કોરોનાએ સોની બજારને ભરડો લીધો
જુદા જુદા છ વેપારીઓને આપવાના ૪.૬૦૦ કિલો સોનાના ઘરેણાની કરી છેતરપિંડી
કોરોના વાયરસના કારણે આર્થિક મંદી અને કટોકટી જેવી સ્થિતિ સર્જાય છે ત્યારે સોની બજારના વેપારીઓને પડયા પર પાટુ રાધે જવેલ્સના માલિકોએ મારી રૂા.૧.૫૦ કરોડની છેતરપિંડી કરી છે. સોની બજારના જુદા જુદા છ વેપારીઓએ સોનાના તૈયાર ઘરેણા આપ્યા હતા તે ૪.૬૦૦ કિલો સોના સાથે પિતા અને તેના બે પુત્ર લાંબા સમયથી ભૂગર્ભમાં ઉતરી જઇ છેતરપિંડી કર્યાની એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના રેસકોર્ષ પાર્કમાં રહેતા અને સોની બજાર મેઇન રોડ પર શાલિભદ્ર પેલેસ કોમ્પ્લક્ષમાં શ્રીજી જવેલસ નામની પેઢી ધરાવતા સંદિપભાઇ વિનોદભાઇ પાટડીયાએ અમીન માર્ગ પર ત્રિસા બંગલામાં રહેતા અને સોની બજાર માંડવી ચોકમાં શિલ્પ કોમ્પ્લેક્ષમાં રાધે જવેલસ નામની પેઢી ધરાવતા ભરત રામજી લોઢીયા, તેના પુત્ર મયુર લોઢીયા અને અમિત લોઢીયા સામે રૂા.૧.૫૦ કરોડની કિંમતનું ચાર કિલો સોનાના ઘરેણા ઓળવી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સંદિપ પાટડીયા સોનાના ઘરેણા બનાવી હોલસેલમાં વેપાર કરે છે. તેમના સહિત છ વેપારી પાસેથી ત્રણ વર્ષથી ભરત લોઢીયા અને તેમના બે પુત્રો સોનાના દાગીના બનાવવા આપી ખરીદ કરતા હતા. તેમજ તે મુજબની મજુરી આઠ દિવસમાં ચુકવી આપતા અવા ફાઇન સોનું તેના બદલામાં આપતા હોવાથી બંને વચ્ચે વેપારી સંબંધો બંધાયા હતા. ભરત લોઢીયા અને તેના બે પુત્રો સોનાના તૈયાર ઘરેણા રાજકોટ અને ગુજરાત બહાર વેચાણ કરી પેમેન્ટ કરી આપતા હતા. દરમિયાન સંદિપભાઇ પાટડીયાને તા.૧૫-૧૦-૧૯ના રોડ સોનાની માળા બનાવવા ઓર્ડર ભરત લોઢીયાએ ઓર્ડર આપતા સોનાની માળા બનાવી આપી હતી તેનું પેમેન્ટ પાંચ દિવસમાં ચુકવી આપવાનું કહી ૧૯-૧૦-૧૯ના રોજ ભરત લોઢીયા સોનાની માળા લઇ ગયા બાદ તેને પોતાનો મોબાઇલ સ્વીચ ઓફ કરી નાખ્યો હતો.
ભરત લોઢીયા અને તેના પુત્રો લાંબો સમય સુધી પોતાની દુકાને ગયા ન હતા અને મોબાઇલ પણ સ્વીચ ઓફ રાખ્યા બાદ સંદિપભાઇ પાટડીયાને રેસકોર્ષ રીંગ પર બોલાવી પોતાના ચાર કિલો સોનાના ઘરેણા મુરામાં વેચાણ કરવા ગયા ત્યારે ત્યાં ચોરી થયાનું જણાવ્યું હતું અને દિવાળી બાદ પાંચ દિવસમાં સોનું અથવા રૂા.૧.૫૦ કરોડ ચુકવી આપશે તેમ જણાવ્યું હતું. જે હજી સુધી સોનુ કે ઘરેણા પરત ન આપી પોતાની તેમજ અન્ય છ વેપારીઓ સાથે છેતરપિંડી કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. ભરત લોઢીયાએ સોની બજારના સંદિપભાઇ પાટડીયા ઉપરાંત યોગેશભાઇ પાલા, સંજભાઇ ડેશ્ર્વર, રાકેશભાઇ ઘુટલા, ઉજવલભાઇ માલિક અને લખનભાઇ બેડા વેપારીઓના સોનાના ઘરેણાની છેતરપિંડી કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. પોલીસે ત્રણેય સામે વિશ્ર્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.