જામનગર સમાચાર
જામનગરમાં જૂની જેલ વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે એક યુવાન પર જીવલેણ હુમલો કરાયો હતો, અને ૬ જેટલા શખ્સો તિક્ષણ હથિયારો સાથે તૂટી પડ્યા હતા. જેને જી.જી. હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે. મોડી રાત્રે પોલીસ તંત્ર દોડતું થયું હતું, અને ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર શહેરમાં જીલ્લા જેલ નજીક ગત રાત્રે હુસૈન ઇબ્રાહિમભાઇ ખફી નામના ૩૪ વર્ષ ના યુવાન પર જૂની અદાવત નું મનદુઃખ રાખીને ૬ થી ૭ શખ્સોએ મંડળી રચીને છરી, તલવાર અને લોખંડ ના પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હતો. ત્યારબાદ, ઇજાગ્રસ્ત હુસૈન ખફી ને તાત્કાલિક ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ ની જાણ થતાં મોડી રાત્રે સિટી-એ ડિવિઝન ની સર્વેલન્સ ટીમ જી.જી.હોસ્પિટલમાં તેમજ ઘટના સ્થળે દોડી ગઇ હતી. ત્યારબાદ ઇજાગ્રસ્ત યુવાન ની ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે, જ્યારે જૂની જેલ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.