પુત્રીની છેડતી અને સેઢાની તકરારના કારણે બંનેને છરીના ઘા ઝીંકી બંનેના ઢીમઢાળી દીધા હતા
જેતપુરના પીપળીયા ગામના પોસ્ટમેન અને સેઢા પાડોશીની આઠ વર્ષ પૂર્વે કરેલી હત્યાના કેસની સુનાવણી પુરી થતા અદાલતે પિતા-પુત્રને તકસીરવાન ઠેરવ્યા છે.
યુવાન પુત્રીની છેડતી અને સેઢા પાડોશીએ લગાડેલી આગના કારણે ઉશ્કેરાયોલા જેતપુરના પીપળીયા ગામના છગન ગોકળ ડાભી અને તેના પુત્ર લાલજી ઉર્ફે લાલો ડાભી નામના શખ્સોએ છરીના ૨૨ જેટલા ઘા ઝીંકી બંનેની હત્યા કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.
જેતલસર નજીક આવેલા પીપળીયા ગામે પોસ્ટમેન તરીકે ફરજ બજાવતા કમલેશ મનહરલાલ વ્યાસે છગનભાઇ ડાભીની પુત્રીની છેડતી કરી હોવાથી છગન ડાભી અને તેના પુત્ર લાલજી ઉર્ફે લાલાએ છરીથી હુમલો કરી પોસ્ટ ઓફિસની બહાર ઢસડી છરીના ઘા ઝીંકી ખૂન કર્યુ હતું.
પોસ્ટમેન કમલેશ વ્યાસની હત્યા બાદ છગન ડાભી અને તેના પુત્ર લાલજી ઉર્ફે લાલાએ તેના ગામ તરફ જઇ રહ્યા હતા ત્યારે પાદરમાં હીરા ભનુ ચાવડા નજરે પડતા તેના પર છરીથી તૂટી પડયા હતા અને તેનું પણ ઢીમઢાળી દીધું હતું.
હીરા ભનુ ચાવડાએ પોતાના ખેતરમાં કુવરમાં આગ ચાપી હોવાથી તેના પાડોશમાં ખેતર ધરાવતા છગન ગોકળ ડાભીના ખેતરમાં ઝુપડું અને પાઇપ લાઇન સળગી જતાં તેની સાથે થયેલા ઝઘડાના કારણે હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું.
પોસ્ટમેન કમલેશ વ્યાસ અને ખેડુત હીરા ભનુ ચાવડાની એક સાથે હત્યા કરવાના ગુનામાં ઝડપાયેલા છગન ગોકળ ડાભી અને તેના પુત્ર લાલજી ઉર્ફે લાલા સામેના કેસની જેતપુર સેશન્સ કોર્ટમાં સુનાવણી પુરી થતા અદાલતે બંનેને તકસીરવાન ઠેરવી બપોર બાદ કેટલી સજા તે અંગેનો ચુકાદો જાહેર કરવામાં આવનાર છે.આ કેસમાં સ્પેશ્યલ પીપી તરીકે દિપકભાઇ ત્રિવેદી રોકાયા હતા.