એફપીઓને 75 ટકા તથા અનુસૂચિત જાતિ, જનજાતિ, નાના અને સીમાંત ખેડૂતો, મહિલાઓ, કૃષિ સ્નાતકોને 50 ટકા અને ખેડૂત સહકારી મંડળીઓ, ગ્રામીણ ઉદ્યોગસાહસિકોને 40 ટકા ગ્રાન્ટ આપવાની સરકારની જાહેરાત
સરકારે ડ્રોન દ્વારા કૃષિ ક્ષેત્રમાં મોટા પરિવર્તનની તૈયારી શરૂ કરી દીધી છે. સરકારને આશા છે કે આનાથી ખેડૂતોને સુવિધા મળશે. ખેતીનો ખર્ચ ઘટશે અને આવક વધશે. આ વિસ્તાર એક મોટા માર્કેટ તરીકે પણ ઉભરી રહ્યો છે. પ્રારંભિક તબક્કામાં લગભગ એક કૃષિ ડ્રોન દરેક ગામ સુધી પહોંચે તેવી અપેક્ષા છે. આ દરમિયાન, કેન્દ્રએ વ્યક્તિગત રીતે ડ્રોનની ખરીદી માટે નાણાકીય સહાય આપવાનું પણ નક્કી કર્યું છે.
જે અંતર્ગત અનુસૂચિત જાતિ, જનજાતિ, નાના અને સીમાંત ખેડૂતો, મહિલાઓ અને પૂર્વોત્તર રાજ્યોના ખેડૂતોને ડ્રોન ખરીદવા માટે ખર્ચના 50 ટકા અથવા વધુમાં વધુ 5 લાખ રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવશે. જ્યારે અન્ય ખેડૂતોને 40 ટકા અથવા વધુમાં વધુ 4 લાખ રૂપિયાની સહાય મળશે.ફાર્મ મશીનરી તાલીમ અને પરીક્ષણ સંસ્થાઓ, ભારતીય કૃષિ સંશોધન પરિષદ સંસ્થાઓ, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અને રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓને ડ્રોનની ખરીદી માટે ખર્ચના 100%ના દરે સહાય પૂરી પાડવામાં આવશે.
ફાર્મર્સ પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશનને ખેતરોમાં પ્રદર્શન માટે કૃષિ ડ્રોન ખર્ચના 75 ટકા સુધીની ગ્રાન્ટ આપવામાં આવશે. કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે સોમવારે દિલ્હીમાં પ્રમોટીંગ ફાર્મર ડ્રોન્સ: ઇશ્યુઝ, ચેલેન્જીસ એન્ડ વે અહેડ વિષય પર યોજાયેલી કોન્ફરન્સમાં આ માહિતી આપી હતીતેઓએ કહ્યું હતું કે કેન્દ્રીય કૃષિ મંત્રાલય સમગ્ર દેશમાં કૃષિને પ્રોત્સાહન આપવા માટે અનેક યોજનાઓ દ્વારા રાજ્ય સરકારોને સહાય પૂરી પાડે છે. તે ખેડૂતોને ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવા, બિયારણ, ખાતર અને સિંચાઈના પાણી જેવા ઈનપુટ્સના ઉપયોગની કાર્યક્ષમતામાં સુધારો કરવા માટે ખેડૂતોને આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં મદદ કરે છે.
ઉપરાંત વિવિધ કૃષિ કામગીરી સાથે સંકળાયેલા માનવ શ્રમને ઘટાડે છે.ડ્રોન દ્વારા કૃષિ સેવાઓ પૂરી પાડતી ખેડૂત સહકારી મંડળીઓ અને ગ્રામીણ ઉદ્યોગસાહસિકોને કસ્ટમ હાયરિંગ સેન્ટર્સ દ્વારા ડ્રોન ખરીદવા માટે 40 ટકા અથવા રૂ. 4 લાખ, બેમાંથી જે ઓછું હોય તે સુધીની સબસિડી આપવામાં આવશે.સીએચસી સ્થાપનારા કૃષિ સ્નાતકો ડ્રોન ખર્ચના 50%ના દરે રૂ. 5 લાખ સુધીની નાણાકીય સહાય માટે પાત્ર બનશે. ડ્રોન પ્રદર્શન માટે પહેલેથી જ ઓળખાયેલી સંસ્થાઓ ઉપરાંત, કૃષિ પ્રવૃત્તિઓમાં રોકાયેલા કેન્દ્રીય પીએસયુને પણ પાત્રતા સૂચિમાં લાવવામાં આવ્યા છે.
તીડના આક્રમણ વખતે ખેતીને બચાવવા ડ્રોન કારગત નીવડ્યા હતા
કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી કૈલાશ ચૌધરીએ કહ્યું કે આ નવી ટેક્નોલોજીનો ઉદ્દેશ્ય વધુને વધુ ખેડૂતો સુધી પહોંચવાનો છે, જે તેમને સુવિધા આપશે, ખર્ચમાં ઘટાડો કરશે અને તેમની આવકમાં વધારો કરશે. તીડના હુમલા દરમિયાન, સરકારે બચાવ માટે તાત્કાલિક ડ્રોન અને હેલિકોપ્ટરનો પણ ઉપયોગ કર્યો હતો. કૃષિ સચિવ મનોજ આહુજાએ કહ્યું કે ખેડૂતો સુધી ડ્રોન લઈ જવા માટે અનુકૂળ પરિસ્થિતિઓ છે અને સરકાર પણ આ બાબતે પ્રતિબદ્ધ છે.
કૃષિ ક્ષેત્રે ડ્રોન નવી ક્રાંતિ લાવશે
સરકાર પાક મૂલ્યાંકન, જમીનના રેકોર્ડના ડિજિટલાઈઝેશન, જંતુનાશકો અને પોષક તત્વોનો છંટકાવ કરવા માટે કિસાન ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહન આપી રહી છે, જેની બજેટમાં જોગવાઈ પણ કરવામાં આવી છે. દેશના કૃષિ ક્ષેત્રનું આધુનિકીકરણ વડાપ્રધાન મોદીના એજન્ડામાં છે. જેથી ખેડૂતોને નવી ટેકનોલોજીનો લાભ મળે. તોમરે કહ્યું કે આ ટેક્નોલોજીને ખેડૂતો માટે પોસાય તેવા પ્રયાસો ચાલુ છે. બાગાયતી પાકો પર છંટકાવમાં ડ્રોનનો ઘણો ઉપયોગ થઈ શકે છે. કૃષિ ક્ષેત્રે ડ્રોનને પ્રોત્સાહન આપવા માટે તેની ખરીદીમાં વિવિધ વિભાગોને છૂટ આપવામાં આવી છે. ખેડૂતોના વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને કૃષિ કાર્યોમાં ડ્રોનનો ઉપયોગ કરવાની પહેલ કરવામાં આવી છે.