- કાલે વિશ્ર્વ પિતા દિવસ
- પિતા અને બાળકો વચ્ચે અતૂટ બંધનમાં પ્રેમ, હુંફ, લાગણી, વિશ્ર્વાસ અને શ્રદ્ધા જેવા સદગુણો સમાયા છે, જે બંધનને મજબૂત કરે છે : પરિવારનું સૌથી મહત્વનું પાત્ર પિતા છે, જે કુટુંબનો પ્રાણ, પાયો અને અસ્તિત્વ પણ છે
- ઘર, કુટુંબ, પરિવારમાં સૌથી વધુ મહેનત પિતા કરતો જોવા મળે છે: પરિવારનાં દુ:ખમાં માર્ગ શોધીને પરિવારને ફરી આનંદમાં આ એક જ વ્યક્તિ લાવે છે: આપણા જીવનમાં બાળપણની યાદોમાં સૌથી મોખરે પપ્પા જ હોય છે
કાલે રવિવારે દરેકના જીવન માટે એક અનન્ય પ્રસંગ છે, કારણ કે વર્લ્ડ ફાધર્સ ડે છે. આપણા જીવનમાં માની મમતા આપણને દેખાય છે, કેમકે એ પ્રત્યક્ષ છે પણ આપણા જીવનના સપનાઓ પપ્પા જ પૂરા કરે છે. સપનાઓ તો મારા હતા પણ દિશા આપનાર મારા પિતા જ હતા. આજના યુગમાં ભાગ્યશાળી તો એ છે જેમના માથા ઉપર પિતાનો હાથ હોય છે. પિતાએ દીવો બનીને આપણું જીવન પ્રકાશિત કરતા કરતા પોતે બળી જાય છે. માતા પાસે આંસુઓનો દરિયો હોય છે, પણ પિતા તો સંયમની દીવાલ હોય છે. માતા ઘરનું માંગલ્ય હોય તો, પિતા ઘરનું અસ્તિત્વ છે. બધાની સામે મોકળાશ મને માં રડી શકે છે પણ, રાત્રે તકિયામાં મોઢું છુપાવીને ડુસકા ભરે એ પિતા જ હોય. પરિવારનું સૌથી મહત્વનું પાત્ર પિતા એ કુટુંબનો પ્રાણ, પાયો, અને અસ્તિત્વ ગણાય છે. પિતાના કોઈ દિવસ ઉજવવાના ન હોય, દરરોજ તેના દિવસો હોય. તે દયાળુ અને શિસ્તબદ્ધ હોય છે, તેથી જ તેમને હૃદય પ્રેમ અને કરુણાસભર હોય છે.
પિતૃત્વના બંધનો અને સમાજમાં પિતાની ભૂમિકાનું સંતાનોએ સન્માન કરવું જોઇએ. તે આપણો પહેલો પ્રેમ અને આપણાં જીવનનો છેલ્લો હીરો છે.તે મૌનથી આપણને બધુ શીખવી જાય છે અને જીવનમાં ક્યારેય દુ:ખી થવા દેતો નથી, તેના પ્રેમ આગળ દુનિયાની તમામ કિંમતી ચીજોનું કાંઇપણ મુલ્ય નથી.
ફાધર્સ ડે ની આ વર્ષની ઉજવણીની થીમ “સેલિબ્રિટી ફાધરહુડ : સ્ટ્રેંથ, લવ અને સેક્રિફાઇઝ” છે ,જેનો હેતુ બાળકોને ઉછેરવામાં એક પિતા શક્તિ, પ્રેમ અને બલિદાન આપીને તેમના જીવન વિકાસમાં બહુલક્ષી યોગદાનમાં પિતાનો ફાળો મહત્વનો છે, તેવી વાત કરે છે.
આપણા જીવનમાં પ્રથમ માતા અને પિતા આ બન્ને શબ્દો આવે છે. માતા બાળકને જન્મ આપ્યા બાદ તરત જ બાળક પગભર ન થાય ત્યાં સુધી તેને લાલન-પાલન-સપનાઓ બધુ જ પૂર્ણ કરે છે ,તે પરિવારનું સૌથી મહત્વનું પાત્ર એટલે પિતા છે. પોતાના સંતાનોને જીવન પોષણ બાપ કે પિતા જ આપે છે. સંતાનોમાં છોકરાને બધુ જ શિખડાવાય છે કારણ કે તે કુળદિપક છે. છોકરી પ્રત્યે આજે પણ જેન્ડર
બાયસ જોવા મળે છે, પછી તે ઉછેર હોય કે શિક્ષણ પણ છે ખરૂ. પિતાથી જ પરિવાર ઉજળો બને છે. મારા, તમારા કે આપણા સૌના જીવનમાં પિતા સૌથી વધુ મહેનત કરતો અને કુટુંબ માટે ખરપાઇ જતો માણસ છે. પરિવારના સુખ-દુ:ખમાંથી સૌને આનંદી સફર પિતા જ કરાવે છે. સંતાનોના સપનાને પૂર્ણ કરવા આ એક જ માણસ રાત-દિન કામ કરે છે. ગઇકાલે જ વિશ્ર્વભરમાં તેનો દિવસ ઉજવાયો પણ તેનો દિવસ એક દિવસ નહીં પણ રોજેરોજ આપણાં જીવનમાં ઉજવાવો જોઇએ. કારણ કે તેના થકી જ સંતાનોના દિવસો છે.
દરેક બાપ તેના સંતાનોના ખિસ્સામાં થોડા પૈસા અને આંખોમાં અનંત સપનાઓ વાવે છે, અને પુરા પણ કરે છે. તે સુરજ જેવો છે પણ જો તે સંતાનોના જીવનમાં ન હોય તો અંધારૂ આવી જાય છે. ઘણીવાર પિતાના અવસાનથી એક માં સંતાનોનો ઉછેર કરશે પણ તેને કેવી તકલીફ પડે છે તે બાબતે આપણે ક્યારેય વિચાર્યું નથી. માતા-પિતાનું ઋણ પૃથ્વીવાસી ક્યારેય ઉતારી ન શકે કે ચુકવી ના શકે. આજકાલની સમાજ વ્યવસ્થા અને સંતાનોના વિચારોને કારણે પરિવારના ઝગડાથી મા-બાપ વૃધ્ધાશ્રમમાં જોવા મળે છે. એક નાનકડા રૂમમાં ચાર ભાઇ-બેનને ઉછેરી શકનાર મા-બાપને છેલ્લે નિવાસસ્થાનના વારા કાઢવા પડે છે કે એકલા રહેવું પડે છે. જીંદગીભરની કમાણી સંતાનોના વિકાસ પાછળ ખર્ચનાર બાપ ક્યારેય પોતાનું ભવિષ્ય વિચારતો નથી. પિતાએ પેઢી દર પેઢીથી ચાલ્યો આવતો શબ્દ કે પરિવારનો મોભી છે. મા ક્યારેક રડી લેશે પણ પિતાને રડતા બહું ઓછા લોકોએ જોયો હશે.
આજકાલના સંતાનો મા-બાપને ભૂલી રહ્યા છે ત્યારે આ ચિંતા અને ચિંતનનો વિષય છે. સંતાનોની બધી માંગણી, કપડાં, શિક્ષણ જેવી તમામ જરૂરીયાત બાપ જ પુરી કરે છે. બન્ને નોકરિયાત હોય ત્યાં મા-બાપ બન્ને હિસ્સો સમાન રહે છે તો અમુક કિસ્સામાં પિતાની ઓછી આવકને કારણે ગરીબ પોતે બચાવેલ પૈસામાંથી પણ સંતાનોની જીદ કે ઇચ્છા પૂરી કરે છે. દરેકના જીવનમાં પિતાનું મહત્વ વિશેષ હોય છે પણ આજકાલના ભણેલા સંતાનો પોતાના બાપની મહેનત જ નથી જોઇ શકતાં ભણી-ગણીને વિદેશ જઇને નોકરી કરતાં સંતાનોના પિતા તેની છેલ્લી જીવન અવસ્થામાં તેના પ્રેમ માટે તલશી રહ્યા હોય છે તો લગ્ન બાદ માત્ર પત્નીની ચડામણીથી તેના મા-બાપને રઝળતા મૂકીને પોતાનું અલગ ઘર બનાવીને જીવન યાત્રા શરૂ કરે ત્યારે પરિવારનો એકમાત્ર માણસ બાપ ભાંગી પડતો જોવા મળે છે.
દરેક ઘરનું અસ્તિત્વ પિતા જ હોય છે, તે જ્યાં સુધી હોય ત્યાં સુધી ઘર તરફ કોઇ આંખ ઊંચી કરી શકતું નથી. ઘરનો કર્તાહર્તાને સમાહર્તા પપ્પા જ હોય છે. દરેકના પપ્પા એવા જ હોય છે જે સંતાનોના સપનાઓ પુરા કરવા માટે પોતાનું જીવન ખર્ચી નાંખે છે. મારા, તમારા કે સૌ કોઇના જન્મ સમય પ્રથમ પૈંડા લાવનાર પિતા જ હોય છે. ઠેંસ લાગે તો ઓ માં થઇ જાયને રસ્તો ઓળંગતા જો કોઇ ઓચિંતી બ્રેક મારે તો બાપરે શબ્દ નીકળી જાય છે. એમ જ જીવનનાં રક્ષણ સાથે આ શબ્દ સંકળાયેલ છે. એક સૌથી નિરાળી વાત કે સારા પ્રસંગે પરિવારની ગમે તે વ્યક્તિ
જતી હોય પણ મરણના અશુભ પ્રસંગે પિતા જ જાય છે. પરિવારમાં આવા દુ:ખદ પ્રસંગે ગમે તે પુરૂષ કે પિતાને જ પૂંછીને તમામ કાર્યો થાય છે.
પિતા છે તો જ સંતાનો જવાબદારી મુક્ત રહી શકે છે. દિકરી સાસરે હોય ત્યારે ફોનમાં પિતાનો બદલાયેલો અવાજ ઓળખી જાય છે. પિતાના ઓશિકા ભીના થતાં સંતાનોને દેખાતા જ નથી. શર્ટની બાયની ભીનાશ અને તેની મુશ્કેલીમાં આજનો પુખ્યવયનો સંતાન પણ મદદ કરતો નથી ત્યારે એક બાપ છાને ખૂણે રોતો જોવા મળે છે. મા ભલે પા-પા પગલી ભરતાં શીખવે પણ પગ ઉપર ઉભા રહેતા તો પિતાજી જ શીખડાવે છે. તેના દ્વારા જ આપણને સુખ, સુરક્ષા અને સમૃધ્ધિ મળે છે, તેનું નામ જ આપણી ઓળખ બને છે. આપણે ગમે તેટલા મોટા બની જાય પણ બાપથી જ ઓળખાય છીએ. દરેક સંતાનોએ પિતાનો આભાર માનીને કૃતજ્ઞતા વ્યક્ત કરવી જ જોઇએ.
પિતા આ શબ્દનું મૂલ્ય તેની હાજરી કરતાં ગેરહાજરીમાં આપણને સૌથી વધુ સમજાય છે. બાળકમાં હિંમત અને શરીરની શક્તિ પિતા જ આપે છે. આપણો દેશ પુરૂષ પ્રધાન દેશ હોવાથી પુરૂષનું મહત્વ વિશેષ છે, પણ દરેકના જીવનમાં વિશેષ મહત્વ પિતાનું જ હોય છે. બાપ એવા બેટા, ને વડ એવો ટેટા જેવી કહેવત મુજબ ઘણીવાર તેના અધુરા સ્વપ્નોનો પણ બાળક જ પુરા કરે ત્યારે એક બાપની ખુશી આસમાને હોય છે. દરેક જીવનમાં પ્રેમ અને પુરૂષાર્થનું પ્રતિક તેનો પિતા જ હોય છે. ઘરનું ઘર કે એક મંદિર ત્યારે જ બને જ્યારે તે ઘરમાં મા-બાપ બન્ને હોય પણ આજે તો ઉલ્ટી ગંગા જેવી વાત છે. વર્ષોથી ચાલી આવતી સંયુક્ત કુટુંબ વ્યવસ્થા ભાંગીને વિભક્ત થઇ જતા લોકોમાં ધીરજ, સહનશીલતા, જતુ કરવાની ભાવના જેવા વિવિધ ગુણો લુપ્ત થઇ ગયા છે. પહેલા એક વડિલ (પિતા) આખો મોટો પરિવાર એકલે હાથે સંભાળતો હતો.
ઘરના અસ્તિત્વને સંતાનો ક્યારે સમજશે આ પ્રશ્ર્નો અત્યારના વડિલો કરી રહ્યા છે પણ ખરેખર તો એક સંતાન મોટું થઇને પિતા બને ત્યારે જ તેને પિતાની સાચી ભૂમિકા સમજાતી હોય છે. આપણે દેવકી-યશોદાના કાર્યની પ્રશંસા કરીએ છીએ પણ વાસુદેવે ગળાડૂબ પાણીમાં ટોપલામાં સંતાન હેમખેમ લાવ્યું તેને મહત્વ આપતા જ નથી. ફાટેલા બૂટને કપડાંમાં એક બાપ ક્યારેય ખોટો ખર્ચો કરતો નથી પણ પોતાના સંતાનોની જીદ હમેંશા પુરી કરે છે. પોતે જુની વસ્તુથી ચલાવીને સંતાનોને નવી માંગણી મુજબની વસ્તું ખરીદી આપે એ પિતા જ છે. તે માંદા પડે ત્યારે દવાખાને પણ ન જાય પણ સંતાન માંદુ પડે તો શ્રેષ્ઠ સારવાર અપાવે એ જ પિતા છે.