સરા – ધાંગ્રધ્રા રોડ પર આવેલ વાડીમાં ઘઉંના પાકમાં ઇયળનું આક્રમણ થતા ખેડુતો પર ફરી ચિંતાના વાદળો ઘેરાયા છે. ઇયળોના આતંક વચ્ચે હાથમાં આવેલ કોળીયો છિનવાઇ જવાની દહેશત વચ્ચે પાક બચાવવા ખેડુત હવાતિયા મારી રહ્યા છે. ભેજવાળા હવામાનના કારણે ઇયળનો ઉપદ્રવ થયાની શક્યતા વચ્ચે ખેડુતને ફરી આર્થિક નુકસાની વેઠવી પડે તેવો ઘાટ સર્જાયો છે.
સરા – ધાંગધ્રા રોડ પર બેચરભાઇ વરમોરાની વાડીમાં ૧૦ વિઘામાં ઘઉંનુ વાવેતર કરાયું છે. દવા અને ખાતર નાંખી રાત દિન કાળી મજુરી કરી ઘઉંના પાકની માવજત કરી હતી પાક તૈયાર થઇ ગયો હોય છેલ્લા બે દિવસ હવામાનમાં પલ્ટો આવતા વાદળછાયું વાતાવરણ અને ભેજના કારણે ઘઉંના પાકમાં ઇયળોએ દેખા દેતા પાકને નુકસાન થવાની ભિતી રહેલી છે. બે દિવસથી વાતાવરણ પલટાતા ભેજ અને વાદળછાયા વાતાવરણના કારણે ઘઉં, જીરૂ, વરિયાળી સહીત પાક પર માઠી અસર પડતા ખેડુતોમા ભારે ચિંતાની લાગણી જન્મી છે.