- ઉપલેટા નગરપાલિકાની ચૂંટણીમાં શાંતિપૂર્ણ રીતે 53.88 ટકા મતદાન નોંધાયું: 87 ઉમેદવારોના ભાવિનો કાલે ફેસલો: બે સ્થળે ઈવીએમ બગડતા નવા મૂકવામાં આવ્યા
ગઈકાલે ઉપલેટા નગરપાલિકાની ચૂંટણીનું મતદાન પૂરૂ થતા ભાજપ, કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી સહિત 87 ઉમેદવારોના ભાવી મતપેટીમાં સીલ થઈ ગયા છે. આવતીકાલે સવારે ટાવર વાળી બિલ્ડીંગમાં મતગણતરી ંહાથ ધરાશે તેમાં બપોર સુધીમાં તમામ વોર્ડના પરિણામો આવી જવાની સંભાવના છે.
ગઈકાલે સવારે આઠ વાગ્યાથી મતદાનનો પ્રવાસ જોવા મળ્યો હતો. પ્રથમ બે કલાકમાં 5.9% જેવું મતદાન નોંધાયું હતુ. બીજા રાઉન્ડમાં 17.66% , ત્રીજા રાઉન્ડમાં 28.93% ચોથા રાઉન્ડમાં 39.55%, પાંચમાં રાઉન્ડમાં 49.56% નોંધાયા બાદ અંતિમ કલાકમાં નજીવું મતદાન થતા કુલ 53.88 ટકા જેવું મતદાન નોંધાયું હતુ. જયારે મતદાન શરૂ થતા વોર્ડ નં.9માં ઈવીએમ ખરાબ થતા તેમને તાત્કાલીક બદલાવ્યું હતુ જયારે અંતિમ રાઉન્ડમાં એક ઈવીએમ મતદાન ખરાબ થતા આ ચાલુ મતદાન દરમ્યાન બે ઈવીએમ બદલાવ્યા હતા.
30 જેટલા સંવેદનશીલ મતદાન મથકો ઉપર પણ શાંતી પૂર્ણ મતદાન થતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. તમામ વોર્ડમાં થયેલ મતદાનની ટકાવારીમાં પ્રથમ વોર્ડમાં 46.33ટકા, બીજા વોર્ડમાં 44.25 ટકા, ત્રીજા વોર્ડમાં 55.30%, ચોથા વોર્ડમાં 50.83%, પાંચમાં વોર્ડમાં 51.76 %, સાતમાં વોર્ડમાં 53.59 ટકા, આંઠમાં
વોર્ડમાં 62.49%, નવમાં વોર્ડમાં 56.90%, જેવું મતદાન નોંધાયું હતુ તેમાં પ્રથમ વોર્ડમાં સૌથી ઓછુ મતદાન નોધાયું હતુ. જયારે આઠમાં વોર્ડમાં સૌથી વધુ મતદાન નોંધાયું હતુ. કુલ 45216 મતદારોમાંથી 24361 મતદારોએ મતદાન કર્યું હતુ.
મતદાન સમય દરમ્યાન ચૂંટણી અધિકારી ગરચર તેમજ મદદનીશ ચૂંટણી અધિકારી નિખિલ મહેતા તેમની ટીમ સાથે ફીલ્ડમાં ઉતર્યા હતા. જયારે મતદાન શાંતીપૂર્ણ થાય અને કોઈ અનીચ્છનીય બનાવ ન બને તે માટે પીઆઈ બી.આર. પટેલ અને તેમની ટીમે બંદોબસ્ત જાળવી રાખ્યો હતો.
આવતીકાલે તમામ 87 ઉમેદવારોના ભાવીનો ફેંસલો સવારે નવ વાગે ટાવરવાળી બિલ્ડીંગમાં મતગણતરી યોજાશે તેમાં સાત ટેબલ ઉપર ઈવીએમ ખૂલશે પ્રથમ વોર્ડથી મતગણતરી ચાલુ કરવામાં આવશે જેમાં પ્રથમ ઓબીસી અનામત ત્યારબાદ મહિલા અનામત અને છેલ્લી ઓપન કેટેગરીનાં ઉમેદવારોની મતગણતરી હાથ ધરવામાં આવશે.
પોલીસ અને આરોગ્ય વિભાગની કામગીરી નમુનારૂપ રહી: વૃધ્ધો મતદારોને જવાનોની મદદ મળી
ગઈકાલે મતદાન સ્થળ ઉપર અનેક બુથો ઉપર અશકત મતદારો મતદાન કરવા આવતા પ્રથમથી જ તમામ બુથો ઉપર આરોગ્ય વિભાગ દ્વારા વિલચેર સહિતની સુવિધા રાખવામાં આવી હતી. જયારે પોલીસ જવાનો બંદોબસ્ત સાથે સાથે વૃધ્ધ અશકત મતદારોને મતપેટી સુધી પહોચાડવામાં મદદ કરતા જોવા મળ્યા હતા ત્યારે આરોગ્ય વિભાગના બ્લોક હેલ્થ ઓફીસર લાડાણી અને પી.આઈ. બી.આર. પટેલની ટીમની કામગીરી નમુના રૂપ જોવા મળી હતી.