાવ્યું હતું કે તંત્રને અત્યારે જ વર્ષો પછી તે પણ લગ્નસરાની સીઝનમાં ભૂગર્ભ ગટર બનાવવાનું કેમ સુજ્યુ? અત્યાર સુધી તંત્ર શુ કરતું હતું? હાલ કામ તો શરૂ કરવામાં આવ્યું છે ત્યારે નિયમ મુજબ મજબૂત કામ સાથે જે તૂટેલી પાણીની પાઇપલાઇન અને જે ઘર દુકાનોના નળજોડાણ તૂટેલા છે આ ઉપરાંત જે પેટા શેરીઓ છે તેમના પાણીના નિકાલની તાત્કાલિક વ્યવસ્થા કરે નહિતર ગાંધી ચિંઘ્યા માર્ગે ચાલવાની ચીમકી ઉચ્ચારી છે.