પનીરમાં ધારા ધોરણ કરતા મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું: ફોરેન ફેટ અને તલ તેલની હાજરી પણ મળી આવતા નમૂનો નાપાસ
178 કિલો ફરાળી વાનગીનો નાશ, પાંચ વેપારીઓને નોટિસ: ફરાળી લોટ, ફરાળી પૌવા સહિતની ખાદ્ય સામગ્રીના નમૂના લેવાયા
પવિત્ર શ્રાવણ માસમાં લોકો ભારે શ્રદ્વા સાથે ઉપવાસ એકટાંણા કરતા હોય છે. ફરાળી વાનગીઓ વેંચાણ કરતા વેપારીઓ દ્વારા વધુ નફો કમાવવાની લાલચમાં ખાદ્ય સામગ્રી બનાવવામાં ચેડાં કરવામાં આવતા હોવાની શંકાના આધારે આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ શાખા દ્વારા આજે ફરાળી લોટ અને ફરાળી વાનગીઓનું વેંચાણ કરતા વેપારીઓને ત્યાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અલગ-અલગ ત્રણ સ્થળોએ ફરાળી પેટીશ બનાવવા માટે મકાઇનો લોટ ઉપયોગમાં લેવામાં આવતો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. મોટી માત્રામાં મકાઇના લોટના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો અને વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી છે. આ ઉપરાંત પનીરના બે સેમ્પલ પરીક્ષણમાં નાપાસ જાહેર કરવામાં આવ્યા છે.
ફૂડ શાખા દ્વારા કોઠારિયા રોડ પર તેજસભાઇ તેરૈયાની માલિકીના શ્યામ ડેરીમાંથી લૂઝ પનીરનો નમૂનો લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત સોરઠિયા વાડીમાં વિનોદ અગ્રાવતની અજેન્દ્ર ડેરી ફાર્મમાંથી પણ લૂઝ પનીરનો નમૂનો લેવામાં આવ્યો હતો. જેમાં ધારા ધોરણ કરતા મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું મળી આવ્યું હતું. ફોરેન ફેટ અને તીલ ઓઇલની હાજરી જણાતા નમૂનો ફેઇલ ગયો હતો.
આજે ફૂડ શાખા દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ફરાળી વાનગી અને લોટનું વેંચાણ કરતા પાંચ વેપારીઓને ત્યાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. મહાદેવ વાડી મેઇન રોડ પર જય સીતારામ ડેરી ફાર્મમાં ફરાળી પેટીસ બનાવવા માટે મકાઇનો લોટ વાપરતા હોવાનું માલૂમ પડતા 50 કિલો પેટીસ અને 60 કિલો મકાઇના લોટનો નાશ કરી પેઢીના માલિકને હાઇજેનીંક ક્ધડીશન જાળવવા અને ફૂડ લાયસન્સ સંદર્ભે નોટિસ આપવામાં આવી હતી. કૃષ્ણનગર મેઇન રોડ ખુશ્બુ ગાંઠીયા એન્ડ ફરાળી પેટીસ ચેકીંગ દરમિયાન 25 કિલો ફરાળી પેટીસ અને બે કિલો મકાઇના લોટનો નાશ કરી નોટિસ આપવામાં આવી છે. સ્વામિનારાયણ ફરસાણ એન્ડ સ્વીટ્સ- પાર્થ રેસ્ટોરન્ટમાં બે કિલો વાસી પેટીસનો નાશ કરવામાં આવ્યો હતો. ગુરૂપ્રસાદ ચોકમાં જય સિતારામ ડેરી ફાર્મમાં પણ ચેકીંગ દરમિયાન ફરાળી પેટીસ બનાવવા માટે મકાઇના લોટનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું જણાતા 10 કિલો ફરાળી પેટીસ અને ત્રણ કિલો દાઝીયા તેલ સહિત 13 કિલો જથ્થાનો નાશ કરી નોટિસ આપવામાં આવી હતી. જ્યારે ભગવતી ફરસાણમાં ચેકીંગ દરમિયાન 21 કિલો વાસી ફરસાણ, ત્રણ કિલો પડતર મીઠાઇ અને બે કિલો વોશિંગના સોડા મળી આવતા તેનો નાશ કરી નોટિસ આપવામાં આવી હતી.
આજે રૈયા રોડ પર રાધે કેટરર્સમાંથી ફરાળી પેટીસ બનાવવા માટે વપરાતો ફરાળી લોટ, 20 ન્યૂ જાગનાથ પ્લોટમાં શ્યામલમાંથી લાયન ફરાળી પૌવા, ભીલવાસ ચોકમાં ભારત બેકરીમાંથી સવેરા સ્વીટ્સ સ્પેશ્યલ એલચી રસ, લૂઝ કિસમીસ અને બ્રેડ ઇપ્રૂવર પાવડરનો સેમ્પલ લેવામાં આવ્યો હતો.