વાતાવરણમાં વારંવાર આવતા પલ્ટાથી પાક ઓછો ઉતરે તેવી ભીતિ

સોરઠના કેશોદ, વંથલી પંથક કેસર કેરીનું જન્મ સ્થાન ગણાય છે અને અહીં મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. પરંતુ આ વર્ષે ઝાકળ વર્ષા, વાતાવરણમાં વારંવાર આવતા પલટાના કારણે કેરીના ઉત્પાદકોને  વ્યાપક નુકસાન થવાની શક્યતાઓ ચિંતાનો વિષય બન્યો છે. સૌરાષ્ટ્રની પ્રખ્યાત ફળોની રાણી કેસર કેરીને ગ્રહણ લાગ્યું હોય તેમ દર વર્ષની જેમ આ વર્ષે પણ પાકને 70 ટકાથી વધુ નુકસાન થતાં પાકનું ઓછું ઉત્પાદન થાય તેવી સંભાવના રહેલી છે. તથા ગત વર્ષની સરખામણીએ ઉત્પાદનમાં મોટો ઘટાડો થવાની શક્યતા છે, કેરીના બાગના ખેડૂતો અને ઇજારાદારોની ચિંતામાં વધારો થયો છે.

આ વર્ષે ચિંતાતુર બનેલા કેરીની બાગના ખેડૂતોના જણાવ્યા અનુસાર આ વર્ષે ઝાકળ વર્ષા અને વાતાવરણમાં વારંવાર આવતા પલટાને કારણે ઉત્પાદન નબળું થયું છે. અને જો જાકળ ચાલુ રહી અને વાતાવરણ માં પલટા થતા રહ્યા તો અમારે માથે હાથ દઈ રડવાનો વારો આવશે.

જો કે, કેરીના વેપારીઓ કહી રહ્યા છે કે, હાલમાં કેસર કેરીના સોદા 1 હજારની આસપાસ થઈ રહ્યા છે અને પાછોતરો પાક સારો આવે તેવું દેખાઈ રહ્યું છે, ત્યારે કેરીના મૂળ સમયે વાતાવરણ ગરમીવાળું રહ્યું તો ખેડૂતોનું ઉત્પાદન પણ વધશે અને ભાવ સારા મળે તો નફો સરભર થઇ શકે તેમ છે.

બીજી બાજુ હાલમાં મુંજાય ને બેઠેલા ખેડૂતો દ્વારા સરકાર સર્વે કરે અને કેરી ઉત્પાદકોને વળતર ચૂકવવામાં આવે એ પણ જરૂરી હોવાનું જણાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.