‘કુવો ખોદે તે પડે’
જમ્મુ-કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રી શેખ અબ્દુલ્લાએ ઈમારતી લાકડાની દાણચોરીને ડામવા બનાવેલા પબ્લિક સેફટી એકટ હેઠળ તેના પુત્ર ફારૂકની અટકાયત
ગુજરાતીમાં કહેવત છે કે, ‘બાપનાં કર્યા બેટાએ ભોગવવા પડે’ જમ્મુ-કાશ્મીરમાં પૂર્વ મુખ્યમંત્રી શેખ અબ્દુલ્લાએ તેમની હયાતીમાં કયારેય સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે પોતાના બનાવેલા કાયદામાં એક દિવસ પુત્ર ફારૂક અબ્દુલ્લાહની ધરપકડ થશે. જમ્મુ-કાશ્મીરનાં મુખ્યમંત્રી તરીકે શેખ અબ્દુલ્લાહએ ૧૯૭૮માં રાજયમાંથી ઈમારતી લાકડાની દાણચોરી સામે બનાવાયેલા પબ્લિક સેફટી એકટ પીએસએનો કાયદા હેઠળ ફારૂક અબ્દુલ્લાહની ધરપકડનું કારણ બની છે.
જમ્મુ-કાશ્મીર સરકારે પબ્લિક સેફટી એકટ ઈમારતી લાકડાની દાણચોરીમાં સંડોવાયેલાઓ, ગુનેગારો સહેલાઈથી કાયદામાંથી છટકી જવાની સ્થિતિમાં ઘડવામાં આવ્યો હતો. શેખ અબ્દુલ્લાહએ પીએસએનાં કાયદાનું નિર્માણ કરી ઈમારતી લાકડાનાં દાણચોરોને કોઈપણ જાતની સુનાવણી વગર સીધા જ બે વર્ષની જેલની જોગવાઈ સાથે કડક બનાવ્યો હતો. જોકે, ૧૯૯૦નાં દાયકામાં જયારે આતંકીઓએ રાજયમાં દહેશતનું વાતાવરણ ઉભું કર્યું ત્યારે આ કાયદો પોલીસ અને સુરક્ષાદળો માટે અસરકારક હથિયાર તરીકે ઉપયોગમાં આવવા લાગ્યો હતો.
કેન્દ્રિય ગૃહમંત્રી મુફતી મોહમદ સૈયદે ૧૯૯૦માં વિવાદાસ્પદ આમ્સફોર્સ સ્પેશ્યલ પાવર એકટનો અમલ કર્યો ત્યારે પીએસએનો ઉપયોગ ઝડપથી ગુનેગારોને કાબુમાં લેવા માટે થવા લાગ્યો હતો જેના દ્વારા રાજયમાંથી આતંકીઓ, ગુનેગારોને ઉપાડવામાં કામ આવતું હતું. સોમવારે જમ્મુ-કાશ્મીરનાં આ ચાર દાયકા જુના કાયદાનો ઉપયોગ કરીને જમ્મુ-કાશ્મીરનાં ત્રણ વખત મુખ્યમંત્રી રહેલા પાંચ ટર્મનાં સાંસદ શેખ અબ્દુલ્લાહનાં પુત્ર ફારૂક અબ્દુલ્લાહને પીએસએ અંતર્ગત પકડી લેવામાં આવ્યો હતો. જોકે નિર્દેશક કમિટીનાં આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકારવામાં આવનાર છે. ૨૦૧૨માં પીએસએનાં કાયદામાં રહેલી કડક જોગવાઈઓને હળવી કરવા બાદ લાંબાગાળા પછી પ્રથમવાર આ કાયદામાં એવો ફેરફાર કરવામાં આવ્યો હતો કે સુનાવણી વગર બે વર્ષનાં જેલગાળા બદલે છ મહિનાનો કરવામાં આવ્યો હતો. જોકે કાયદામાં જરૂર મુજબ કોઈપણ વ્યકિતને વધુમાં વધુ બે વર્ષ જેલમાં રાખવાની જોગવાઈ છે. શેખ અબ્દુલ્લાહનાં પૌત્ર અને રાજયનાં મુખ્યમંત્રી રહી ચુકેલા ઉમર અબ્દુલ્લાહે પણ લોકસભાની ચુંટણી વખતે વાયદો કર્યો હતો કે પોતાની સરકાર રાજયમાં સતામાં આવશે તો તે પબ્લિક સેફટી એકટ દુર કરવાનું કેન્દ્ર સરકાર પર દબાણ લાવશે.
જમ્મુ-કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રી શેખ અબ્દુલ્લાહએ ઈમારતી લાકડાની દાણચોરી અને ગુનાહિત પ્રવૃતિઓને કાબુમાં રાખવા માટે જે પબ્લિક સેફટી એકટ ધારો બનાવ્યો હતો તેની કડક જોગવાઈનું હથિયાર અત્યારે દાયકાઓ પછી પોતાનાં જ પુત્ર શેખ ફારૂક અબ્દુલ્લાહની ધરપકડનું કારણ બન્યું છે. આ કાયદામાં કોઈપણ સુનાવણી વગર આરોપીને છ મહિનાથી બે વર્ષ સુધી જેલમાં રાખવાની જોગવાઈ છે. આને કહેવાય સમય સમય બલિહારી.