માર્કેટિંગ યાર્ડમાં ચણા ભરીને જતા હતા ત્યારે આઇસર કાળ બનીને ત્રાટક્યું
રાજકોટ – મોરબી હાઇવે રક્તરંજીત થવાનો સિલસિલો આજે પણ યથાવત રહ્યો છે, ટંકારાના ધ્રુવનગર નજીક ટ્રેક્ટરમાં ચણા ભરીને જઈ રહેલા નાના ખીજડિયા ગામના પિતા – પુત્ર ઉપર આઇસર ચાલક કાળ બનીને ત્રાટકતા બન્નેના મોત નિપજતા નાના એવા ખીજડિયા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ મોરબી હાઇવે પર આજે વહેલી સવારે ધ્રુવનગર ગામ નજીક ટ્રેક્ટરમાં ચણા ભરીને જઈ રહેલા નાના ખીજડિયા ગામના ભાણજીભાઈ ગોવિંદભાઇ પટેલ ઉ.૬૬ તથા તેમના પુત્ર પ્રવીણભાઈ ભાણજીભાઇ પટેલ ઉ. ૨૭ ને સામેથી આવતા બેકાબુ આઇસરે હડફેટે લેતા આ અકસ્માતમાં પિતા – પુત્રનું મોત નીપજ્યું હતું.
આ અકસ્માતમાં પિતા પુત્રના મોત નિપજતા નાના એવા ખીજડિયા ગામમાં ગમગીની છવાઈ ગઈ છે, ઉલ્લેખનીય છે કે હાલમાં મોરબી હાઇવેને પહોળો કરવાની કામગીરી મંથર ગતિએ ચાલી રહી છે અને કોન્ટ્રાકટર દ્વારા અણઘડ રીતે કામ કરાતું હોય છેલ્લા દિવસોમાં અકસ્માતોનું પ્રમાણ વધવા પામ્યું છે.
વધુમાં આ અકસ્માતમાં આઇસર ટ્રકે ટ્રેક્ટરને જોરદાર ટક્કર મારતાં ટ્રેકટર ના ટુકડે ટુકડા કરી નાખ્યા હતા અને ટ્રેકટર રોડની નિચે ગોથુ મારી જતા પાછળ આવતુ બીજુ ટ્રેકટર પણ અકસ્માત નો ભોગ બન્યું હતું જેમા સવાર નાના ખિજડિયા ના પાટીદાર કુટુંબ ના પિતા દેત્રોજા ભિખાભાઇ પુત્ર દેત્રોજા પ્રવિણભાઈ નુ ધટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
બનાવ અંગે ૧૦૮ ને જાણ કરાતા પાઈલોટ શેલુભાઈ અને ડો. વલ્લભ લાઠીયા દોડી ગયા હતા પરંતુ સારવાર કારગત નિવડે તે પહેલાં પ્રાણપંખેડુ ઉડી ગયું હતું. ઉલ્લેખનીય છે કે દેત્રોજા કુટુંબ ના એક ના એક પુત્ર અને પરીવાર ના વડીલના મોતથી નાનુ ગામ હિબકે ચડયું હતું.
ગુજરનાર પ્રવિણભાઈને એક પુત્ર અને એક પુત્રી છે અને બાળકોના અભ્યાસ માટે મોરબીમા મકાન લઈ ગામડે અપડાઉન કરતા હતા. એવામા આ પરીવારના આધારસ્થંભના અકસ્માતથી દેત્રોજા કુટુંબ પર આભફાટયુ છે