ન જાણ્યું જાનકી નાથે સવારે શુ થવાનું છે, ઉક્તિ ગઇ સાંજે કુવાડવા રોડ પર કરુણ રીતે બની છે. સાત હનુમાન મંદિરથી રાજકોટ આવવા રિક્ષામાં બેઠેલા પિતા-પુત્રએ કુવાડવા રોડ પર રિક્ષા અને ડમ્પર વચ્ચે સર્જાયેલા જીવલેણ અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે. પિતા-પુત્રના મોતથી પરિવારમાં ભારે કરુણાંતિ સર્જાય છે. જીવલેણ અકસ્માતની ઘટનાની ભીતરમાં ઉંડી તપાસ થાય તો ટ્રાફિક અવનેશનો અભાવ જોવા મળે છે. સિટીમાં ભારે વાહન અને હાઇવે પર નાના વાહન ચાલકોએ ડ્રાઇવીંગ અંગે શું તકેદારી રાખવી તે અંગે જરુરી છે.

રાજકોટ : શહેરી વિસ્તાર અને હાઇ-વે પર વાહન ચલાવવાની ટ્રાફિક સેન્સના અભાવે વધુ એક જીવલેણ અકસ્માત સર્જાયો

ભારે વાહનના ચાલકો સિટીમાં અને નાના વાહન ચાલકો હાઇવે પર તકેદીદારી સાથે ડ્રાઇવીંગ કરવું જરૂરી:  સાત હનુમાન મંદિરથી રાજકોટ આવવા રિક્ષામાં બેઠેલા પિતા-પુત્રએ જીવ ગુમાવ્યા

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જુના કુવાડવા રોડ પોલીસ મથક પાસે જી.જે.3બીએકસ. 7813 નંબરની રિક્ષાના ચાલકે અચાનક વળાંક લેતા પાછળ આવતા જી.જે.3બીડબલ્યુ. 8913 નંબરનું ડમ્પર પાછળથી ધડાકાભેર અથડાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા રણછોડવાડીના પ્રવિણભાઇ પરસોતમભાઇ પટેલ અને તેમના 18 વર્ષના પુત્ર મયંક પટેલ ગંભીર રીતે ઘવાતા બંનેના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. રિક્ષા ચાલક અનિલ ખીમજીભાઇ રાતડીયા, તેના મામા નારણભાઇ જાદવ, મામી મધુબેન, ચાર વર્ષનો બાળક ધ્રુવ અને  જનકબા મહેન્દ્રસિંહ પરમાર ઘવાતા તમામને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

રણછોડદાસ આશ્રમ પાસે રહેતા અને કલર કામની મજુરી કામ કરતા નારણભાઇ જાદવના ચાર વર્ષના પુત્ર ધ્રવને વાંકાનેર પાસે મોગલ માતાજીના મંદિરે પગે લગાડવાનો હોવાથી પોતાની જી.જે.3બીએકસ. 7813 નંબરની રિક્ષામાં પત્ની મધુબેન અને ભાણેજ અનિલભાઇ રાતડીયા ગયા હતા. ત્યાંથી પરત આવતા હતા ત્યારે જનકબા પરમારને રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડયા હતા અને સાત હનુમાન મંદિર પાસેથી પ્રવિણભાઇ પટેલ અને તેના પુત્ર મયંકને રાજકોટ આવવા માટે મુસાફર તરીકે બેસાડયા હતા.

રિક્ષા કુવાડવા રોડ પર જૂના પોલીસ સ્ટેશન પાસે પહોચી ત્યારે અચાનક વળાંક લેતા પાછળથી આવતા જી.જે.3બીડબલ્યુ. 8913 નંબરના ડમ્પરની ઠોકર લાગતમાં રિક્ષામાં બેઠેલા તમામ ફંગોળાયા હતા. ગંભીર રીતે ઘવાયેલા પ્રવિણભાઇ પટેલ અને તેમના પુત્ર મયંક પટેલના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા અને અન્ય ચારેયને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે

બી ડિવિઝન પોલીસે મધુબેન નારણભાઇ જાદવની ફરિયાદ પરથી અકસ્માત સર્જી ભાગી છુટેલા ડમ્પર ચાલક સામે ગુનો નોંધી પી.એસઆઇ. એમ.આઇ. શેખ સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.

રાણીમાં રૂડીમાના દર્શન કરી પરત આવતા પિતા-પુત્રના અંતરિયાળ મોતથી અરેરાટી

પડધરી તાલુકાના ખોડા પીપળ ગામના વતની અને રણછોડવાડીમાં રહેતા પ્રવિણભાઇ પટેલ અને તેમનો પુત્ર મયંક પટેલ ગઇકાલે રવિવાર હોવાથી વાંકાનેર પાસે રાણીમાં રુડીમાંના મંદિરે દર્શન કરીને પરત આવી રહ્યા હતા. ચાંદી કામ કરતા પિતા-પુત્ર સાત હનુમાન સુધી અન્ય વાહનમાં આવ્યા બાદ ત્યાંથી રાજકોટ આવવા જી.જે.3બીએકસ. 7813 નંબરની રિક્ષામાં બેઠા હતા. બંને રણછોડવાડીમાં પહોચે તે પહેલાં અંતરીયાળ મોતથી પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. જ્યારે રિક્ષા માલિક નારણભાઇ જાદવ પણ પોતાના ચાર વર્ષના પુત્ર ધ્રુવને વાંકાનેર પાસે મોગલ માતાજીના મંદિરે પગે લગાડી પરત આવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.