જૂની અદાવતમાં પાંચ શખ્સોએ છરી ઝીંકી
મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે જૂની અદાવતનું સમાધાન કરવા ગયેલ ચાર લોકો પર પાંચ ઈસમોએ હુમલો કર્યો હતો. તેમજ પથ્થરો મારી અને મારી નાખવાના ઇરાદે એક આરોપીએ પાછળથી આવી ફરિયાદી પર હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડતા ફરિયાદી યુવકને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ત્યારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
મોરબી તાલુકાનાં લીલાપર ગામે આવેલ પ્રકાશનગરમાં રહેતો 36 વર્ષીય યુવક ગૌતમભાઇ જયંતિભાઇ મકવાણાનાં મિત્ર પ્રફુલભાઇ બચુભાઇ સોલંકીને રફાળેશ્વર ગામના યતિશ બાબુભાઇ મુછડીયા સાથે અગાઉ થોડા દિવસ પહેલા બોલાચાલી તથા ઝપાઝપી થયેલ હતી. જે બાબતનુ સમાધાન કરવા માટે ફરીયાદી તથા પ્રફુલભાઇ, બિપીનભાઇ તથા હસમુખભાઇ એમ ચારેય જણા ગયા હતા. ત્યારે પ્રથમ આરોપી કાલી કિશોરભાઇ સુમેસરા અને પ્રકાશભાઇ કણસાગરા કોળીએ આવી ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને ભુંડાબોલી ગાળો આપી ત્યારબાદ કિશોરભાઇ મેઘજીભાઇ સુમેસરા નામના આરોપીએ કુહાડી લઇ આવી તથા જશુબેન કિશોરભાઇ સુમેસરા પથ્થરો લઇ આવી છુટા પથ્થરોના ઘા કરી પ્રકાશભાઇ કણસાગરા કોળીએ ફરીયાદીને પોતાની જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યા હતા.
જે બાદ ફરિયાદી જતો હતો તે સમયે ગજનભાઇ બારોટે પાછળથી આવી મારી નાંખવાના ઇરાદે જીવલેણ હુમલો કરી છરીનો એક ઘા કમરના પાછળના ભાગે મારી ગંભીર ઇજા કરી તથા પ્રકાશભાઇ કણસાગરા કોળીએ જમણી બગલના ભાગે છરીનો એક ઘા મારી ઇજાઓ પહોંચાડતા ફરિયાદીને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયો હતો. તેમજ સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ (અત્યાચાર નિવારણ)સુધારણા અધિનિયમ-2015 કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.