રાજકોટ, તા. ૨૮ જાન્યુઆરી – ૭૧માં પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણી રાજકોટ ખાતે કરવામાં આવી હતી, જે અંતર્ગત રાજકોટના શાસ્ત્રી મેદાન ખાતે હસ્તકળા પર્વનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તા. ૩૧ સુધી ચાલનારા આ પર્વમાં ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેશન શોમાં હસ્તકળાના કારીગરોએ બનાવેલ વસ્ત્રો પહેરી મોડેલએ રેમ્પવોક કર્યું હતું. આ ફેશન શોની વિશેષતા એ હતી કે મોડેલ્સની સાથે હસ્તકળાના કલાકારોએ પણ રેમ્પવોક કર્યું હતું. આ ફેશન શોમાં અલગ અલગ થીમ આધારિત આકર્ષક વસ્ત્રો પહેરીને મોડેલ્સએ સ્ટેજને જીવંત બનાવ્યું હતું. મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્યથી કાર્યક્રમનો શુભારંભ થયા બાદ કલેક્ટર સુશ્રી રેમ્યા મોહને અંજલિબેન રૂપાણી તેમજ મહાનુભવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું.
ફેશન શોમાં સૌપ્રથમ હમઝા ખત્રી દ્વારા બાંધણીની કલાકારીગરીની તેમજ રામજીભાઈ મહેશ્વરી દ્વારા વણાટના કલેક્શનની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. જેમાં મેલ મોડેલે પણ રેમ્પવોક કર્યું હતું. ત્યારબાદ પાબીબેન રબારી અને કાર્તિક ચૌહાણનુ અદભુત ફેબ્રિક કલેક્શન રજુ થયું હતું.. અજરખ પ્રિન્ટના કલાકાર ઝબાર ખત્રી તેમજ વણાટકામના કલાકાર પુરુષોત્તમ પ્રેમજી વણકરના કલેક્શનએ પણ રાજકોટવાસીઓના મન મોહી લીધા હતા. કંચનબેન રાઠોડ, રાધાબેન અને રમિઝ અલીના વણાંટકામના વસ્ત્રોએ આકર્ષણ જમાવ્યું હતું
આ પ્રસંગે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અઘ્યક્ષ ધનસુખભાઇ ભંડેરી,મેયર બીનાબેન આચાર્ય, અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ અને કમલેશભાઈ મીરાણી, ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી,કલેક્ટર રેમ્યા મોહન, મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયા, ગ્રામ્ય પોલીસ અધિક્ષક બલરામ મીણા, નગરપાલિકા નિયામક સ્તુતિ ચારણ ઉપસ્થિત રહ્યા હતા.