છેલ્લા બે વર્ષથી દિવાળી વેકેશન 13 દિવસનું હતું, ત્યારે આ વર્ષે ફેરફાર કરી વેકેશનમાં 8 દિવસનો વધારો થયો: શિક્ષણમંત્રી જીતુ વાઘણીની સતાવાર જાહેરાત
કોરોનાની બીજી લહેર શાંત થતાં જ રાજ્યમાં 7મી જૂનથી સ્કૂલોમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો હતો. છેલ્લા બે વર્ષથી રાજ્યની સ્કૂલોમાં દિવાળી વેકેશન 13 દિવસનું જ રાખવામાં આવ્યું હતું જો કે આ નવા સત્ર બાદ હવે કોરોનાના કેસો જો દિવાળી બાદ વધે છે કે કેમ તે જોવા માટે 13 ને બદલે હવે 21 દિવસનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, કોરોનાના ફુફાળાના ભયે હવે રાજ્યના શિક્ષણમંત્રી દ્વારા સતાવાર રીતે દિવાળી વેકેશન લંબાવાની જાહેરાત ગઈકાલે કરવામાં આવી હતી. સરકાર પણ જોવા માંગે છે કે, જો દિવાળી બાદ કદાચ કેસો વધે તો તેવામાં શાળાઓ ખોલવી યોગ્ય ના ગણાય જેથી વેકેશન 13ના બદલે 21 દિવસનું જાહેર કરવામાં આવ્યું અને ત્રીજી લહેરને ધ્યાને રાખી પણ આ નિર્ણય લેવાયો હોય તેમ કહી શકાય. આ ઉપરાંત કેટલાક શૈક્ષણિક મંડળ દ્વારા પણ માંગ કરવામાં આવી હતી કે, દિવાળી હિન્દૂ ધર્મનો સૌથી મોટો તહેવાર હોય દિવાળી વેકેશન 21 દિવસનું કરવામાં આવે.
આ વર્ષે સ્કૂલ-કોલેજમાં 21 દિવસના દિવાળી વેકેશનની શિક્ષણ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ટ્વિટ કરીને દિવાળી વેકેશનની જાહેરાત કરી છે. છેલ્લાં બે વર્ષથી દિવાળી વેકેશન 13 દિવસનું હતું. ત્યારે આ વર્ષે ફેરફાર કરીને વેકેશનમાં 8 દિવસનો વધારો થયો છે. ટ્વિટમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ લખ્યું કે, ઉચ્ચ શિક્ષણના વિવિધ મંડળો દ્વારા થયેલ રજૂઆત મુજબ છેલ્લા 2 વર્ષથી ચાલી આવેલ 13 દિવસનું દિવાળી વેકેશન હિન્દુ ધર્મ માટે સૌથી મોટો પારિવારિક તહેવાર હોવાથી 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવે છે.
વિદ્યાર્થીઓ દોઢ વર્ષ લાંબા વિરામ બાદ પ્રત્યક્ષ શિક્ષણ તરફ પાછા ફર્યા છે. જેના કારણે તેમનામાં એકાગ્રતાનો અભાવ જોવા મળે છે અને તેઓ સૂચનાઓનો અમલ કરવામાં થોડીવાર લગાવે છે. ઘણાં વિદ્યાર્થીઓનું વજન પણ વધી ગયું છે.ઓનલાઈન ફોર્મેટ સાથે તાલમેલ સાધવા માટે ઘણી સ્કૂલોમાં પરીક્ષાની પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. હવે ફરીથી ઓફલાઈન સ્કૂલો શરૂ થઈ છે ત્યારે કોરોના કાળ પહેલાના ફોર્મેટમાં પાછા ફરશે તેવું લાગે છે. બાળકોને જૂની વ્યવસ્થામાં ગોઠવાતા થોડો સમય લાગશે.
હવે, બીજા સત્રનો પ્રારંભ 22 નવેમ્બરથી થઈ શકે છે. વર્ષ દરમિયાન કુલ 80 રજા નક્કી કરાઈ છે, જેમાં સ્થાનિક રજા ઉપરાંત જાહેર રજા, ઉનાળું અને દિવાળી વેકેશનનો સમાવેશ થાય છે. આ વર્ષે રાજ્યની સ્કૂલોમાં પ્રથમ સત્રમાં અભ્યાસના 117 દિવસ રહેશે, જ્યારે બીજા સત્રમાં 136 દિવસનું શૈક્ષણિક કામકાજ થશે. સ્થાનિક રજાઓને બાદ કરતાં વર્ષ દરમિયાન 245 દિવસનું શૈક્ષણિક કાર્ય થશે. પ્રથમ સત્ર 30 ઓક્ટોબર સુધી ચાલશે. ત્યાર બાદ 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવશે.
જો કોરાના ફરી ઉથલો નહીં મારે તો દિવાળી બાદ 1 થી 5ના વર્ગો શરૂ થઈ શકે
રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વર્ગ 1 થી 5ના વર્ગો શરૂ કરવા માટે મથામણ ચાલી રહી છે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ પણ ઈચ્છિ રહ્યું છે કે વહેલી તકે હવે આ વર્ગો શરૂ થાય જો કે હવે દિવાળી બાદ જો ફરીથી કોરોનાના કેસોમાં ઉછાળો આવે તો, વર્ગો હજુ પણ શરૂ નહીં થાય ત્યારે બીજીબાજુ કોરોનાની પરિસ્થિતિ જોવા સરકારે 13 માંથી 21 દિવસનું વેકેશન જાહેર કર્યું છે. તેવામાં જો ત્રીજી લહેર નહીં આવે તો દિવાળી વેકેશન બાદ સરકાર ધો.1 થી 5ના વર્ગો શરૂ કરવા નિર્ણય કરી શકે છે.