ગુજરાતના ખેડૂતો માટે વન વિભાગ દ્વારા એક મોટી જાહેરાત કરાઈ છે. જે મુજબ, હવે ખેડૂતો પણ પોતાના ખેતરમાં વૃક્ષો વાવીને કાર્બન ક્રેડિટનો લાભ મેળવી શકશે. કિસાન સંગઠનોની લાંબા સમયની માંગણીને ધ્યાનમાં રાખીને ગુજરાતના ખેડૂતોને પણ કાર્બન ક્રેડિટ આપવામાં આવશે. પર્યાવરણના સંરક્ષણ અને સંવર્ધન માટે વન વિભાગનો આ નિર્ણય ખેડૂતો માટે મહત્વનો સાબિત થશે. રાજ્યમાં ઉદ્યોગોનું પ્રમાણ વધુ હોવાથી પ્રદૂષણ પણ વધારે માત્રામાં છે. તેથી જે ઉદ્યોગો પ્રદૂષણ ફેલાવે છે, તેમને વૃક્ષોનું વાવેતર કરીને કાર્બન ક્રેડિટનો લાભ આપવામાં આવે છે.
કિસાન સંગઠનોની લાંબા સમયની માંગણીને ધ્યાનમાં રાખીને ગુજરાતના ખેડૂતોને પણ કાર્બન ક્રેડિટ આપવામાં આવશે: પર્યાવરણના સંરક્ષણ અને સંવર્ધન માટે વન વિભાગનો આ નિર્ણય ખેડૂતો માટે મહત્વનો સાબિત થશે
પરંતુ ખેડૂતો પોતાના ખેતરમાં વૃક્ષો રોપે તો તેમને આ લાભ આપવામાં ન આવતો. જે અંગે લાંબા સમયથી ખેડૂત સંગઠનો સરકાર પાસે માંગ કરી રહ્યા હતા. તેથી રાજ્યના વન વિભાગ દ્વારા ખેડૂતોને કાર્બન ક્રેડિટ આપવા માટે એક પાયલટ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. જેમાં ખેડૂતો પોતાના ખેતરમાં વાવેતર કરાયેલા વૃક્ષોનું જરૂરી મૂલ્યાંકન કરીને રોકડા રૂપિયા મેળવી શકશે. આ પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોએ પોતાના ખેતરમાં ત્રણ વર્ષથી મોટા વૃક્ષોનું વાવેતર અને માવજત કરી હશે તો તેમને ચોક્કસ પદ્ધતિના આધારે કાર્બન ક્રેડિટના હિસાબે પૈસા મળશે.
આ અંગે કિસાન સંગઠનો દ્વારા લાંબા સમયથી માંગ કરાઈ રહી હતી કે, ખેડૂતોને તેની રોયલ્ટી મળવી જોઈએ. ખેડૂતોને પણ ઉદ્યોગોની જેમ વળતર આપવું જોઈએ. કાર્બન ક્રેડિટનો ધંધો દુનિયામાં છ એક્સચેન્જમાં થાય છે. જેના બદલામાં રોકડ રકમમાં વળતર મળે છે. દા.ત. એક્સચેન્જમાં બિઝનેસ એવી રીતે થાય છે કે પાંચ કાર્બન ક્રેડિટ વેચવા જાવ તો તેના બદલામાં આંતરરાષ્ટ્રીય ભાવ મુજબ એક ક્રેડિટની કિંમત ૧૦ ડોલર ચાલતી હોય તો ૫૦ ડોલર મળી જાય. એટલે કે ૨,૫૦૦ રૂપિયા મળી જાય. ૨૪ કલાકમાં દરેક વૃક્ષ જેટલો ઓક્સિજન હવામાં આપે છે તે ઓક્સિજનના પ્રમાણમાં દરેક ખેડૂતને રોયલ્ટી મળવી જોઇએ. રેવન્યુ રેકર્ડ મુજબ જેટલાં વૃક્ષ હયાત હોય તેની ગણતરી કરીને તે મુજબ ખેડૂતને આ ક્રેડિટ મળવી જોઇએ. જેનો ખેડૂતો સીધો જ એક્સચેન્જમાં જઇને બિઝનેસ કરી શકે.
કાર્બન ક્રેડિટ શું છે?
યુએનની સંસ્થા દ્વારા કયોટો પ્રોટોકોલ હેઠળ કાર્બન ક્રેડિટ આપવામાં આવે છે. જેમાં ૧૭૦ દેશો સામેલ છે. જે પ્રોટોકોલ મુજબ તમારી કોઇપણ ઉત્પાદનની પ્રક્રિયામાં કેટલું પ્રદૂષણ ઘટાડો છો, તેના આધારે વર્ષે મોનિટરિંગ અને ચકાસણી બાદ કાર્બન ક્રેડિટ્સ આપવામાં આવે છે.