વાડીએ મોટર બંધ કરતી વેળાએ પુત્રને કરંટ લાગતા પિતા બચાવવા જતા બંને ભડથું: ખેડૂત પરિવારમાં અરેરાટી
લાલપુરના મચ્છુ બેરાજા ગામે એક કરુણ બનાવ સામે આવ્યો છે. જેમાં વાડીએ કામ કરી રહેલા પિતા-પુત્રના વિજશોક લાગતા મોત નિપજ્યા છે. પુત્રને જીવતો તાર અડી જતા પિતા બચાવવા ગયા અને બંનેના ઘટના સ્થળ પર જ ભડથું થઈ જતા ખેડૂત પરિવારમાં અરેરાટી મચી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ લાલપુર તાલુકાના મચ્છુ બેરાજા ગામે ત્યારે શોકનું મોજુ ફરી વળ્યું જ્યારે સતવારા પરિવારના પિતા પુત્રના એક સાથે જ મૃત્યુ નીપજયા હતા. જેની વિગત મુજબ નીરવ પ્રકાશભાઈ પરમાર નામનો સગીર પોતાની વાડીએ મોટર બંધ કરવા જતો હતો, ત્યારે ઉપરથી પસાર થતી વીજ લાઈનમાંથી જીવંત તાર તૂટી તેની પર પડ્યો હતો.
તે દરમિયાન સાથે કામ કરતા તેના પિતા પ્રકાશભાઈ ભવાનભાઈ પરમાર પોતાના પુત્રને બચાવવા દોડી પડ્યા હતા. પરંતુ પિત પ્રકાશભાઈ પણ વિજશોકની લપેટમાં આવી જતા જોતજોતામાં પિતા-પુત્ર બંને ઘટના સ્થળ પર જ ભડથું થઈ ગયા હતા.
લાલપુરના નાના એવા ગામ મચ્છુ બેરાજામાં વાડીએ જ પિતા-પુત્ર જીવતા તાર અડી જતા કરુણ મોત નિપજતા જ પરિવાર અને ગામમાં શોકનો માહોલ છવાઈ રહ્યો છે.