શહેરમાં ગુરુવારે વાયુ વાવાઝોડાની અસર વર્તાશે: ૮૦ કિલોમીટરની ઝડપે પવન ફુંકાય અને અનરાધાર વરસાદ પડે તેવી સંભાવના: જોખમી હોર્ડિંગ્સ બોર્ડ, નબળા વૃક્ષો અને જર્જરીત મકાનોનો ભાગ દુર કરવા સુચના: કોર્પોરેશનનાં તમામ કર્મચારીઓ અને અધિકારીઓની રજાઓ રદ: સતત ૨૪ કલાક કંટ્રોલ ધમધમતો રહેશે: તંત્ર હાઈ એલર્ટ પર
અરબીસમુદ્રમાં સર્જાયેલું વાયુ નામનું વાવાઝોડું સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું આવતીકાલે સાંજે સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠે ટકરાઈ તેવી સંભાવના જણાઈ રહી છે. આગામી ગુરુવારે રાજકોટમાં વાયુની અસર દેખાશે. શહેરમાં પ્રતિકલાક ૮૦ કિલોમીટરની ઝડપે પવન ફુંકાય જોરદાર વરસાદ પડે તેવી સંભાવના જણાતા આજે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની દ્વારા એવો આદેશ આપવામાં આવ્યો છે કે, આગામી ગુરુવારે શહેરમાં આંગણવાડીઓ, કોર્પોરેશનની તમામ શાળાઓ તથા ખાનગી શાળાઓ બંધ રાખવામાં આવશે. શહેરમાં જોખમી હોર્ડિંગ્સ બોર્ડ, નબળા વૃક્ષો તથા જર્જરીત મકાનનો બાંધકામનો ભાગ દુર કરવા સુચના આપવામાં આવી છે.
મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ પત્રકારો સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, અરબી સમુદ્રમાં સર્જાયેલું વાયુ નામનું વાવાઝોડું આગામી ૧૨મી જુનનાં રોજ સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠે ટકરાશે જેની અસર ૧૩મી જુનનાં રોજ સવારથી રાજકોટ શહેરમાં જોવા મળશે. શહેરમાં પ્રતિકલાક ૮૦ કિલોમીટરની ઝડપે પવન ફુંકાવાની સાથોસાથ અનરાધાર વરસાદની પણ સંભાવના વ્યકત કરવામાં આવી હોય સુરક્ષાનાં ભાગરૂપે ગુરુવારે શહેરમાં તમામ આંગણવાડીઓ અને શાળાઓ દિવસભર બંધ રાખવા શાળા સંચાલકોને આદેશ આપી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત ગઈકાલથી જયારે વાવાઝોડાની શકયતા વ્યકત કરવામાં આવી છે ત્યારથી તંત્ર દ્વારા શહેરનાં અલગ-અલગ વિસ્તારોમાંથી હોર્ડિંગ્સ બોર્ડ દુર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આજે બપોર સુધીમાં શહેરમાંથી ૧૫૦થી વધુ જોખમી હોર્ડિંગ્સ બોર્ડ હટાવી દેવામાં આવ્યા છે. નબળા પડી ગયેલા વૃક્ષો વાવાઝોડા દરમિયાન ધરાશાયી થાય અને જાનમાલાની હાની સર્જાય તે પૂર્વે આ નબળાં વૃક્ષોને હટાવી દેવા તાકીદ કરવામાં આવી છે. શહેરીજનોને જર્જરીત બાંધકામ કે મકાનો હોય તેવી જગ્યાએ આશ્રય ન લેવા પણ અપીલ કરવામાં આવે છે. વાવાઝોડાની અસરનાં કારણે ભારે વરસાદ પડે તેવી પ્રબળ સંભાવના હોય શહેરનાં નિચાણવાળા અને નદીકાંઠા વિસ્તારોમાં વિજિલન્સ પોલીસ સતત પેટ્રોલીંગ કરશે. જરૂર પડયે નિચાણવાળા વિસ્તારમાં વસવાટ કરતાં લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવશે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, આજથી ૧૩મી જુન સાંજ સુધી મહાપાલિકાનાં તમામ કર્મચારીઓ અને અધિકારીઓની રજાઓ રદ કરવામાં આવી છે અને રજા પર હોય તેવા અધિકારીઓને તાબડતોબ ફરજ પર હાજર થઈ જવા તાકીદ કરાઈ છે જો કોઈ સમસ્યા ઉભી થાય તો શહેરીજનો કોર્પોરેશનનાં કોલ સેન્ટર (નંબર ૦૨૮૧ ૨૪૫૦૦૭૭) ઉપર રાઉન્ડ ધી કલોક ગમે ત્યારે ફરિયાદ કરી શકે છે. આ ઉપરાંત નાનામવા સર્કલ સ્થિત કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમ ખાતેથી ૧૩મી સાંજ સુધી સતત બાજ નજર રાખવામાં આવશે. હાલ શહેરમાં કોઈપણ વિસ્તારમાં ખાડા ખોદવામાં આવ્યા હોય તો આ ખાદાઓને ફરતે સ્ટ્રોંગ બેરીકેટીંગ કરવા પણ સુચના આપી દેવામાં આવી છે. ખાનગી બાંધકામ સાઈટનાં ખાડાઓ પર બેરીકેટીંગ કરવા ટીપી વિભાગને જવાબદારી સોંપવામાં આવી છે. ૧૩મીએ રાજકોટમાં સવારથી લઈ સાંજ સુધી વાયુ વાવાઝોડાની વ્યાપક અસર વર્તાય તેવી પ્રબળ સંભાવના ધ્યાનમાં રાખી આંગણવાડી અને શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. સાથોસાથ શહેરીજનોને પણ ૧૩મીએ સાવધાની રાખવા અને કામ સિવાય ઘરની બહાર ન નિકળવા અપીલ કરવામાં આવી છે. વાવાઝોડાનાં કારણે પાણી વિતરણ પર કોઈ અસર ન પડે તે માટે તમામ પમ્પીંગ સ્ટેશન ખાતે જનરેટરની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સાથોસાથ પીજીવીસીએલને પણ વોર્ડ વાઈઝ ટીમો તૈનાત કરવા સુચના આપી દેવામાં આવી છે. આજે સવારે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ વાયુ વાવાઝોડાની સંભવિત અસરોને પહોંચી વળવા માટે કોર્પોરેશનનાં તમામ વિભાગનાં અધિકારીઓ સાથે તાકીદની બેઠક બોલાવી હતી અને વાવાઝોડા સામે કઈ રીતે લડવું તે અંગે સુચના આપવામાં આવી હતી.