જામનગરમાં કોરોનાનો કહેર વધતા હવે તો લોકો પણ કોરોના પ્રત્યે ગંભીર બની રહ્યા હોય તેમ જણાય છે. શહેરના રાજમાર્ગો કે જે અગાઉ રાહદારી અને વાહનચાલકોની અવર-જવરથી સતત દિવસ આખો ધમધમતા હતા. તે હવે સુમસામ જેવા લાગે છે. જામનગર શહેરમાં કોરોનાના કેરે માઝા મુકી છે. છેલ્લા ત્રણ દિવસથી માત્ર જામનગર શહેરમાં જ ત્રણસોથી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. આ ઉપરાંત જામનગરની કોવિડ હોસ્પિટલમાં છેલ્લા 20 દિવસમાં 1 હજારથી વધુ દર્દીઓના મૃત્યું થયા છે ત્યારે જામનગરવાસીઓ હવે કોરોનાથી થરથરી રહ્યા છે.
ભર ઉનાળે લોકોને કંપારી છુટે તેવા સમાચારો દરરોજ બની રહ્યા છે. કોવિડ હોસ્પિટલમાં દરરોજ 70થી 100 સુધી દર્દીઓના હવે મોત નિપજી રહ્યા છે. જો કે મોટાભાગના મૃતકોમાં ઓક્સિજન કે વેન્ટીલેટરની જરૂર હોય તેવા ગંભીર કહી શકાય તે પ્રકારના દર્દીનો સમાવેશ થાય છે. કોરોનાના પોઝીટીવ કેસ અને કોવિડ હોસ્પિટલમાં થઇ રહેલા કોરોના સંક્રમિત દર્દીઓના મોટી સંખ્યામાં મોતની ઘટનાને પગલે લોકોએ પણ હવે કામ વગર ઘર બહાર નિકળવાનું ઓછુ કરી નાખ્યું હોય તેમ લાગે છે. જામનગર શહેરના કેટલાક મુખ્ય માર્ગો ઉપર સાંજ સમાચારના ફોટોગ્રાફરે સાંજે 4 થી 4:30 દરમ્યાન લટાર મારી ત્યારે ઉપરોકત સ્થિતિ જોવા મળી હતી. ત્રણ દરવાજા, કાશી વિશ્વનાથ રોડ,જુના રેલ્વે સ્ટેશન રોડ, ટાઉન હોલ, તળાવની પાળ, પંચેશ્ર્વર ટાવર રોડ વિગેરે ઉપર બહુ ઓછી સંખ્યામાં લોકોની અવર-જવર નજરે પડી હત. પરિણામે ટ્રાફિકથી સતત ધમધમતા આ માર્ગો સુમસામ ભાસતા હતા.