- જીવનની સફળતા-નિષ્ફળતાઓને ભાગ્યનું પરિણામ ગણવું એ પ્રારબ્ધવાદનું પ્રાથમિક લક્ષણ છે-વિઠ્ઠલ વઘાસિયા
જીવનમાં કેટલાંક દ્વન્દ્ર એવાં હોય છે,જે ક્યારેક પરસ્પર વિરોધી જણાય તો ક્યારેક પૂરક લાગે.વળી ચર્ચા કરવા બેસીએ તો બેઉનો સમન્વય થવો મુશ્કેલ જણાય.પહેલાં ઈંડું કે પહેલાં મરઘી? જેવા પ્રશ્ન મૂંઝવે છે,તો પ્રારબ્ધ અને પુરુષાર્થમાં શું શ્રેષ્ઠ એ નક્કી કરવું મુશ્કેલ બને છે.વર્ષોથી વિદ્વાનોમાં આ બંનેના પક્ષમાં એવી દલીલો કરી છે કે વાચકો એના મગજના મંથન બાદ હજુ કોઈ તારણ પર આવી શક્યા નથી.કદાચ સદીઓ પછીય આ ચર્ચા ચાલુ રહેશે.
આપણાં શાસ્ત્રોએ પ્રારબ્ધ અથવા નસીબ વિશે ઘણું બધું લખ્યું છે.જ્યોતિષશાસ્ત્ર માણસના જીવન વિશે જુદી જુદી આગાહીઓ કરે છે.એનાથી પ્રારબ્ધ માટે પ્રજામાં એક જિજ્ઞાસા જાગે છે.સૌ પોતાના ભવિષ્યને જાણવા આતુર હોય છે.ભારતની પ્રજાના મન પર જયોતિષનો પ્રબળ પ્રભાવ હોવાથી મોટા ભાગે આપણે બધા પ્રારબ્ધવાદી થઈ ગયા છીએ.નસીબ પર આધાર રાખીને આપણી જીવનવ્યવસ્થા ગોઠવતા હોઈએ છીએ.બાળક જન્મતાંવેત એની કુંડળી દોરાય છે,લગ્ન અગાઉ એ કુંડળી મેળવાય છે અને અવસાન બાદ એની સદ્ગતિ માટે ચોઘડિયા જોઈને શ્રાદ્ધ-દાનની વિધિ કરાય છે.વળી જે કર્મફળ મળે તેને પણ નસીબ ગણીને સ્વીકારવામાં આવે છે.આમ ભારતીય પ્રજા પૂરી પ્રારબ્ધવાદી છે.
જીવનની સફળતા-નિષ્ફળતાઓને ભાગ્યનું પરિણામ ગણવું એ પ્રારબ્ધવાદનું પ્રાથમિક લક્ષણ છે.માણસનું સુખ-દુ:ખ, ચડતી-પડતી કે યશ-અપયશને નસીબના આધારે મૂલવતા આ લોકો પોતાનું જીવન ભાગ્ય પર છોડી દઈ નિષ્ક્રિય બનીને બેસી રહે છે.જન્મફળ, રાશિ અને ગ્રહોના ચકરાવામાંથી તેઓ ઊંચા આવતા જ નથી.આવા લોકો દ્રઢપણે માને છે કે માણસ લાખ પ્રયત્ન કરે તો પણ એનું નસીબ નિર્બળ હોય ત્યારે એને સફળતા મળતી નથી.જ્યારે માણસના ભાગ્યમાં સિદ્ધિ કે સમૃદ્ધિ લખાઈ હોય તો એને વિના પ્રયત્ન તે મળી રહે છે.
પુરુષાર્થ એટલે પરિશ્રમ.વ્યક્તિ પોતે પામવા માટે જે કંઈ મહેનત કે પ્રયત્ન કરે છે તે પુરુષાર્થ કહેવાય છે.પ્રારબ્ધવાદની સામે છેડે બેસતા પુરુષાર્થવાદીઓ એમની અલગ માન્યતા ધરાવે છે. તેઓ કહે છે કે માનવીને પુરુષાર્થ વિના કશું જ મળતું નથી.પ્રારબ્ધમાં ગમે તે લખાયું હોય,પરંતુ એને પામવાનો પ્રયત્ન તો માણસે પોતે જ કરવાનો હોય છે.વળી દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય પોતાના પુરુષાર્થ વડે ઘડી શકે છે.પુરુષાર્થ કરનાર મનુષ્ય ઈચ્છિત સુખ – સંપત્તિ મેળવી શકે છે.સખત મહેનત કરનાર માટે નેપોલિયને કહ્યું છે કે કશું અસંભવ જેવું છે જ નહીં. ’આપણા ભાગ્યના ઘડવૈયા,બાંધવ આપણે’ એમ કવિ રાજેન્દ્ર શાહે લખ્યું છે.સ્પષ્ટ વિચારો અને દ્રઢ સંકલ્પ ધરાવનાર મનુષ્ય ધારેલું ફળ મેળવીને જ રહે છે.અથાક પરિશ્રમ પાછળ અડગ મનોબળ હોવું આવશ્યક છે એ સમજાવતાં એક કવિએ સાચું જ કહ્યું છે :
’કદમ અસ્થિર હો તેને કદી રસ્તો નથી જડતો, અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો.’
આમ એક તરફ પ્રારબ્ધ અને બીજી બાજુ પુરુષાર્થ છે.માનવે જો બેમાંથી એકની પસંદગી જ કરવી હોય તો તેણે પુરુષાર્થ પસંદ કરવો જોઈએ.આજના વૈજ્ઞાનિક યુગમાં આપણે માત્ર પ્રારબ્ધ પર મીટ માંડીને બેસી રહેવું તે નરી મૂર્ખાઈ છે.જગતનો ઇતિહાસ જોઈશું તો જણાશે કે તેમાં નસીબવંતા માનવો કરતાં પરિશ્રમી વ્યક્તિઓનાં પરાક્રમોની નોંધ વધુ લેવાઈ છે.ભાગ્યને આપણે જાણતા જ નથી છતાં એની આશા રાખવી તે બુદ્ધિહીન વાત છે.જયારે પુરુષાર્થ તો આપણા હાથની જ વાત છે,છતાં પરિશ્રમ ન જ કરીએ તો ભાગ્ય શી મદદ કરશે? પુરુષાર્થ હશે તો જ પ્રારબ્ધ ફળશે અથવા પ્રારબ્ધ સુધી પહોંચવા માટે પણ પુરુષાર્થ અનિવાર્ય છે,એમ કહેવું ખોટું નથી.ભગવાને મનુષ્યને હાથપગ,મગજ અને બુદ્ધિ આપ્યાં છે. પરિશ્રમ કરવાના આ ઉપયોગી અવયવો પ્રત્યે ઉપેક્ષા રાખીને બેસી રહેનારને ભાગ્ય પણ મદદ નથી કરતું.એટલે જ કહેવાયું છે કે બેઠેલાનું નસીબ બેઠું રહે છે,ઊભેલાનું ઊભું અને ચાલનારનું નસીબ જ ચાલે છે.શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાને પણ કહ્યું છે ને કે, ’કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન:!’ ફળની આશા રાખ્યા વિના કર્મ કરતાં જ રહેવું.આથી આપણે એટલું જરૂર તારવી શકીએ કે જીવનમાં પહેલાં પુરુષાર્થ કરો,ફળ પ્રારબ્ધ પર છોડી દો.એક પ્રસંગ છે:
સકડાલ નામનો એક કુંભાર હતો.તેના પરિવારના સભ્યો માટીના વાસણ બનાવીને વેચે અને તેનાથી તેનું ગુજરાત ચાલે.પરંતુ સકડાલ સંપૂર્ણ ભાગ્યવાદી હતો.તે એમજ માનતો કે માણસ માત્ર ભાગ્યને આધીન છે.માણસના ભાગ્યમાં લખાયું હોય એટલું જ તેને મળે.ન ઓછું કે ન વધુ.સકડાલના મનમાં આ માન્યતા એટલી તો દ્રઢ થઈ ગઈ હતી કે તે વાસણ તૈયાર કરવામાં અને તેને વેચવામાં ઝાઝી મહેનત પણ ન કરતો.પરિણામે જે કાંઈ વેચાણ થાય તેમાં તેના કુટુંબનું માંડ પોષણ થતું.અરે,ક્યારેક તો એકાદ ટંક છોડવો પણ પડતો.છતાં સકડાલ તો એમ જ માનતો કે આ બધો ભાગ્યનો ખેલ છે.આજે નસીબમાં એક ટંક ભૂખ્યા રહેવાનું લખાયું હશે !
એક દિવસ ભગવાન મહાવીર ત્યાંથી પસાર થાય છે.સકડાલના ઘરે આવી પહોંચ્યા અને ત્યાં રોકાણ કર્યું.મહાવીર સ્વામીએ સકડાલની દિનચર્યા જોઈ. વાતવાતમાં તેના મનના વિચારો જાણ્યા.તેમણે જોયું કે સકડાલ સશક્ત છે.તેના જેવા સફાઈદાર,મજબૂત ને આકર્ષક ઘાટઘૂટ વાળા વાસણ બહુ ઓછા કુંભાર કરી શકતા.પણ સકડાલ અને તેનું કુટુંબ ભાગ્યવાદી હતું.ભાગ્યમાં લખાયું તેનાથી વધારે કશું મળવાનું નથી,એવી મજબૂત માન્યતાને કારણે તે વધુ મહેનત જ કરતો નહોતો.પરિણામે સશક્ત અને કુશળ કારીગર હોવા છતાં તેનેgrace વારંવાર ભૂખ્યા રહીને સૂઈ રહેવું પડતું અને અભાવ વેઠવો પડતો હતો.કરુણામૂર્તિ ભગવાન મહાવીરે વિચાર્યું કે સકડાલનો આ ભ્રમ દૂર કરવો જ જોઈએ.તેમણે પૂછ્યું ’ભાઈ સકડાલ ! તમે માટીના વાસણ કેવી રીતે બનાવો છો ?’ સકડાલે નમ્ર ભાવે કહ્યું, ’ભગવાન પ્રારંભમાં સીમમાંથી માટી ખોદી લાવું છું.માટીને સાફ કરી,ખૂંદી પછી તેના પિન્ડ તૈયાર કરું છું.પછી આ પિન્ડને ચાકડા પર ચડાવી હાથથી તેને જેવો ઘાટ આપવો હોય તે આપું છું.છેલ્લે નિભાડામાં અગ્નિથી તપાવીને પાકા કર્યા પછી બજારમાં વેચું છું.પણ આ બધું ભાગ્યને આધીન થાય છે.આપણે તો માત્ર નિમિત્ત છીએ.’ ભગવંતે પૂછ્યું, ’ધારો કે કોઈ માણસ ડાંગના પ્રહારે તમારા વાસણ તોડી નાખવા પ્રયાસ કરે તો તેને પણ તમારું દુર્ભાગ્ય સમજીને તેને તમારા વાસણો તોડવા દો ખરા ?’ ’એમ ઈરાદાપૂર્વક કોઈ વાસણ તોડવા આવે તો તેને વાસણ તોડવા કેમ દેવાય !’ સકડાલે જવાબ આપ્યો.ભગવાને તેને વળી પૂછ્યું, ’તમારા સ્રી – બાળકો ઉપર કોઈ હુમલો કરવા આવે તો શું કરો?’ સકડાલે છાતી તાણી ને કહ્યું, ’એમ તો કાંઈ ચૂપ રહેવાય ? ઈશ્વરે શક્તિ આપી છે.હાથ પગ આપ્યા છે.હું પૂરી તાકાતથી હુમલાખોરનો સામનો કરું.’ હવે મહાવીર સ્વામીએ મર્માળુ હસીને પછી ગંભીર સ્વરે કહ્યું, ’ભાઈ ! ઈશ્વરે તમને હાથ પગ આપ્યા છે,શક્તિ આપી છે.વાસણ ઘડવાનો બીજાથીય વિશેષ સૂઝ અને હુન્નર આપ્યો છે.વિધાતાએ તો તમને આટલું બધું આપી દીધું છે. તેને વિધાતાના આશીર્વાદ સમજી તેનો યોગ્ય ઉપયોગ કરી તમારો ધંધો વિકસાવવાનો પ્રયત્ન કરવાની ફરજ તમારી છે.યાદ રાખો ભાગ્યનું બહાનું તો આળસની નિશાની છે.આ તમારી આળસને ઢાંકવા ભાગ્યને દોષ શા માટે આપો છો ? મનુષ્ય યત્ન કરે તો જ ઈશ્વરની કૃપા મળે.’ સકડાલ ભગવાનના શબ્દનો મર્મ પારખી ગયો.તે દિવસથી જ તેણે ભાગ્યવાદીપણું છોડી પૂરી મહેનત અને લગનથી ધંધાના વિકાસ તરફ ધ્યાન લગાવ્યું અને તેના કર્મયોગે નસીબના દ્વાર ખોલી નાખ્યાં.