દર ત્રણ માસે બોર્ડની બેઠક બોલાવવા અને લઘુમતીઓને રૂ.૧ લાખ સુધી જામીન મુકત લોન સહાય કરવા સહિતની બાવાણીની માંગ
તાજેતરમાં ગુજરાત રાજયના મુખ્ય સચિવ જે.એન.સિંઘની અધ્યક્ષતામાં વડાપ્રધાનની ૧૫ મુદ્દા અમલીકરણ સમિતિની એક બોર્ડ બેઠક ચીફ સેક્રેટરી બોર્ડ રૂમ, ગાંધીનગર ખાતે યોજાઈ હતી. જેમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અગ્રસચિવ મનોજ અગ્રવાલ, નિયામક કે.જી.વણઝારા તથા હોમ ડીપાર્ટમેન્ટ, નાણાં વિભાગ, લીગલ ડીપાર્ટમેન્ટ, અલ્પસંખ્યક ડીપાર્ટમેન્ટ, વકફ બોર્ડ વિભાગ, શિક્ષણ વિભાગ સહિતના અધિકારીઓએ હાજર રહી લઘુમતીઓના વિકાસ કામોનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.
આ તકે હાજર બોર્ડ મેમ્બર ફારૂક બાવાણી અને અન્ય સભ્યોએ જુદા જુદા માંગણી સાથેના સુચનો પણ રજૂ કર્યા હતા. જેમાં ધંધા રોજગાર માટે નાના ધંધાર્થીઓને સરકાર ૧ લાખ રૂપિયા સુધી જામીન મુકત લોન સહાય આપે, પ્રી-મેટ્રીક લઘુમતિ વિદ્યાર્થીઓ માટે અપાતી સ્કોલરશીપમાં વધારો થાય, અમલીકરણ સમીતીની બોર્ડની મીટીંગ દર ત્રણ મહિને ચીફ સેક્રેટરીની અધ્યક્ષતામાં મળે તેમજ લઘુમતિ શાળાઓની સર્ટીફીકેટ પ્રક્રિયા સરળ બને તેવી માંગણીઓનો સમાવેશ છે.
આ સાથે ફારૂક બાવાણીએ એ પણ માંગણી કરી છે કે, ચાલુ વર્ષે સરકાર દ્વારા લઘુમતીઓને કેટલી શિક્ષણ સહાય અને ધંધા રોજગાર માટે પણ કેટલી સહાય કરાઈ છે તેની વિગતો આપવામાં આવે. આ રજૂઆતો સામે ચીફ સેક્રેટરી જે.એન.સિંઘ તથા જુદા જુદા વિભાગના અધિકારીઓએ યોગ્ય પગલા લેવાની ખાતરી આપી છે.