વધુ ૧૦૧ દર્દી પોઝિટિવ, ૯૫ દર્દીઓએ કોરોનાને મ્હાલ આપી: ૯ના મોત

જામનગર શહેર અને જિલ્લામાં કોરોના ખોફ યથાવત્ રહ્યો છે. સતત ચોથા દિવસે સદી થઈ છે, મંગળવારે પણ ૧૦૧ દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જો કે ડિસ્ચાર્જ થનારા દર્દીઓના રેટમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાના કારણે મૃત્યુનો દર સતત વધતો જાય છે.

ગઈકાલ સાંજથી આજ સવાર સુધીમાં એક વકીલ સહિત વધુ ૯ દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે, જેમાં જામનગર શહેરના ૬ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૩ દર્દીનો સમાવેશ થાય છે.

જામનગર શહેરમાં મંગળવારે વધુ ૮૭ દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેથી જામનગર શહેરમાં ભયનો માહોલ યથાવત્ રહ્યો છે. જામનગર શહેરનો કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો ર,ર૭૦ નો થયો છે, જ્યારે જામનગર ગ્રામ્ય વિસ્તારમાં વધુ ૧૪ પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી ગ્રામ્ય વિસ્તારનો આંકડો ૩૭૬ નો થયો છે. સમગ્ર જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ર,૬૪૬ ની થઈ છે.

જામનગર જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો એકસોને પાર રહ્યો છે અને સતત ચોથા દિવસે પણ કોરોનાની સદી થઈ છે. કોરોનાનું સંક્રમણ કાબૂમાં આવતું ન હોવાથી અને કોરોનાના દર્દીઓની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થતો હોવાથી જામનગર જિલ્લાનું વહીવટી તંત્ર પણ ચિંતામાં મૂકાયું છે.

જામનગરની સરકારી ગુરુગોવિંદસિંઘ હોસ્પિટલમાં ગઈ બપોર પછીથી મોડી રાત્રિ સુધીમાં છ દર્દીઓના મૃત્યુ નિપજ્યા હતાં, જેમાં જામનગર શહેરના ચાર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના બે દર્દીનો સમાવેશ થાય છે. ત્યારપછી આજે સવારે જામનગર શહેરના વધુ બે, દેવભૂમિ દ્વારકાના એક દર્દીનું મૃત્યુ નિપજ્યું હતું. જેથી છેલ્લા ર૪ કલાક દરમિયાન સરકારી ગુરુગોવિંદસિંઘ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ૯ દર્દીઓના મૃત્યુ થયા છે.

જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાના દર્દીઓના રિકવરી રેટમાં પણ સતત વધારો જોવા મળ્યો છે. મંગળવારે જી.જી. હોસ્પિટલમાંથી ૯પ દર્દીઓએ કોરોનાને માત આપી છે. તમામ દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેઓને રજા આપવામાં આવી છે. જેમાં જામનગર શહેરના ૮પ અને ગ્રામ્ય વિસ્તારના ૧૦ દર્દીઓનો સમાવેશ થાય છે.

ગ્રેઈન માર્કેટમાં ૨૮૯ લોકોનું કોરોના પરીક્ષણ

આઠ શ્રમિકો પોઝિટિવ હોસ્પિટલે ખસેડાયા

જામનગર શહેરમાં કોરોનાના વધતા જતા સંક્રમણને ધ્યાનમાં લઈને ગ્રેઈન માર્કેટ વેપારીના એસોસિએશન દ્વારા મહાનગરપાલિકાના સહકારથી ગ્રેઈન માર્કેટ વિસ્તારમાં કોરોના રેપિડ ટેસ્ટની પ્રક્રિયા દરમિયાન ર૮૯ લોકોના ટેસ્ટ કરી લેવાયા છે, જેમાં આઠ વ્યક્તિના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે અને તેઓને સારવાર માટે ખસેડાયા છે.

જામનગરના ધી સિડ્ઝ એન્ડ ગ્રેઈન મરચન્ટ એસો.ના પ્રમુખ જીતુભાઈ લાલ તેમજ માનદ્મંત્રી લહેરીભાઈ દ્વારા ગ્રેઈન માર્કેટ વિસ્તારના વેપારીઓ તેમજ ગ્રેઈન માર્કેટમાં કામ કરતા શ્રમિકોના કોરોના રેપિડ ટેસ્ટ કરાવવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હસ્તકના ધન્વન્તરિ રથની ટીમની મદદથી ગ્રેઈન માર્કેટમાં જુદા જુદા બે સ્થળોએ, ખાંડબજારમાં ભરતકુમાર એન્ડ કંપનીની ઓફિસમાં તેમજ કસ્ટમ હાઉસ ત્રણ દરવાજા પાસે ટેસ્ટીંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

સવારે ૧૦ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી કોરોનાના રેપિડ ટેસ્ટની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. તબીબોની જુદી જુદી પાંચ ટૂકડીઓ દ્વારા રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતાં અને સાંજે ૬ વાગ્યા સુધી આ પ્રક્રિયા અવિરત ચાલુ રાખવામાં આવી હતી. જે દરમિયાન ર૮૯ લોકોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં આઠ વ્યક્તિના કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે અને તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

વધુ એક વકીલનું કોરોનાથી મૃત્યુ: વકીલ મંડળમાં શોક

જામનગર શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતું જાય છે. સાથે સાથે કોરોનાના કારણે મૃત્યુ દરમાં પણ વધારો થાય છે. જેમાં જામનગરના વધુ એક એડવોકેટનું મૃત્યુ યું છે. જેથી વકીલ મંડળમાં શોકની લાગણી ફેલાઈ છે. અત્યાર સુધીમાં એક ડઝન જેટલા એડવોકેટ કોરોના સંક્રમિત બની ગયા છે. જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં કોવિડ વોર્ડમાં સારવાર દરમિયાન ગત્ સપ્તાહે હર્ષિદાબેન પટેલ નામના એડવોકેટનું કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. ત્યારપછી આજે સવારે એડવોકેટ રોહિતભાઈ અંતાણીનું પણ જી.જી. હોસ્પિટલના કોવિડ વોર્ડમાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે.

જેઓ ગત્ સપ્તાહે કોરોના સંક્રમિત બન્યા હતાં અને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. તેઓને પ્લાઝામાની જરૃરત ઊભી થઈ હતી અને ગઈકાલે બે પ્લાઝામાના ડોનરને શોધીને જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યા હતાં અને પ્લાઝમા ડોનેટ કરાયા હતાં. દરમિયાન આજે સવારે તેઓના મૃત્યુના સમાચાર મળતા વકીલ મંડળમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે. જામનગર શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં એક ડઝન જેટલા એડવોકેટ કોરોના સંક્રમિત બની ગયા છે, જો કે બે થી ત્રણ એડવોકેટ સિવાય અન્ય તમામ વકીલોની તબિયતમાં સુધારો થતા રજા આપી દેવામાં આવી છે અથવા તો હોમ આઈસોલેશનમાં છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.