પ્લોટના પ્રશ્ર્ને પાંચ માસથી ચાલતી અદાવતના કારણે ઝનૂનથી છરીથી હુમલો કરી બંનેના ઢીમઢાળી દીધા: બચાવવા વચ્ચે પડેલી યુવતીને છરીના બે ઘા ઝીંકી દેતા ગંભીર
બોટાદ જિલ્લામાં અસામાજીક તત્વો પર પોલીસની પકકડ ઢીળી પડી હોય તેમ છેલ્લા કેટલાક સમયથી ખૂન અને લૂંટની ઘટના બનતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતી કથળી હોય તેમ ગઇકાલે જમીનના પ્લોટના પ્રશ્ર્ને પિતા-પુત્ર પર છરીથી હુમલો કરી કુટુંબી ભાણેજે હત્યા કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. એક સાથે બે હત્યા કરી લોહીવાળી છરી સાથે મુસ્લિમ યુવાન પોલીસમાં હાજર થતાં પોલીસે તેની સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ બોટાદના તાજપર સર્કલ પાસે આવેલી નગીના મસ્જીદ પાસે રહેતા ૭૫ વર્ષના નુરાભાઇ અલ્લારખાઇ જોખીયા તેના પુત્ર ફિરોજ ઉર્ફે પ્રેમજીભાઇ નુરાભાઇ જોખીયાને ખોજાવાડીમાં રહેતા જાવેદ ગુલમહંમદ જાખરાએ હત્યા કર્યાની મૃતકની પુત્ર અને હુમલા દરમિયાન બચાવવા વચ્ચે પડેલી સલમાબેન ફિરોજભાઇ જોખીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ખોજાવાડી વિસ્તારમાં રહેતા જાવેદ ગુલમહંમદ જાખરાને નગીના મસ્જીદ પાસે ખુલ્લા પ્લોટ પચાવી પાડવો હોવાથી તેને અટકાવતા છેલ્લા પાંચેક માસ અદાવત ચાલતી હોવાથી ગઇકાલે સાંજના સાડા છ વાગે છરી સાથે નગીના મસ્જીદ પાસે જાવેદ જાખરા ઘસી આવ્યો હતો. નુરાભાઇ જોખીયા બાજુમાં રહેતા સંબંધીને ત્યાં ગયા હતા ત્યાં જઇ તેમના પર છરીથી હુમલો કરતા પોતાના પિતા નુરાભાઇ જોખીયાને બચાવવા ફિરોજભાઇ ઉર્ફે પ્રેમજીભાઇ વચ્ચે પડતા તેના પર પણ છરીથી હુમલો કરતા બંને ગંભીર રીતે ઘવાતા તેમની પુત્ર સલમાબેન છોડાવવા ઘટના સ્થળે દોડી જતા ઉશ્કેરાયેલા જાવેદ ગુલમહંમદ જાખરાએ તેમને પણ છરીના બે ઘા ઝીંકી ભાગી જતાં ઘટના સ્થળે ટોળુ એકઠું થઇ જતાં ત્રણેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં નુરાભાઇ જોખીયા અને તેમના પુત્ર ફિરોજભાઇ જોખીયાના મોત નીપજ્યાનું ફરજ પરના તબીબે જાહેર કર્યુ હતું.
નુરાભાઇ જોખીયા અને તેમના પુત્ર ફિરોજભાઇ જોખીયાની હત્યા કરી જાવેદ ગુલમહંમદ જાખરા લોહીવાળી છરી સાથે પોલીસ મથકમાં હાજર થતા પી.એસ.આઇ. એસ.વાય.ઝાલા સહિતના સ્ટાફે સલમાબેનની ફરિયાદ પરથી જાવેદ ગુલમહંમદ સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી છે. પોલીસ તપાસ દરમિયાન મૃતક ફિરોજભાઇને જાવેદ ગુલમહંમદ કુટુંબી ભાણેજ થતો હોવાનું બહાર આવ્યું છે.