માતા અને પિતા બંનેની તુલના કરવામાં આવે તો ચડિયાતી માતાને ગણવામાં આવે છે. આપણા સાહિત્યમાં પણ માતા વિશે ઘણું બધું લખાયું છે. પણ સામે પિતા બાજુ નહીંવત માત્રમાં લખવામાં આવ્યું છે. આપણે ફક્ત ફાધર ડે પર જ પિતા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરીયે છીએ. પ્રેમ હોવો અને પ્રેમ વ્યક્ત કરવો એ બંને વચ્ચે ખુબ અંતર હોય છે. અને તે પણ ખાસ કરીને પિતાની બાબતમાં. પિતા પ્રત્યે બધાને પ્રેમ હશે, પણ તે વ્યક્ત નથી થઈ શકતો.
તમે ખુદ જ વિચારો કે શું તમારા પિતા માટે તમને પ્રેમ નથી ? પણ અહીંયા મહત્વનો મુદ્દોએ છે કે, પ્રેમને વ્યક્ત કરવો. બહુ ઓછા લોકો હશે કે જે તેના પિતા સામે પ્રેમ વ્યક્ત કર્યો હશે. પિતા ગુમાવ્યા બાદ ઘણા બધા લોકોને આ બાબતનો અફસોસ રહી જાય છે. અને સમયની એક ખરાબ બાબત છે કે તે ક્યારે પણ પાછો નથી આવતો. પિતા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત ન કરવાનો અફસોસ જિંદગી આખી રહી જાય છે.
આજે ફાધર ડે નિમિતે ઢગલા બંધ પોસ્ટ, લેખો તમને સોશ્યિલ મીડિયા પર જોવા મળશે. પણ સૌથી કરુણતાની વાત એ છે કે તે ફક્ત સોશ્યિલ મીડિયા પર જ રહશે. પિતા સામે આંખમાં આંખ મિલાવી કોઈ તેમના પ્રેમનો ઈકરાર નહીં કરે. હું તો ત્યાં સુધી કહું છુ કે, કોઈ છોકરી અથવા છોકરા સામે પ્રેમ વ્યક્ત કરવો સહેલો છે, પણ પિતા સામે પ્રેમ વ્યક્ત કરવો ખુબ કપરો છે.
આ મારી વાતને યોગ્ય રીતે સમજાવવા માટે એક ફિલ્મી ઉદાહરણ આપું છુ. મુન્નાભાઈ એમબીબીએસનો છેલ્લો સીન જેમાં સંજય દત્ત અને સુનિલ દત્ત એક બીજાને જાદુની જપ્પી આપે છે. આ સીન બધા લોકોને યાદ હશે. ઘણા બધા લોકોનું સપનું હશે કે તેના પિતાને તે આવી રીતે જાદુની જપ્પી આપે. પરંતુ જે વસ્તુ ફિલ્મમાં શક્ય બને છે, તે જીવનમાં કેમ શક્ય બનતું નથી.
પ્રેમ હોવા છતાં પ્રેમ વ્યક્ત કેમ નથી થતો! આ બાબતે મનોમંથન કરતા એવું તરણ નીકળે કે, ‘મોટા ભાગમાં પુત્ર-પિતાની વચ્ચે શબ્દો અને વાતચીતનો વ્યવહાર ખુબ ઓછો હોય છે. પુત્રને કોઈ વસ્તુની જરૂર છે તો તે તેની માતા અથવા બહેનને કહેશે. જયારે દીકરી અને પિતા વચ્ચેનો સબંધમાં આવી કોઈ ત્રીજા વ્યક્તિની જરૂર પડતી નથી.
આજે ફાધર ડે નિમિતે આ લખવા પાછળનો ઉદેશ્ય એ છે કે, દરેક સંતાનને તેના માતા પિતા સાથે પ્રેમ હોય છે. બસ તે પ્રેમ તેની સામે વ્યક્ત નથી કરતા. કોઈ છોકરી અથવા છોકરાને પ્રપ્રોઝ કરતી વખતે જે હિમ્મત ભેગી કરીયે તેવી રીતે આજે પણ હિમ્મત ભેગી કરી તમારા પિતા સામે તમારો પ્રેમ વ્યક્ત કરો, અને પછી જોવો કે જાદુની જપ્પી વારો સીન પણ તમારી જિંદગીમાં કેવી રીતે રંગ ભરે છે.