પડતર પ્રશ્નોનોઉકેલ ન આવતા ઈજનેરોએ મોરચો માંડયો: ૩૨ જગ્યાએ ઉપવાસી છાવણી
પડતર પર્શ્નોનો ઉકેલ ન લાવતા જીયુવીએનએલ સામે આજથી જીઈબી એન્જીનિયર્સ એસોસિએશને મોરચો માંડયો છે. રાજયનાં તમામ જિલ્લા મથકે તથા પાવર સ્ટેશનોમાં કુલ ૩૨ જગ્યાઓ પર ૧૬૦૦થી વધુ ઈજનેરો રજા મુકીને પ્રતિક ઉપવાસ પર બેઠા છે. રાજકોટ શહેર વર્તુળ કચેરી ખાતે બનાવેલી પ્રતિક ઉપવાસ છાવણીમાં શહેરના ૧૨૫થી વધુ ઈજનેરો જોડાયા છે. જીબીઆના સભ્યોએ ઉપવાસ કરી જીયુવીએનએલની નીતિ સામે વિરોધ નોંધાવ્યો છે.
અગાઉ જીબીઆ દ્વારા જીયુવીએનએલ મેનેજમેન્ટને હડતાલની નોટિસ આપવામાં આવેલ ત્યારબાદ મેનેજમેન્ટ તરફથી કોઈપણ પ્રકારના હકારાત્મક પગલાઓ લેવામાં આવેલ નથી. જીબીઆ સાથે ચર્ચા-વિચારણા કરવા માટે મીટીંગનું આયોજન પણ કરવામાં આવેલ નથી. રાજયમાં ઔધોગિક શાંતિ જળવાઈ રહે તેની જવાબદારી જીયુવીએનએલ મેનેજમેન્ટની પણ રહેલી છે. જીબીઆ દ્વારા ઔધોગિક શાંતિ જળવાઈ રહે તે માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવેલ છે પરંતુ મેનેજમેન્ટ દ્વારા જીબીઆની સતત અવગણના કરવામાં આવેલ છે. આથી જીબીઆના મેમ્બરોએ હતાશ થઈ આંદોલનનો માર્ગ પકડયો છે.
આ પહેલના પે-રીવીઝનમાં માન્ય યુનીયન-એસોસીએશનો સાથે મીટીંગોનો દૌર ચલાવી પુરતી ચર્ચા વિચારણા બાદ જ સંકલિત પે-રીવીઝન કરવામાં આવતું હતું પરંતુ આ વખતે પે-રીવીઝન બાબતની કોઈપણ ચર્ચા વિચારણા કરવામાં આવેલ નથી જેથી અધિકારીઓ અને કર્મચારીઓમાં નિરાશા વ્યાપી ગયેલ છે. જે લાંબા ગાળે રાજય અને કંપનીને નુકસાન કર્તા સાબિત થવાની શકયતા છે.
પડતર પર્શ્નોનોના ઉકેલ માટે અનેક રજુઆતો બાદ પણ જીયુવીએનએલ દ્વારા યોગ્ય પગલા ન લેવાતા ઈજનેરો આજે પ્રતિક ઉપવાસ પર બેઠા છે. આગામી ૧૩મીથી જીબીઆના તમામ સભ્યો અચોકકસ મુદત સુધી વર્ક ટુ રુલ મુજબ ફરજ બજાવશે. ત્યારબાદ ૧૪મીએ ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે પ્રતિક ઉપવાસ કરી વિરોધ પ્રદર્શન કરશે. ૨૦મીએ જીબીઆના તમામ સભ્યો એક દિવસની માસસીએલ મુકી પ્રતિક હડતાલ પાડશે. ૨૬મીથી જીબીઆના સભ્યો અચોકકસ મુદતની હડતાલ પર ઉતરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સાતમા પગાર પંચમાં મંજુર થયેલ એસ્યોર્ડ કેરીયર પ્રોગ્રેસન હેઠળ કર્મચારીઓને કારકિર્દીની પ્રગતિ હેઠળ કાર્યકાળ દરમ્યાન ત્રણ વાર ઉચ્ચતર પગાર ધોરણનો લાભ અન્ય રાજયોમાં આપવામાં આવે છે. હરિયાણા રાજયમાં જે રીતે લાભો આપવામાં આવે છે તે રીતે ૮/૧૬/૨૪ વર્ષે જીયુવીએનએલ હેઠળ લાભો આપવામાં આવે તેવી માંગ છે.
આ સાથે જીબીઆના સભ્યોના અનેક પડતર પર્શ્નોનો ઉકેલ લાવવાની પણ માંગ ઉઠાવવામાં આવી છે.
જીબીઆના જનરલ સેક્રેટરી બીપીનભાઈ શાહે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જીબીઆ દ્વારા છેલ્લા દોઢ વર્ષ દરમિયાન અધિકારીઓ અને કર્મચારીઓના પગાર સુધારણા માટે તથા અન્ય મળતા લાભો અંગે જીયુવીએનએલ મેનેજમેન્ટ તથા સરકારમાં અવારનવાર, લેખિત, મૌખિક, વિનંતીપૂર્વક રજુઆતો શાંતિપૂર્વક કરવામાં આવેલ. જેના ભાગ‚પે જીયુવીએનએલ દ્વારા તા.૨૧/૮/૧૭ના રોજ ગાંધીનગર ખાતે જીબીઆ કોર કમિટીને સાંભળવામાં આવેલ. ત્યારબાદ તા.૩૦/૮/૨૦૧૭ના રોજ ઉર્જામંત્રી અને અધિક મુખ્ય સચિવ, મેનેજીંગ ડિરેકટર તથા તમામ ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ગાંધીનગર ખાતે મીટીંગ કરવામાં આવેલ હતી. સરકાર દ્વારા જીબીઆની માંગણીને અનુસંધાને જીયુવીએનએલને અમલવારી માટે આદેશ આપવામાં આવ્યા હતા છતાં પણ જીયુવીએનએલ દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.