ઠપકો આપવા ગયેલા પિતા-પુત્ર પર સહકર્મી સહિત બે શખ્સોએ બેકમાં છરી વડે હુમલો કરી ઢીમ ઢાળી દીધું: બન્ને આરોપી સંકજામાં
જામનગર તાલુકાના ફલ્લા ગામમાં આવેલી ગ્રામીણ વિકાસ બેંકમાં આજે બપોરે ખૂની ખેલ ખેલાયો હતો. બેંકના મહિલા કર્મચારી સાથે બેંકના હંગામી કર્મચારીએ છેડતી કરી હોવાથી મહિલા કર્મચારીના પતિ-સસરા વગેરે બેંકમાં આવ્યા હતા, જે દરમિયાન હંગામી કર્મચારી સાથે ઝઘડો થયો હતો, અને તેણે છરી વડે મહિલા કર્મચારીના સસરા પર જીવલેણ હુમલો કરી હત્યા નીપજાવી હતી, જ્યારે પતિ પર જીવલેણ હુમલો કર્યો હોવાથી તેને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા છે.
આ હત્યા ના બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના ફલ્લા ગામમાં આવેલી ગ્રામીણ વિકાસ બેંક માં આજે બપોરે બે વાગ્યાના અરસામાં બેંકના મહિલા કર્મચારી અંકિતાબેન મિલનભાઈ ઘેટીયા કે તેથી સાથે નોકરી કરતા હંગામી કર્મચારી ધવલ શાંતિલાલ પટેલે છેડતી કરી હોવાથી અંકિતાબેને પોતાના પતિને જાણ કરી હતી.
જેથી જામનગર તાલુકાના ખેંગારપર ગામમાં રહેતા અંકિતાબેનના પતિ મિલન ગોવિંદભાઈ ઘેટીયા અને સસરા ગોવિંદભાઈ ઘેટીયા વગેરે ફલ્લા ની ગ્રામીણ બેંકમાં પહોંચ્યા હતા. જે સમયે હંગામી કર્મચારી ધવલ સાથે બોલા ચાલી અને ઝઘડો થયો હતો.
જે ઝગડામાં ધવલે પોતાની પાસે રહેલી છરી કાઢીને ગોવિંદભાઈ પર આડેધડ છરી ના ઘા ઝીંકી તેઓનું મૃત્યુ નિપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો.
આ ઉપરાંત અંકિતાબેન ના પતિ મિલનને પણ છરીના ઘા વાગ્યા હોવાથી તેને લોહી લૂહાણ હાલતમાં જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે,
આ બનાવ પછી હુમલાખોર આરોપી ધવલ શાંતિલાલ પટેલ અને મદદગારી માં જોડાયેલો તેનો ભાઈ ભોલો કે જેઓ હત્યા નિપજાવી ભાગી છુટ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ થતાં પંચ કોષી એ. ડિવિઝનનો પોલીસ કાફલો બનાવના સ્થળે પહોંચ્યો હતો, અને સમગ્ર વિસ્તારને કોર્ડન કર્યો હતો. સમગ્ર મામલામાં પોલીસ દ્વારા હત્યા અને હત્યા પ્રયાસ અંગે નો ગુન્હો નોંધવામાં આવી રહ્યો છે.