ઉછાળાને નાથવા લોકડાઉન કે કરફ્યુ વધારવો જરૂરી?
દેશમાં કોરોનાના નવા 50 હજારથી વધુ કેસ નોંધાયા: મહારાષ્ટ્ર, દિલ્હી, બંગાળ, કર્ણાટક, તમિલનાડુમાં કોવિડ કેસોની સંખ્યામાં ઉછાળો નોંધાયો
અબતક, નવી દિલ્લી
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 58,097 કેસ નોંધાયા છે. હાલ દેશમાં 2,14,004 કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે. જો કે એક દિવસમાં 15,389 દર્દીઓ રિકવર પણ થયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 534 દર્દીઓના મોત થયા છે. કોરોનાથી અત્યાર સુધીમાં દેશમાં કુલ 4,82,551 મૃત્યુ થયા છે. જ્યારે 3,43,21,803 દર્દીઓએ સાજા થવામાં સફળતા મેળવી છે. હાલ દેશમાં કોરોનાથી રિકવરી રેટ 4.18% છે.
જ્યારે કેસો ખૂબ ઝડપે વધી રહ્યા રહ્યા છે ત્યારે હવે શું આ સંક્રમણની ચેઇન તોડવા વધુ એકવાર દેશવ્યાપી લોકડાઉન અમલી બનાવવામાં આવશે કે કેમ? તે સવાલ ઉદ્ભવયો છે. જો લોકડાઉન અમલી ન બને તો કરફ્યુના સમયગાળામાં ફેરફાર કરવામાં આવશે કે કેમ? તેવી સવાલ પણ હાલ ઉપજી રહ્યો છે.
દેશમાં મહારાષ્ટ્ર, દિલ્હી, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, ગુજરાત, તમિલનાડુ, રાજસ્થાન, આંધ્ર પ્રદેશ, ઓડિશા, હિમાચલ પ્રદેશ, કેરળ, ગોવા, પંજાબ અને તેલંગણાના કેસ મળીને જ કોવિડના 50 હજાર કરતા ઉપર નવા કેસ થઈ ગયા. કોરોનાનો નવો વેરિએન્ટ ઓમિક્રોન હાલ ચિંતાનો વિષય બનેલો છે.
કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કહેરને રોકવા માટે દેશમાં રસીકરણ અભિયાન પણ ઝડપથી ચાલી રહ્યું છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોના રસીના 147.72 કરોડ ડોઝ અપાયા છે.
રાજ્યમાં આરોગ્ય કમિશ્નર સહિત પાંચ આઈએએસ અધિકારીઓને કોરોના વળગ્યો
ગુજરાતમાં એક જ દિવસે પાંચ આઈએએસ અધિકારી કોરોના સંક્રમિત થતાં વાઇબ્રન્ટ સમિટ માટે પણ મુશ્કેલી ઉભી થઈ છે. તેના પગલે આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાનારી કેબીનેટની બેઠક પણ રદ કરવામાં આવી છે અને આઈએએસ લોબીમાં ખડભળાટ મચી જવા પામ્યો છે.
રાજયમાં આઈએએસ ઓફિસર્સ જે. પી. ગુપ્તા, હરિત શુક્લા, મનોજ અગ્રવાલ, ગુજરાતના આરોગ્ય કમિશ્નર જય પ્રકાશ શિવહરે અને આઈએએસ અધિકારી રાજકુમાર બેનીવાલ કોરોના કોરોના સંક્રમિત થયા છે. હજુ વધુ આઈએએસ ઓફિસર્સ ને કોરોના પોઝિટિવ આવે તેવી સંભાવના સેવાય રહી છે.
અમેરિકામાં કોરોનાની સુનામી: એક દિવસમાં 11 લાખ કેસ નોંધાયા
કોરોના મહામારીએ ફરી એક વખત આખી દુનિયામાં કેર મચાવ્યો છે. અમેરિકા, યુરોપ, એશિયાના મોટાભાગના દેશોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. અમેરિકામાં કોરોનાની સુનામી આવી હોય તેમ 24 કલાકમાં 11 લાખથી વધુ કેસ નોંધાયા હતા, જે દુનિયામાં કોરોના મહામારી ફેલાયાના બે વર્ષમાં કોઈપણ દેશમાં કોરોનાના દૈનિક સૌથી
વધુ કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત દુનિયામાં પણ કોરોનાના દૈનિક કેસ બમણાથી વધુ સામે આવી રહ્યા છે. ગયા સપ્તાહે આખી દુનિયામાં કોરોનાના એક કરોડ કેસ નોંધાયા હતા, જે અત્યાર સુધીમાં કોરોનાના સૌથી વધુ સાપ્તાહિક કેસ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. અમેરિકામાં સોમવારે એક દિવસમાં કોરોનાના 11 લાખ કેસ નોંધાયા હતા, જે ચાર દિવસ પહેલાં 24 કલાકમાં 5.90 લાખ કેસ કરતાં લગભગ બમણા થયા હતા. અમેરિકામાં સોમવારે કોરોનાના દૈનિક કેસ દુનિયામાં કોઈપણ દેશમાં કોઈપણ સમયે નોંધાયેલા કેસ કરતાં અનેક ગણા વધુ હતા. અમેરિકામાં સોમવારે કોરોનાના નવા 10,82,549 કેસ નોંધાયા હતા અને વધુ 1688 નાં મોત થયા હતા. આ સાથે કોરોનાના કુલ કેસ 5,61,91,733 થયા હતા જ્યારે મૃત્યુઆંક 8,27,749 થયો હતો તેમ જ્હોન હોપક્ધિસ યુનિવર્સિટીના ડેટા પરથી જણાયું હતું. અમેરિકાની બહાર એક દિવસમાં કોરોનાના સૌથી વધુ કેસ ભારતમાં 4.14 લાખથી વધુ નોંધાયા છે. ભારતમાં કોરોના મહામારીની બીજી લહેર સમયે 7મી મે 2021ના રોજ એક દિવસમાં 4.14 લાખથી વધુ કેસ સામે આવ્યા હતા.
કોરોનાના કેસ વધતાં દિલ્લી-કર્ણાટકમાં વિકેન્ડ કરફ્યુની અમલવારી
કોરોનાના વધતાં કેસને જોતાં દેશના ઘણાં રાજ્યોમાં પ્રતિબંધોનો સિલસિલો શરુ થઈ ગયો છે. દિલ્હીમાં વીકેન્ડ કર્ફ્યુ લાગ્યા બાદ કર્ણાટકમાં પણ વીકેન્ડ કર્ફ્યુ લગાવવાની જાહેરાત કરવામાં આવી છે. કેટલાક રાજ્યમાં નાઇટ કર્ફ્યુ પહેલાંથી જ લાગેલો છે. દિલ્હીમાં શનિવાર અને રવિવારે વીકેન્ડ કર્ફ્યુ રહેશે. ઉપમુખ્યમંત્રી
મનીષ સિસોદિયાએ ડીડીએમએની બેઠક બાદ લોકોને અપીલ કરી છે કે જો અત્યંત જરૂરી કામ હોય, તો જ ઘરથી બહાર નીકળો. આવશ્યક સેવાઓ સિવાય તમામ સરકારી અધિકારી ઘરેથી કામ કરશે. ખાનગી સંસ્થાઓમાં 50 ટકા વર્ક ફ્રોમ હોમ કરવા માટે કહેવામાં આવ્યું છે. દરરોજ નાઇટ કર્ફ્યુ ઉપરાંત શનિવાર અને રવિવારે સંપૂર્ણ નાઇટ કરફ્યું, જે રાત્રે 11 વાગ્યાથી સવારે 5 સુધી હશે.દિલ્હીના લોકોની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખતા ફુલ કેપેસિટી સાથે બસો અને મેટ્રોને ચલાવવાની પરવાનગી આપવામાં આવી છે. પ્રાઈવેટ ઓફિસ 50% ક્ષમતા સાથે કામ કરશે, સરકારી ઓફિસોમાં જરૂરી સેવાઓને બાદ કરતાં તમામ અધિકારી ઓનલાઈન કે વર્ક ફ્રોમ હોમ કરશે. પબ, રેસ્ટોરન્ટ, બાર, હોટેલ, સિનેમા હોલ, થિએટર, ઓડિટોરિયમ 50% ક્ષમતા સાથે સંચાલિત કરવામાં આવશે.રાજ્યમાં 7 જાન્યુઆરીથી વીકએન્ડ કર્ફ્યુ. જ્યારે કર્ણાટકમાં રાત્રે 10 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ અમલી રહેશે. બેંગલુરુમાં તમામ શાળાઓ, કોલેજો (મેડિકલ પેરા મેડિકલ કોલેજ સિવાય) બંધ રહેશે. પબ, ક્લબ, રેસ્ટોરન્ટ, બાર, હોટેલમાં રેસ્ટોરન્ટ વગેરે માત્ર 50 ટકા ક્ષમતા સાથે ખુલશે. સિનેમા હોલ, મલ્ટીપ્લેક્સ, થિયેટર, ઓડિટોરિયમ વગેરે પણ ફક્ત 50 ટકા ક્ષમતા સાથે ખુલશે.
ગુજરાતમાં પોઝિટિવ કેસમાં ઉછાળો, એક દિવસમાં 2265 સંક્રમિત: મૃત્યુ નહિવત
ગુજરાતમાં ગઈ કાલે એક દિવસમાં છેલ્લા સાત માસના સૌથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. પોઝિટિવ કેસની સંખ્યામાં ઉછાળો આવ્યો છે પરંતુ મૃત્યુદર નહિવત હોવાની સ્થિતિ સર્જાઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં 2265 લોકો કોરોના સંક્રમિત થયા છે જ્યારે બે દર્દીઓના મોત નિપજ્યા છે.જેમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં 1,314 કેસ, સુરતમાં 424, વડોદરામાં 94 કેસ નોંધાયા, રાજકોટમાં 57,ગાંધીનગરમાં 35, ભાવનગરમાં 22 કેસ, જામનગરમાં 23 કેસ, જૂનાગઢમાં 14 કેસ, આણંદમાં 70, કચ્છમાં 37, ખેડામાં 34 કેસ, ભરૂચમાં 26, મોરબીમાં 24, નવસારીમાં 18 કેસ, મહેસાણામાં 14 કેસ, પંચમહાલમાં 14, વલસાડમાં 9 કેસ, બનાસકાંઠામાં 6, સાબરકાંઠામાં 6 કેસ,અરવલ્લીમાં 5, દ્વારકામાં 4, મહીસાગરમાં 4 કેસ, અમરેલીમાં 3, ગીર-સોમનાથમાં 3, તાપીમાં 3 કેસ, દાહોદમાં 2, ડાંગ-સુરેન્દ્રનગર એક-એક કેસ નોંધાયા છે.