ન્યારા સમ્પની સફાઇ વેળાએ બંધ કરેલો વાલ્વ સફાઇ બાદ ખૂલ્યો જ નહિં, 8 કલાક નર્મદાના નીર રહ્યા બંધ: વોર્ડ નં.1, 2, 9 અને 10ના અનેક વિસ્તારોમાં પાણી વિતરણ 8 થી 10 કલાક મોડું
શહેરની જળ જરૂરિયાત સંતોષતા તમામ જળાશયો છલોછલ ભર્યા છે. છતાં શહેરીજનોના નશીબમાં પાણી ન હોય તેવું લાગી રહ્યું છે. ન્યારા સમ્પ ખાતે ગત મધરાત્રે વાલ્વમાં ખોટકો સર્જાવવાના કારણે ન્યૂ રાજકોટના ચાર વોર્ડમાં પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઇ જવા પામી હતી. નિર્ધારિત સમય કરતા અનેક વિસ્તારોમાં 8 થી 10 કલાક પાણી વિતરણ મોડું કરવાની ફરજ પડી હતી. જ્યારે કેટલાક વિસ્તારોમાં આજે પાણી વિતરણ કરી શકાયું ન હતું.
આ અંગે કોર્પોરેશનની વોટર વર્ક્સ શાખાના ઇજનેરી સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ એકપણ વોર્ડમાં પાણીકાંપ લાદવો ન પડે તે માટે ગઇકાલે શટડાઉન લીધા વિના ન્યારા પમ્પીંગ સ્ટેશન ખાતે પાણીના ટાંકાની સફાઇ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અહિં નર્મદાનું પાણી આવે છે. 1200 એમએમની પાઇપલાઇનનો બટર વાલ્વ બંધ કરવામાં આવ્યો હતો. દરમિયાન મધરાત્રે પાણીના ટાંકાની સફાઇ કામગીરી પૂર્ણ થયા બાદ જ્યારે વાલ્વ ચાલુ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે વાલ્વ ચાલુ થયો ન હતો. મહા મહેનતે બપોરે 11 કલાકે વાલ્વ રિપેરીંગની કામગીરી પૂર્ણ થઇ હતી.
રાજકોટને આઠ કલાક સુધી રૈયાધાર પર પાણી મળી શક્યું ન હતું. જેના કારણે આજે સવારથી વોર્ડ નં.1, વોર્ડ નં.2, વોર્ડ નં.9 અને વોર્ડ નં.10ના અનેક વિસ્તારોમાં પાણી વિતરણ વ્યવસ્થા પર અસર પડી હતી. નિર્ધારિત સમય કરતા 10 કલાક મોડું પાણી વિતરણ કરવાની ફરજ પડી હતી. જેના કારણે લોકોમાં ભારે દેકારો બોલી ગયો હતો. બપોરે 2 વાગ્યાના પાણીના ટાંકાનું લેવલ થતા પાણી વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. આજે આ ચાર વોર્ડના અનેક વિસ્તારોમાં પાણી વિતરણ કરી શકાય તેવી શક્યતા ઓછી જણાઇ રહી છે. આવતીકાલથી તમામ વિસ્તારોમાં નિયમિત પાણી વિતરણ કરાય તેવી શક્યતા કોર્પોરેશનના ઇજેનેરી સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે.