કોરોનાએ અનેક ઉદ્યોગોની હાલત કફોડી બનાવી છે.હાલ સંક્રમણ વધતાં અનેક દેશોએ ભારતીય મુસાફરો તેમજ તેમજ વાહન વ્યવહાર પર પ્રતિબંધો મૂકી દીધા છે. તેવા સમયમાં ભારતના કાપડના નિકાસકારોને માઠી અસરનો સામનો કરવો પડી રહ્યો છે. એશિયા ખંડમાં ભારત સિવાય બાંગ્લાદેશ, કંબોડિયા, શ્રીલંકા અને પાકિસ્તાન કાપડ ઉદ્યોગમાં ભારતના હરીફો છે. ત્યારે નિયંત્રણોના પગલે ભારતીય નિકાસકારો અન્ય દેશને સેમ્પલ પણ મોકલી શકતા નથી જેના કારણે અનેક ઓર્ડર પણ કેન્સલ થાય તેવી ભિતી સેવાઇ રહી છે.
ખાસ રાજકોટ-સૌરાષ્ટ્રના ખેડૂતો માટે કપાસ મુખ્ય પાકો પૈકી એક છે. સૌરાષ્ટ્રના મોટાભાગના ખેડૂતો કપાસનું વાવેતર કરતા હોય છે. જગતનો તાત રાત-દિન એક કરીને ગમે તેટલી સારી ઉપજ મેળવે પણ જો તેનો ગ્રાહક જ ન મળે તો જગતના તાતને માથે હાથ રાખીને રડવાનો સમય આવે. કપાસની મોટાભાગની ખરીદી કાપડના નિકાસકારો કરતા હોય છે પણ જો નિકાસકારોને વૈશ્વિક બજારમાંથી ઓર્ડર જ ન મળે તો તેઓ ખરીદી નથી જ કરવાના જેની સીધી અસર સૌરાષ્ટ્રના ખેડૂતોને થશે.
તમિલનાડુ અને કર્ણાટકના નિકાસકારોના મત મુજબ દર વર્ષે નિકાસકારોને વૈશ્વિક સ્તરે જે ઓર્ડર મળતા હોય છે તેમાં આ વર્ષે ૫૦ ટકા જેટલો ઘટાડો થાય તેવી શક્યતા છે, જેનું એકમાત્ર કારણ એવું છે કે, હાલના તબક્કે આકરાં નિયંત્રણોના પગલે નિકાસકારો કાપડનો જથ્થો તો ઠીક પરંતુ સેમ્પલ પણ અન્ય દેશમાં મોકલી શકતા નથી.
તમિલનાડુના ગોમથા ઇન્ટરનેશનલના ભાગીદાર સીએમએન મુરુગનંદને કહ્યું કે, ગઈકાલે ઓસ્ટ્રેલિયાની એક કંપનીએ અમને ઇ-મેલ મારફત જાણ કરી કે તેઓ હવે કાપડ માટે ભારત સિવાયના અન્ય વિકલ્પો તરફ વળી રહ્યા છે. તેનું એકમાત્ર કારણ એ છે કે, હાલ સુધી ભારતીય નિકાસકારો આ કંપનીઓને સેમ્પલ પણ મોકલી શક્યા નથી. નોંધનીય બાબત છે કે, પશ્ચિમી દેશોના સૌથી મોટા તહેવાર ક્રિસમસ સમયે કાપડનો ખૂબ મોટો વેપાર થતો હોય છે જેનું ઉત્પાદન હાલના સમયમાં જ કરવું પડતું હોય પરંતુ હાલ ભારતીય નિકાસકારો કાપડનો જથ્થો પશ્ચિમી દેશોમાં મોકલી શકવા સક્ષમ નહીં હોવાથી તેની માઠી અસર ભારતીય નિકાસકારોને વેઠવી પડશે.
મોટા નિકાસકારો પૈકી એક અરવિંદના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કુલીન લાલભાઈએ કહ્યું હતું કે, અમેરિકા અને યુરોપ કોરોના સંક્રમણમાંથી સંપૂર્ણપણે બહાર નીકળી ચૂક્યા છે જેના કારણે હવે થોકબંધ ઓર્ડરો મળી તો રહ્યા છે પરંતુ અમે કાચોમાલ ત્યાં સુધી મોકલવા અસમર્થ છીએ ત્યારે ઓર્ડર હવે કેન્સલ થઈ રહ્યા છે. જેનો લાભ લઇને ભારતના હરીફ દેશો પશ્ચિમી દેશોમાં કાપડના કાચા માલની નિકાસ તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. ગત વર્ષે આકરા નિયંત્રણ અને લોકડાઉનની કોઈ મોટી અસર આવી ન હતી જેનું એક માત્ર કારણ હતું કે, તે સમયે વિશ્વના મોટાભાગના દેશો લોકડાઉનમાંથી પસાર થઇ રહ્યા હતા પરંતુ આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે આજે જેટલું સંક્રમણ ભારતમાં છે તેટલું અન્ય દેશોમાં નથી
એપ્રેલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. જેમાં માગણી કરાઈ છે કે, ભારતના કાપડના નિકાસકારોને લોકડાઉન અને રાત્રિ કરફ્યુ માંથી મુક્તિ આપવામાં આવે છે જેથી વૈશ્વિક સપ્લાય ચેઇનમાં ભારતીય નિકાસકારો પોતાનું સ્થાન યથાવત રાખી શકે અન્યથા આગામી દિવસોમાં ભારતીય નિકાસકારોની સ્થિતિ કફોડી બની શકે છે.
નિકાસકારોની નુકસાની જગતના તાતને સ્પર્શશે
સૌરાષ્ટ્રના ખેડૂતો માટે કપાસનો પાક એ મુખ્ય પાકો પૈકી એક છે. મોટાભાગના ખેડૂતો કપાસની ખેતી કરતા હોય છે. ત્યારે ઉપજ ગમે તેટલી સારી હોય પરંતુ જો તેનો ગ્રાહક ન મળે તો ખેડુતોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે. ખૂબ જ નોંધનીય બાબત છે કે, કાપડ બનાવવા માટે મોટભાગે કપાસની ખરીદી કરવામાં આવતી હોય છે તેમાં પણ નિકાસકારો કપાસના મોટા ખરીદીદારો છે પરંતુ જો તેમનો ધંધો ઠપ્પ થાય તો ખેડૂતો નીચા ભાવે પોતાની ઉપજ વેચવા મજબૂર બનશે ત્યારે નિકાસકારોની આ વ્યથાને ગંભીરતાથી લઇ ખેડૂતોને કેન્દ્રમાં રાખીને યોગ્ય નિર્ણય કરવો અતિ આવશ્યક છે.