આધુનિક સ્વતંત્ર ભારતના પિતા, નવ રાષ્ટ્રના નિર્માતા અને ભાગ્ય વિધાતા: આજે ગાંધી જયંતી

સંયુકત રાષ્ટ્રે 15 જુન 2007 ના દિવસે જાહેરાત કરીને દર વર્ષે ર ઓકટોબરે ‘આંતર રાષ્ટ્રીય અહિંસા

દિવસ’ની પણ ઉજવણી કરાય છે : આજના યુવાધને તેના 11 મહાવ્રતોને સમજવાની જરૂર

સાબરમતી કે સંત તુને કર દીયા કમાલ

બાપુનું જીવન પારદર્શક અને પથદર્શકનું હતું : જાત મહેનત અને સત્ય કે અહિંસાના તેના વિચારોને આજની પેઢી અમલમાં મુકે તો ઘણી મુશ્કેલીનો અંત આવી શકે : માનવ મૂલ્યોની દ્રષ્ટિએ પણ મહાત્મા ગાંધીને અનુસરવું જરૂરી

ભારતના રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધી કે જેઓ બાપુ અથવા મહાત્મા ગાંધી નામથી પણ ઓળખાય છે. તેમનો જન્મ ર ઓકટોબરે થયો હોવાની આ દિવસે ગાંધી જયંતિ તરીકે ઉજવે છે. બીજું આ દિવસને ‘વિશ્ર્વ અહિંસા દિવસ’ તરીકે પણ વિશ્ર્વ ઉજવે છે. ભારત સિવાય વિશ્ર્વના અનેક દેશો આજે તેમનાં જન સેવાના કાર્યો, અહિંસક ચળવણ માટે યાદ કરે છે. મહાત્મા ગાંધીજીને વૈશ્ર્વિક સ્તરે આદર, સન્માન વ્યકત કરવા ઉજવણી આજે થઇ રહી છે.  મહાત્માએ વિશ્ર્વને અહિંસા અને શાંતિનો સંદેશ આપ્યો છે.

આજે ભારત 155 મી ગાંધી જયંતિની ઉજવણી કરી રહયું છે ત્યારે ‘મારુ જીવન જ મારો સંદેશ’ જેવી પ્રેરક વાતો જીવનમાં વિવિધ ગુણો  થકી મહાન બન્યા, આપણા સૌરાષ્ટ્રના પોરબંદરમાં જન્મ થયોને રાજકોટમાં પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ મેળવીને બેરીસ્ટર થયા. આજની ર1 મી સદીમા ગાંધીનો અર્થ સાથે દેશના યુવા ધને તેમના અછૂત પ્રત્યેના કાર્યો, માનવતાનો સંદેશ, દાંડી માર્ચ, શિક્ષણમાં બુનિયાદી શિક્ષણ સાથે તેમની સાધારણ જીવનશૈલી સાથે ઉચ્ચ વિચારોને અનુસરવું જ પડશે.

સંયુકત રાષ્ટ્રે 1પ જુન 2007 ના દિવસે જાહેરાત કરીને દર વર્ષે ર ઓકટોબરે ‘આંતર રાષ્ટ્રીય અહિંસા દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. તેમના 11 મહાવ્રતો દેશના દરેક નાગરીકે સમજવાની જરુર છે. તેમણે સત્ય, અહિંસા, ચોરી ન કરવી, અપરિગ્રહ, સ્વાવલંબન, અસ્પૃશ્યતા, અભય, સ્વદેશી, સ્વાર્થ ત્યાગ સાથે સર્વધર્મ સમભાવનો સંદેશ સમગ્ર વિશ્ર્વને આપ્યો છે.

વૈષ્ણવ જન તો એને રે કહિએ જે પીડ પરાઇ જાણે તેમનું પ્રિય ભજન હતું. સવાર-સાંજ પ્રાર્થના સભા અને પોતાનું દરેક કામ જાતે કરવાનો તેમનો આગ્રહ હતો. 11 મહાવ્રતોની સમજ જોઇએ તો હમેશા વાણી-વર્તન સાચુ રાખવું, કોઇને શારીરિક, માનસિક કે ભાવનાત્મક ઇજા ન કરવી, સામે જીવનમાં કોઇપણ પ્રકારની ચોરી ન કરવી એણેઅને જરુરીયાત હોય તેટલું જ વસ્તુનું મહત્વ સાથે સંગ્રહનો વિરોધ કર્યો હતો. બ્રહ્મચર્યની વાત સમજાવતા મહાત્માએ મર્યાદાઓ, સિઘ્ધાંતો પાળીને માનસિક બ્રહ્મચર્ય પાળવાની વાત કરી છે.

સ્વાવલંબનમાં દરેક માણસે પોતાના બધા કામે જાતે કરવા, શ્રમ નિષ્ઠ બનવું જોઇએ તેમ જણાવીને સમાજમાં જ્ઞાતિ-જાતીના, માણસ-માણસ વચ્ચેના ભેદભાવમાં માનવું નહીં. માણસે હમેશા નીડર રહેવા અને બનવા પર ભાર મુકયો છે. સૌથી અગત્યની સ્વદેશીની વાતમાં દેશમાં બનતી વસ્તુઓ વાપરવાનો આગ્રહ રાખવાની વાત કરી છે.  કોઇપણ કાર્ય પોતાના અંગત સ્વાર્થ માટે ન કરવા સ્વાર્થ છોડીને જીવન જીવવું સાથે જગતના બધા જ ધર્મોને સમાન ગણીને બધા જ ધર્મને સન્માન આપવાની વાત કરી છે.

આજે ગાંધી જયંતિ એટલે મહાત્માના જીવન કાર્યો અને જીવન સંદેશને યાદ કરીને એમાંથી પ્રેરણા લેવાનો દિવસ છે. ગાંધીજીએ કહેલું કે મારૂ જીવન એ જ મારો સંદેશ છે. તેઓ એક વિશ્ર્વ માનવ હતા વિશ્ર્વ પ્રસિઘ્ધ નાટયકાર બર્નાડ શોએ ગાંધીજી વિશે કહ્યું કે ‘આવનારી પેઢીઓ ભાગ્યે જ વિશ્ર્વાસ કરશે કે કયારેક આ સંસારમાં એવી વ્યકિત પણ રહી હતી, જે આધુનિક સ્વતંત્ર ભારતના પિતા, નવરાષ્ટ્રના નિર્માતા અને ભાગ્ય વિધાતા જેવી ઘણી વિવિધતાઓ લઇને કોઇ નોખા માટીનો માનવી આ દેશમાં જન્મયો હશે’ વિશ્ર્વ વિચારક ટોફલરે પણ કહ્યું કે ર1 મી સદી ટેકનોલોજીની દ્રષ્ટીને સેટેલાઇટનો ઉપયોગ કરતી હશે અને માનવ મુલ્યોની દ્રષ્ટિએ મહાત્મા ગાંધીને અનુસરતી હશે.

મહાત્મા ગાંધીજી એક સાચા વૈષ્ણવ હતા. તેમને ગમતા ભજનમાં જનનાં લક્ષણોની વાત તેમણે જીવનમાં ઉતારી. તેમના નિડર અને કાબેલ નૃતત્વમાં ભારતમાં વિદેશી હકુમત પાસેથી સ્વતંત્રતા પ્રાપ્ત કરી હતી. તેમની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ આજના દરેક યુવાનોએ વાંચવી જોઇએ, મહાત્માએ ભારતમાં કરેલ દાંડીયાત્રા પૂર્વે પણ ઇગ્લેંડમાં કાયદાના અભ્યાસ દરમિયાન રોજ 8 થી 10 કી.મી. ચાલીને કોલેજ જતાં આજ કારણે તેમના જીવનમાં પદયાત્રાનું મહત્વ વઘ્યું હશે. ગાંધીજીને 1948માં નોબેલ પુરસ્કાર આપવા માટે પસંદ કરાયા હતા. પણ આ પહેલા જ તેમની હત્યા થઇ ગઇ હતી. તેમણે તેમની આત્મકથા ગુજરાતીમાં લખી હતી , તેમને ‘મહાત્માની ઉપાધિ’  ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે આપી હતી.

અહિંસક સવિનય કાનુન ભંગનો જે ખ્યાલ તેમણે લિયો ટોલ્સટોય અને હેન્રી ડેવિડ થોરો પાસેથી મેળવ્યો હતો. અને તેનો ઉપયોગ તેમણે બ્રિટીશ રાજયની હકાલપટ્ટી કરી ભારતના સ્વતંત્રતા અપાવી. આ જોઇને ઘણાં પ્રદેશોએ પણ આઝાદી ચળવળ ઉપાડી હતી. દક્ષિણ આફ્રિકામાં નાગરીકોના અધિકારો માટેની ચળવળ, ભારતીય સ્વતંત્રતા સંગ્રામ, કલકતા અધિવેશન બાદ તીવ્ર ચળવળનો પાયો બાદમાં ભારતના ભાગલામાં તેમની મહત્વની ભૂમિકા રહી હતી.

આજે વિશ્ર્વમાં સત્ય અને અહિંસાના પ્રેરણા સ્ત્રોત મહાત્મા ગાંધીજી અને ‘જયજવાન જય કિશાન’નો નારા આપનાર પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીજી જેવી બન્ને વિભૂતિઓની એક જ દિવસે જન્મ જયંતિ છે. ગાંધીજીએ સત્ય અને અહિંસાના બળ ઉપર જ અંગ્રેજોની ગુલામીથી ભારતને સ્વતંત્રતા અપાવી હતી, તેથી જ તેને રાષ્ટ્રપિતાનો દરજજો મળ્યો છે. ગાંધીજીના વિચારોમાં માનવ જીવનના અનેક ક્ષેત્રો ને સ્પર્શતા વિચારો રજુ કર્યા.  દેશમાં લોક કલ્યાણ અને ગરીબી કે બેકારી દૂર કરવા અંગેની તેમની વિભાવનાને આજે અમલવારીની જરુરીયાત છે. ધર્મ અને બિન સાંપ્રદાયિકતાના તેમના વિચારો સાથે વિશ્ર્વ શાંતિ અને વૈશ્ર્વિક ભાઇચારા અંગે બાપુના શ્રેષ્ઠ વિચારો હતા. જાત મહેનત અને સત્ય કે અહિંસાના બાપુના વિચારોને આજની પેઢી અમલમાં મુકે તો ઘણી મુશ્કેલીનો અંત આવી શકે, આજના યુવા વર્ગે મહાત્માને સમજવા જરુરી છે, કારણ કે બાપુનું જીવન પારદર્શક અને પથદર્શક હતું. યુવાનો જો તેમની આત્માકથા ‘સત્યના પ્રયોગો’ એક વાર વાંચે તો પણ જીવન જીવવાની પઘ્ધતિમાં ફેરફાર આવી જાય, દુનિયામાં નેલ્સન મંડેલા હોય કે બરાક ઓબામા સમય અને સ્થળના ભેદ સિવાય અનેક મહાનુભાવોએ ગાંધીજીના જીવનમાંથી પ્રેરણા લઇને પોતાનું જીવન ઉન્નત બનાવ્યું છે.

કાર્ય શિક્ષણ અને માતૃભાષા દ્વારા શિક્ષણથી જ બાળક સ્વનિર્ભર બની શકે ‘શિક્ષણ ત્યાં સુધી ઉપયોગી નથી, જ્યાં સુધી તે એક સારા નાગરિકનું નિર્માણ ના કરી શકે’

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – 2020નો અમલ થવા જઈ રહ્યો છે,ત્યારે શિક્ષણની ફિલસૂફી બાબતે, શિક્ષણના પૂર્વ ફિલોસોફરમાંથી મહાત્મા ગાંધીજીની શિક્ષણ ફિલોસૂફીને યાદ કરવી અસ્થાને નહીં ગણાય.મહાત્મા ગાંધીના શિક્ષણ દર્શનમાં બાળકના આધ્યાત્મિક વિકાસ માટેના શિક્ષણ, સામાજિક વિકાસ માટેના શિક્ષણ,સ્વની શોધ માટેના શિક્ષણ, જીવનના અનુભવો માટેના શિક્ષણ જેવી પાયાની બાબતોને સાંકળવા આવી છે.ટૂંકમાં ગાંધીજીનું શિક્ષણ દર્શન બાળકના સર્વાંગી વિકાસ માટેની એક સંપૂર્ણ દૃષ્ટિ છે.

ગાંધીજીએ જણાવ્યું હતું કે શિક્ષણ દ્વારા બાળકના શરીર,મન અને આત્મામાં રહેલા સર્વશ્રેષ્ઠ અંશને બહાર લાવી તેનો સર્વાંગી વિકાસ કરી શકાય છે.સ્ત્રી અને પુરુષ કોઈપણ જાતના બંધન અને ભેદભાવ વગર શિક્ષણ મેળવવાને હકદાર છે. શિક્ષણનું કાર્ય બાળકમાં રહેલી સુષુપ્ત શક્તિઓનો વિકાસ કરી તેને પૂર્ણતાની કક્ષાએ લઈ જવાનું છે. શિક્ષણ ત્યાં સુધી ઉપયોગી નથી,જ્યાં સુધી તે એક સારા નાગરિકનું નિર્માણ ના કરી શકે,પછી ભલે ને તે છોકરો હોય કે છોકરી.શિક્ષણ દ્વારા સારા નાગરિકોનું નિર્માણ કરીને રાષ્ટ્રને વધુને વધુ શક્તિશાળી બનાવી શકાય છે.

ગાંધીજીનું શિક્ષણ દર્શન નીચેના હેતુને કેન્દ્રમાં રાખે છે:

(1) આધ્યાત્મિક વિકાસ માટે શિક્ષણ:

સાચું શિક્ષણ એ છે જે બાળકોના બૌદ્ધિક, આધ્યાત્મિક અને ભૌતિક પાસાઓને ઉશ્કેરી પોતાની તરફ ખેંચે છે,એટલે કે એવું શિક્ષણ જે બાળકોને પૂરા પાડવામાં આવતા તમામ અનુભવો તેમના સર્વાંગી વિકાસ – શારીરિક,માનસિક,નૈતિક, સૌંદર્યલક્ષી અને ધાર્મિક જેવા વિવિધ પાસાઓને કેન્દ્રમાં રાખીને કાર્ય કરે.જ્ઞાનરૂપી પાત્ર દ્વારા અંતમાં મુક્તિ તરફ લઈ જવા માટે ગાંધીજીએ નૈતિક અને આધ્યાત્મિક શિક્ષણ પર ભાર મૂક્યો અને આ માટે ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી.જેમાં સાહિત્યિક તાલીમની સાથે સાથે વૈજ્ઞાનિક સંશોધન,ભાષાશાસ્ત્રો,વ્યવસાયો,અંગ્રેજીનો અભ્યાસ,સંસ્કૃત અને લલિત કલાની તાલીમને પણ મહત્વ આપવામાં આવે છે.જ્ઞાન જે મુક્તિ માટે રચાયેલ છે,તે સમાજને આધ્યાત્મિક સ્વતંત્રતા તરફ દોરી જાય છે.ગાંધીજી કહે છે, ’શિક્ષણએ આત્માની જાગૃતિ છે.’

(2) વિકાસશીલ સમાજ અને લોકશાહીના વિકાસ માટે શિક્ષણ:

ગાંધીજીના શિક્ષણના હેતુઓમાં બાળકોમાં શિક્ષણ દરમિયાન સહાનુભૂતિ, સેવા, પ્રેમ, ભાઈચારો, સમાનતા અને સ્વતંત્રતા જેવા ગુણોનું સિંચન કરી આદર્શ નાગરિક બનાવવાના હેતુને કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે.ગાંધીજી કહે છે,’વ્યક્તિગત અને રાષ્ટ્ર કલ્યાણ એકબીજાના પૂરક છે. તેથી તેમનામાં વધુને વધુ લોકશાહી નાગરિકત્વના ગુણ વિક્સાવવા જોઈએ,જેથી એક રાષ્ટ્રના નિર્માણ અને વિકાસમાં તેઓ ભાગીદાર બને.’ સામાજિકતા અને સર્વોદયના વિકાસ માટે ગાંધીજી કહે છે કે, શિક્ષણ દેશની જરૂરિયાતને પૂરી કરનાર હોવું જોઈએ.દેશ અને દેશની જરૂરિયાતોથી પરિચિત હોવાથી ગાંધીજી મફત અને હસ્તકળા કેન્દ્રિત શિક્ષણની હિમાયત કરે છે, કારણ કે ભારતના ગામડાઓના ગરીબ લોકો શિક્ષણ માટે નાણા ચૂકવી શકે તેમ નથી,માટે તેમના માટે હસ્તકલાનાં શિક્ષણ દ્વારા રોજીરોટી મેળવવાની તક ઊભી કરી શકે તેવું શિક્ષણ મહત્વનું છે.આ ગાંધીજીની સામાજિક ફિલસૂફી તરીકે પણ ઓળખાય છે.જેમાં વ્યક્તિગત વિકાસ દ્વારા સર્વના વિકાસની બાબતને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.જાતિ,પંથ,જ્ઞાતિ અને રાષ્ટ્રીયતાના ભેદભાવ વિના સર્વાંગી વિકાસનો ધ્યેય રાખવામાં આવેલ છે.સર્વોદય દ્વારા સામાજિક અનિષ્ટોનું રાજકીય,આર્થિક અને સામાજિક રીતે વિકેન્દ્રિકરણ કરવાની જરૂર છે.ગાંધીજીની શિક્ષણની ફિલસૂફી માનવતાવાદ પર આધારિત છે એમ કહી શકાય.

(3) સ્વશોધ માટે શિક્ષણ:

સ્વશોધને મહત્વ આપતા ગાંધીજી જણાવે છે, ’હું વ્યક્તિગત સ્વતંત્રતાની કદર કરું છું,પરંતુ માણસ જે સમાજમાંથી આવે છે,એ સમાજની જરૂરિયાતો અને પ્રગતિ માટે તેણે પોતાના વ્યક્તિત્વને સંતુલિત કરતા શીખીને પોતાની જાતને ઉપર લાવવી જોઈએ.

‘કોલેજના વિદ્યાર્થીઓને સંબોધતા તેઓ કહે છે કે, ’તમારું શિક્ષણ જીવનને લગતું હોય તો તેની સુગંધ જરૂર તેની આસપાસના યુવાનોમાં પ્રસરાવી જોઈએ.તમારે તમારા સમયનો થોડો ભાગ તમારી આસપાસ રહેતા લોકોની સેવા કરવામાં ખર્ચવો જોઈએ.એના માટે તમારે પાવડા,ઝાડું અને ટોપલા લઈ તૈયાર થઈ જવું જોઈએ.આ પવિત્ર જગ્યાના સ્વચ્છ સફાઈ કામદાર બનવું જોઈએ.તે તમારા શિક્ષણનો સૌથી કીંમતી ભાગ હશે,નહીં કે સાહિત્યિક પુસ્તકોને ગોખવા.’

(4) જીવન અને અનુભવો માટે શિક્ષણ:

જીવન અનુભવોના શિક્ષણ માટે ગાંધીજી પાયાના શિક્ષણ અને વ્યવસાયિક શિક્ષણને પ્રાધાન્ય આપે છે.શિક્ષણ મેળવ્યા બાદ બાળક પોતાની જાતને સ્વનિર્ભર બનાવી શકે તે માટે ગાંધીજી કાર્ય શિક્ષણ અને માતૃભાષા દ્વારા શિક્ષણને મહત્વ આપે છે. ગાંધીજીને મન માતૃભાષા એ માતાના ધાવણ સમાન છે.જે બાળકનું જીવન પોષણ કરે છે.જડ સમય પત્રક વિનાના શિક્ષણ દ્વારા શિક્ષણનો ભાર ઘટાડવાની વાત ગાંધીજી કહે છે.

પ્રથમ સાત વર્ષ માટે મફત અને ફરજિયાત શિક્ષણની હિમાયત કરે છે.દેશમાં શાંત અને સામાજિક ક્રાંતિ લાવતા પાયાના શિક્ષણની વાત કરતા ગાંધીજી કહે છે કે આના દ્વારા સામાજિક દુષણથી ઘેરાયેલા સમાજમાં શહેર અને ગામડા તથા વિવિધ જાતિ વચ્ચેના વૈમનસ્યમાં ઘટાડો થશે અને નવા સંબંધો વિકસાવવામાં મદદરૂપ થશે.’

ગાંધીજી કાર્ય શિક્ષણ માટે જણાવે છે કે,’બાળકના શરીર,મન,અને આત્માનો સર્વાંગી વિકાસ કાર્ય શિક્ષણ દ્વારા થાય છે.તેના દ્વારા ઈતિહાસ, ભૂગોળ અને ગણિત જેવા વિષયોને કાર્ય શિક્ષણ સાથે સાંકળી સમવાયી શિક્ષણ દ્વારા બાળકમાં રહેલી શક્તિઓને બહાર લાવવાની છે. કાર્ય શિક્ષણમાં કાંતવું, સુથારીકામ, ખેતી, બાગાયત જેવા વિવિધ ગ્રામીણ કૌશલ્યોને મહત્વના ગણાવ્યા છે. વ્યક્તિગત અને સામાજિક જરૂરિયાતો આધારિત, સ્થાનિક જરૂરિયાતો આધારિત, સ્થાનિક પરિસ્થિતિ આધારિત, બાળકના રસ, રુચિ અને વલણ આધારિત બિનખર્ચાળ અને સાદગી આધારિત અને બાળકોના સર્વાંગી વિકાસ આધારિત કાર્ય શિક્ષણ મનોવિજ્ઞાનિક સિદ્ધાંતો પર આધારિત પણ હોવું જોઈએ.’ આમ, ગાંધીજીનું શિક્ષણ દર્શન એ માત્ર બાળકના સર્વાંગી વિકાસને જ કેન્દ્રમાં રાખતું નહોતું,પરંતુ તેને મેળવ્યા બાદ તેને પોતાને સ્વનિર્ભર બની પોતાનું અને પોતાના પરિવારના ભરણપોષણમાં સહાયક બનવા માટે સક્ષમ બનાવનાર છે.બાળકમાં આત્મવિશ્વાસ અને આત્મસન્માનની ભાવનાનો વિકાસ કરનાર છે.જે આજના સાંપ્રત સમયમાં ખૂબ જ જરૂરી પુરવાર થાય તેમ છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.