લગ્ન સિઝન તો લાંબી ચાલશે પણ તા.1, 2, 4 અને 8 ડિસેમ્બરે શ્રેષ્ઠ મુહૂર્ત હોય ત્યારે સૌથી વધુ લગ્નના આયોજનો
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે થોડા દિવસોની વાર છે ત્યારે મતદાનની તારીખો અને લગ્નોના મુહૂર્ત વચ્ચે પણ ટકરાવ થવાની શક્યતા છે. ગુજરાતમાં પહેલી અને પાંચમી ડિસેમ્બરે મતદાન થવાનું છે, પરંતુ તે દિવસોમા રાજ્યમાં હજારો લગ્નો પણ નિર્ધારિત છે જેથી વોટિંગને અસર પડી શકે છે. રાજકીય નેતાઓ આ કારણથી ચિંતિત છે.
રાજકારણીઓ શક્ય એટલું વધારે વોટિંગ થાય તે માટે લોકોને સમજાવવાનો પ્રયાસ કરશે, પરંતુ આખરે લગ્નપ્રસંગોમાં લોકો વ્યસ્ત હશે તો તેમને મતદાન કેન્દ્રો સુધી નહીં લાવી શકાય તેમ લાગે છે. દેશમાં 4 નવેમ્બરથી 14 ડિસેમ્બર વચ્ચે લગભગ 32 લાખ લગ્નો થવાના છે.
પંડિતોના જણાવ્યા પ્રમાણે 2, 4 અને 8 ડિસેમ્બરે સૌથી વધારે લગ્નો હશે કારણ કે આ ત્રણેય દિવસે શુભમુહૂર્ત આવે છે. 22 નવેમ્બરથી લગ્નગાળાની શરૂઆત થાય છે અને તે 16 ડિસેમ્બર સુધી ચાલશે. 16 ડિસેમ્બરથી કમુર્તા શરૂ થશે. તેથી જે લગ્નપ્રસંગ યોજાવાના છે તે આ બે તારીખની વચ્ચે જ યોજાશે.
ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થવાનું જે જેમાં પહેલી અને પાંચમી ડિસેમ્બરે મતદાન થશે અને 8 ડિસેમ્બરે રિઝલ્ટ આવશે. છેલ્લા બે વર્ષમાં કોવિડના કારણે લગ્નપ્રસંગે મહેમાનોની સંખ્યા પર નિયંત્રણ હતા. પરંતુ હવે આવા નિયંત્રણ રહ્યા નથી તેથી લોકો શુભ પ્રસંગોને ઉજવવા માંગે છે.
પંડીયોના જણાવ્યા અનુસાર આ વખતે 28, 29 નવેમ્બર તથા 2, 4 અને 8 ડિસેમ્બરે મોટી સંખ્યામાં લગ્નપ્રસંગ યોજાવાના છે. રાજકારણીઓના જણાવ્યા અનુસાર લોકોએ ઘણા સમય પહેલાથી લગ્નના મુહૂર્ત કઢાવીને આયોજન કરી લીધું છે તેથી તેમાં કોઈ ફેરફાર નહીં થઈ શકે. પણ તેઓ પુરા પ્રયાસ કરશે કે વધુમાં વધુ મતદાન થાય.
ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટે ડિસેમ્બરના પહેલા દિવસથી જ મતદાન થશે. પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે 89 બેઠકો પર વોટિંગ થશે જ્યારે 5 ડિસેમ્બરે બીજા તબક્કામાં 93 બેઠકો માટે મતદાન કરવામાં આવશે. 8 ડિસેમ્બરે મતગણતરી થશે.