બેન્કિંગ ક્ષેત્ર ‘વિશ્ર્વાસ’ પર આધારીત, થાપણદારોની મુડીનું જતન, સંવર્ધન અને સુરક્ષાના પરિમાણો પર પારકા પૈસે ઉભા થનારા કોર્પોરેટ ક્ષેત્ર કેટલા અંશે ખરા ઉતરે તે ૧૦૦ મણનો સવાલ ‘નજર અંદાજ’ કરવો ન પરવડે
ભારતીય અર્થતંત્ર, સામાજીક જીવન અને ઉદ્યોગ જગતથી લઈને વિકાસદરના આધાર ગણાતા બેન્કિંગ ક્ષેત્રની વિશ્ર્વસનીયતા, વિકાસ અને બેન્કિંગ ક્ષેત્ર પર અસર કરતા પરિબળોના બદલાવની અસર લાંબાથી ટૂંકાગાળે વ્યાપક પ્રમાણમાં થાય તે સ્વાભાવીક છે. ભૂતકાળમાં પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ બેંકોના રાષ્ટ્રીયકરણના નિર્ણયથી બેન્કિંગ ક્ષેત્રને આપેલી નવી દિશા અને દશાની દાયકાઓની સફર બાદ આજે ભારતનું બેન્કિંગ ક્ષેત્ર કેટલાક નકારાત્મક પરિબળોને લઈને વિકાસના માર્ગ પર એવા ત્રિભેટે આવીને ઉભુ છે કે, બેન્કિંગ ક્ષેત્રને લઈને લેવાનારા નિર્ણયમાં જો જરા પણ થાપ ખવાઈ જાય તો લાંબાગાળે ફાયદાના બદલે મોટા અનર્થ સર્જાય જાય. બેન્કિંગ ક્ષેત્રે કોર્પોરેટ જગતની એન્ટ્રીને લઈને દલા તરવાડી વાળી જેવી થવાની દહેશત ઉભી થઈ છે. દેશ માટે કોર્પોરેટ જગતને બેંકોનો હવાલો આપવો બહુ જ મોટુ જોખમ ઉભુ થનારૂ બની રહેશે તેવી દહેશત વ્યકત કરવામાં આવી છે.
તાજેતરમાં જ રિઝર્વ બેંકે બેન્કિંગ ક્ષેત્રમાં કોર્પોરેટ જગતના આગમનની કરેલી દરખાસ્તને આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને જીવતા બોમ્બ જેવી ગણાવીને બેન્કિંગ ક્ષેત્રમાં કોર્પોરેટ જગતના આગમનથી મોટા અનર્થ સર્જાશે તેવી ભીતિ વ્યકત કરી રઘુરામ રાજન અને પૂર્વ નાયબ ગવર્નર વિરલ આચાર્યએ સંયુક્ત રીતે લખેલા એક લેખમાં કોર્પોરેટ ક્ષેત્રના બેન્કિંગ ક્ષેત્રના આગમન અંગે ચેતવણી ઉચ્ચારી છે.
કોર્પોરેટ જગત પબ્લીક ફંડ અને ઉભા કરેલા રૂપિયાઓથી રચવામાં આવતા એકમ ગણાય, આધુનિક કોર્પોરેટ સેકટરમાં વિશ્ર્વસનીયતાનો અભાવ અને વારંવાર નાણાકીય મોટી ગોલમાલ અને પ્રજાના પૈસા ડુબી જવાની ઘટનાઓ અને કોર્પોરેટ ક્ષેત્રના વિશ્ર્વાસમાં આવેલા ઓટના માહોલમાં બેન્કિંગ ક્ષેત્રમાં કોર્પોરેટ જગતના પગપેસારાને બિલાડીને દૂધના રખોપા જેવી ભયજનક સ્થિતિ ગણી શકાય.
આરબીઆઈએ બેન્કિંગ ક્ષેત્રમાં કોર્પોરેટ જગતના આગમન અંગે કરેલી દરખાસ્તમાં બેન્કિંગ ક્ષેત્રને વધુ સુદ્રઢ મુડી રોકાણનો અવકાશ મળી રહે તેવો તર્ક વ્યકત કર્યો છે. તેની સામે રઘુરામ રાજને નારાજગી વ્યકત કરીને બેન્કિંગ અધિનિયમ ૧૯૪૯ અંતર્ગત આરબીઆઈના અધિકારો અંતર્ગત કોર્પોરેટ જગતને બેન્કોની રચના માટે લાલ જાજમ પાથરવાની વાત કરવામાં આવી છે. રઘુરામ રાજનના મતે જે કોર્પોરેટ ક્ષેત્ર પોતે ઉછીના પૈસા લઈને ઉભુ થયું હોય તે થાપણદારોના નાણાનું વળતર કેવી રીતે આપી શકે. પોતે જ વ્યાજ ભરીને પોતાનું કામકાજ ચલાવતા હોય તેમની પાસે બીજાના નાણાના વળતરની અપેક્ષા કેવી રીતે રાખી શકાય.
તેમણે જણાવ્યું હતું કે, અર્થતંત્રના ઈતિહાસમાં બેંકો સારી રીતે થાપણ અને ધિરાણનો વ્યવહાર સંપૂર્ણપણે સ્વાયતતા અને સધ્ધરતાના આધારે જ આપી શકે ત્યારે કોર્પોરેટ જગતની બેન્કિંગ ક્ષેત્રમાં દાખલ કરવાથી પરિણામ કેવી રીતે સારૂ મળે. કોર્પોરેટ જગતને બેન્કિંગ સેકટરમાં પ્રવેશ આપવાથી નાણા એકત્રીકરણ અને ધિરાણ અને થાપણની સરળ વ્યવસ્થા મુશ્કેલ બની જશે. સરળતાથી બેન્કના પરવાના આપવાથી તેનો દૂરઉપયોગ થશે. વળી કોર્પોરેટ જગત સાથે રાજદ્વારી સંબંધો અને વગના કારણે કોર્પોરેટ જગતને યોગ્ય ન હોય તો પણ લાયસન્સ મળી જવાની ભીતિ રહેલ છે. ગયા અઠવાડિયે આરબીઆઈની સમીતીએ કરેલી દરખાસ્તમાં કોર્પોરેટ જગતને બેંક બનાવવા માટે ૨૬ ટકાની ભાગીદારી આપવાની દરખાસ્ત કરવામાં આવી છે. જે ભાગીદારીનો દર અત્યારે ૧૫ ટકાનો છે. આરબીઆઈ સમીતીએ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ ૧૯૪૯ના નિયમ મુજબ આ દરખાસ્ત કરી છે.
રઘુરામ રાજન અને આચાર્યએ એમ પણ જણાવ્યું છે કે, ભારતમાં વિશ્ર્વ બેંકની અનેક શાખાઓના સંચાલનમાં નિષ્ફળતા મળી છે. યશ બેંક અને લક્ષ્મી વિલાસ બેંક તેના પુરાવાઓ છે. થાપણદારોના નાણાની સલામતી અને બેંકની મુડી જેવા પરિબળો ધ્યાને લેવા જોઈએ. ભારતના મુળભૂત બંધારણ અને બેન્કિંગ નિયમોમાં એનપીએની સમસ્યા જ નથી અનેક પરિબળોને ધ્યાને લેવા જોઈએ. કેટલાક ટેકનીકલ કારણોસર પણ બેન્કિંગ ક્ષેત્રે કોર્પોરેટ કંપનીઓના આગમનથી મોટા ભય સ્થાનો રહેલા છે. રઘુરામ રાજન અને આચાર્યએ આરબીઆઈની આ નવી દરખાસ્તને જીવતા બોમ્બ સમાન ગણાવી હતી.