જૂની કલેકટર કચેરી પાછળ નરસંગ પરામાં રહેતા જશુભા જાડેજાએ બેભાન હાલતમાં દમ તોડ્યો, યુવાન પુત્ર વિશ્વરાજની હજુ ક્રિયાવિધિ પુરી કરી ન કરી ત્યાં પિતાના અવસાનથી પરિવારમાં આક્રંદ અબતક, રાજકોટ
રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનની આગમાં મૃત્યુ પામેલા પુત્રના વિયોગમાં પિતાએ દેહ છોડી દેતા પરિવારમાં આક્રંદ સર્જાયો છે. યુવાન પુત્ર ટીઆરપી ગેમ ઝોનમાં નોકરીએ લાગ્યો એને પહેલો જ દિવસ થયો અને આગકાંડનો ભોગ બન્યો હતો. 15 દિવસમાં એક જ ઘરમાંથી પિતા-પુત્રની અર્થી ઉઠતા પરિવાર ઉપર આભ ફાટી પડ્યું છે.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં જૂની કલેકટર કચેરી પાછળ નરસંગપરામાં રહેતા જશુભા હેમુભા જાડેજા (ઉ.વ.65) નામના પ્રૌઢ ઘરે હતા ત્યારે અચાનક બેભાન થઇ જતા સિવિલ હોસ્પિટલએ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં આક્રંદ સર્જાયો હતો. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.
મૃતક જશુભાને સંતાનમાં પાંચ દીકરા છે જેમાં વિશ્વરાજ (ઉ.વ.23)નું ગત તા.25/5 શનિવારના ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ મોત નીપજ્યું હતું. જે દિવસે અગ્નિકાંડ બન્યો એ દિવસ વિશ્વરાજ માટે નોકરીનો પ્રથમ જ દિવસ હતો. બપોરે એક વાગ્યે ઘરેથી નીકળી ટીઆરપી ગેમઝોનમાં નોકરી પર ગયો હતો અને સાંજે પાંચ વાગ્યે દુર્ઘટના બની હતી. પરિવારના કહેવા મુજબ વિશ્વરાજની સગાઇનું પણ મહિના પહેલા નક્કી કર્યું હતું. પરંતુ કુદરતને કાંઈક અલગ જ મંજુર હોઈ તેમ અગ્નિકાંડમાં યુવાન દીકરો જીવતા ભડથું થયો હતો. જશુભાને કિડનીની પણ બીમારી હોઈ અને પુત્ર વિશ્વરાજને યાદ કરતા હતા પુત્રનો વિયોગ સહન ન થતા આઘાતમાં મુત્યુ થયું હતું. હજુ જે પુત્રની ક્રિયાની વિધિ પુરી કરી ન કરી ત્યાં પિતાના મૃત્યુથી પરિવાર શોકમાં ગરક થયો છે.