એલઆઈસી દ્વારા રેકોર્ડબ્રેક રૂ.1.84 લાખ કરોડનું પ્રિમીયમ કલેકટ થયું
કોરોના મહામારીના કારણે લોકો મોતના ડરથી જીવન વિમા તરફ વળ્યા છે જેના પરિણામે એલઆઈસી દ્વારા રેકોર્ડબ્રેક 1.84 લાખ કરોડનું પ્રિમીયમ કલેકટ કરવામાં આવ્યું છે. એલઆઈસી દેશની સૌથી મોટી લાઈફ ઈન્સ્યોરન્સ પેઢી છે. સરકાર દ્વારા સંચાલિત એલઆઈસીનો માર્કેટ શેર 2021ના માર્ચ મહિનાની ગણતરીએ 81.04 ટકાનો હતો. ગત વર્ષે આ ટકાવારી 74.58 ટકા જેટલી હતી.
નાણાકિય વર્ષ 2020-21માં એલઆઈસીને પ્રથમ વર્ષનું પ્રિમીયમ તરીકે રૂ.56,406 કરોડ મળ્યા હતા આ રકમ નાણાકિય વર્ષ 2020માં 10.11 ટકાનો વધારો સુચવે છે. આ સમયગાળા દરમિયાન કુલ 210 કરોડ નવી પોલીસી નિકળી હતી. એકલા માર્ચ મહિનામાં જ 46.72 લાખ પોલીસી નોંધાઈ હતી. એકંદરે આ વૃદ્ધિ દર 298.82 ટકાનો રહ્યો છે. માર્ચ મહિનામાં એલઆઈસીનો પ્રથમ વર્ષના પ્રિમીયમનો માર્કેટ શેર 64.74 ટકાનો રહ્યો હતો. આખા વર્ષમાં સરેરાશ હિસ્સો 66.18 ટકાનો રહ્યો છે.
આ ઉપરાંત પેન્શન અને ગ્રુપ સ્કીમમાં પણ ખુબ મોટો ઉછાળો જોવા મળ્યો છે. આ બંને માધ્યમોથી એલઆઈસીને રૂ.1.27 લાખનું પ્રિમીયમ મળ્યું છે. નવી યોજનાઓમાં પણ લોકોનો ભારે ધસારો જોવા મળ્યો છે. આંકડા મુજબ નવી સ્કિમમાં વેચાણ 31,795એ પહોંચ્યો છે. એલઆઈસીમાં નવા 3,45,469 એજન્ટ જોડાયા છે. કુલ એજન્ટની સંખ્યા 13,53,808 જેટલી થઈ ગઈ છે. એલઆઈસી આ સિદ્ધિઓ સાથે જ મિલીયન ડોલર રાઉન્ડ ટેબલ (એમડીટીઆર)માં પહોંચી ગઈ છે. વિમા કંપની દ્વારા કોઈ એક વર્ષમાં ઈન્સ્યોરન્સના માધ્યમથી 1 મિલીયન ડોલર જેટલી રકમ એકઠી કરવામાં આવી તેને એમડીટીઆર કહેવામાં આવે છે. અહીં ઉલ્લેખનીય છે કે, ગ્રાહકોની સેવામાં એલઆઈસી ખુબ સક્રિય રહી છે. છેલ્લા ઘણા સમયથી ડિજિટલ કામગીરી તરફ એલઆઈસી વળી છે. પરિણામે ગ્રાહકોને ખુબ સરળતા રહે છે. પ્રિમીયમને રિન્યુ કરવા, લોનની ભરપાઈ કરવા અને લોનનું વ્યાજ ચુકવવા સહિતની કામગીરી હવે ઈન્ટરનેટ બેકિંગના માધ્યમથી થવા લાગી છે. ક્રેડિટ અને ડેબિટ કાર્ડ, યુપીઆઈ, પેટીએમ, ફોન-પે, ગુગલ-પે, એમેઝોન-પે સહિતના માધ્યમથી આ ચુકવણી કરી શકાય છે. આ તમામ પેમેન્ટ ચેનલ વિનામુલ્યે રહે છે. એલઆઈસીમાં પ્રિમીયમ માટેનું પેમેન્ટ પણ એનએસીએચ મેન્ડેટથી થઈ શકે છે. ઈ-પોલીસી પણ ગ્રાહકને મોકલવામાં આવે છે. એલઆઈસીની મોબાઈલ એપ્લીકેશન એલઆઈસી ડોક કયુ પણ ગ્રાહકો માટે અનુકૂળ બની ગઈ છે. ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારી દરમિયાન એલઆઈસી દ્વારા 2.19 કરોડ મેચ્યુરીટી કલેઈમ, મની બેક કલેઈમ અને વાર્ષિક વળતર અપાયા હતા.