કાલાવડ રોડ, સંતકબીર રોડ, બેડીપરા, રૈયા રોડ અને જાગનાથ સહિતના વિસ્તારોમાં પીજીવીસીએલની યુદ્ધના ધોરણે કામગીરી
રાજકોટ શહેરમાં ભારે પવનના કારણે અનેક જગ્યાએ વીજ ફોલ્ટ સર્જાયા હતા. જેને પગલે વીજકર્મીઓની સતત દોડધામ રહી હતી. પીજીવીસીએલ દ્વારા યુદ્ધના ધોરણે હાલ સમારકામ ચલાવવામાં આવી રહ્યું છે. રાજકોટમાં ગઈકાલથી ભારે પવન અને વરસાદને કારણે વીજ પુરવઠાને અસર થઈ છે. જેને પગલે પીજીવીસીએલ સતત એલર્ટ રહ્યું હતું.કાલાવડ રોડ, સંતકબીર રોડ, બેડીપરા, રૈયા રોડ અને જાગનાથ સહિતના વિસ્તારોમાં પીજીવીસી એલની યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે.
રાજકોટમાં વહેલી સવારથી અતિ ભારે પવન અને વરસાદ નાં કારણે એચ. ટી. 1 સબ ડિવિઝન હેઠળ સંસ્કાર, ધારેશ્વર, શિવમ ફીડર, એચ.ટી. 2 સબ ડિવિઝન હેઠળ પ્રભાસ સોલ્વન્ટ, ટેક્ષ, સંતોષી નગર, જાગનાથ અને ઇસ્કોન ફીડર, એચ.ટી. 3 સબ ડિવિઝન હેઠળ સુમંગલ, કસ્તુરી, ભવનાથ, શિવાલય, લોર્ડ્સ, પ્રદ્યુમન, એવરેસ્ટ, ગાયત્રી, ન્યારી, પુનીત ફીડર હેઠળ વીજ પુરવઠો ખોરવાયેલ છે. જેને કાર્યરત કરવા વિવિધ ટેકનીકલ ટીમો ફિલ્ડ પર છે.ભારે વરસાદી પવનના કારણે રૈયા રોડ પર એક વીજ પોલ પડી ગયેલ જેને ફરી રીસ્ટોર કરી આપવામાં આવેલ છે.
નાણા મવા રોડ પર વીજ તાર તૂટી ગયેલ છે તે કમ્પ્લેઇન ટીમ દ્વારા ઓપરેટ કરવામાં આવી રહી છે. લક્ષ્મીનગર રાજનગર ચોક પાસે આવેલ એક વીજ પોલમાં ફાયર થતું હોય વીજ ટીમ તેને નિવારવા કાર્યરત છે. કાલાવડ રોડ પર કોર્પોરેશન બેંક પાસે ઝાડ પડી જવાથી વીજ ફોલ્ટ આવેલ છે. સંત કબીર રોડ પર પણ ભારે પવન ના કારણે ઝાડ પડી જવાથી વીજ ફોલ્ટ આવેલ છે. તેમજ બેડીપરામાં શીતળા માતાજી ના મંદિર પાસે ઝાડ પડી જવાથી વીજ વાયર તૂટી ગયેલ છે અને વીજ પુરવઠો બંધ છે. જેને નિવારવા ટેકનીકલ ટીમો ફિલ્ડ પર છે.