ફોન કરી ઝેરી દવા પીધાની ભત્રીજાને જાણ કરી હતી
વ્યાજખોરો સામે આત્મહત્યાની ફરજ પાડવાનો નોંધાશે ગુનો
અબતક,રાજકોટ
જસદણમાં રહેતા પિતા-પુત્ર વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ગઈ કાલે કોઠી ગામ નજીક આવેલ પુલ નીચે ઝેરી દવા ગટગટાવી લેતાં તેને સારવાર અર્થે જસદણ બાદ રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું પિતા-પુત્રએ દવા પી તેના ભત્રીજા ને કહ્યું હતું કે અમારા છેલ્લા રામ રામ ત્યારે ભત્રીજા ને જાણ હતા અને પરિવારજનોને જાણ કરી હતી. મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું તે તેઓએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આ પગલું ભર્યું છે જે પોલીસે વ્યાજખોરો સામે આત્મહત્યા ફરજ પાડવાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બનાવની મળતી માહિતી મુજબ જસદણના શ્રીનાથજી ચોકમાં રહેતા અને કોલેજીયન હેર આર્ટના નામે સલૂનનો ધંધો કરતા રમેશભાઈ દેશાભાઇ બડમલીયા(ઉ.વ.52) અને તેનો પુત્ર સતીષ(ઉ.વ.25) બપોરના ત્રણ વાગ્યા આસપાસ બાઈક લઈને ઘરેથી નીકળી ગયા હતા. બાદમાં બન્ને પિતા-પુત્રે સાથે તાલુકાના કોઠી ગામ નજીક એક નાળા નીચે જઈ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. રમેશભાઈએ તેમના મોટાભાઈના દીકરા નીરવને ફોન કરી જણાવ્યું કે, અમે દવા પી લીધી છે.બાદમાં નીરવભાઈ અને તેના મોટાભાઈ બન્ને તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને બન્ને પિતા-પુત્રને 108 ની મદદથી જસદણની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન રમેશભાઈનું મોત નીપજ્યું હતું અને તેના પુત્ર સતીષની હાલત વધુ ગંભીર હોવાથી તાત્કાલિક રાજકોટની સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
જ્યાં સતીષએ સારવારમાં દમ તોડયો હતો. આ બનાવની જાણ થતા જસદણ પોલીસ મથકના પીએસઆઈ એમ.આર.સિંધવ સહિતનો સ્ટાફ હોસ્પિટલે દોડી આવ્યો હતો અને નીરવભાઈનું નિવેદન લઈ વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું કે પિતા-પુત્ર પર વ્યાજખોરોનો ત્રાસ હોવાથી તેઓએ પગલું ભર્યું છે. આ આપઘાતના બનાવમાં પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ, મૃતક રમેશભાઈને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે. હાલ પોલીસે બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અને વ્યાજખોરો સામે આત્મહત્યાની ફરજ પાડવાનો ગુનો નોંધી તેઓની શોધખોળ હાથ ધરી છે. જો કે મૃતક પાસેથી કોઈ સુસાઇડ નોટ મળી ન હોવાથી હાલ કેટલી હતી અને કેટલા રૂપિયા જેવો એ વ્યાજે લીધા હોવાથી ત્રાસ આપતા હતા તે જાણવા મળ્યું નથી.