રાજ્યમાં કમોસમી વરસાદના કારણે કેટલું નુકસાન થયું તેના અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલે માહિતી જાહેર કરી છે. જેમાં તેમણે જણાવ્યું કે, બે દિવસમાં 236 તાલુકાઓમાં કમોસમી વરસાદ પડ્યો છે. આ કારણે અંદાજે 3થી 4 લાખ હેક્ટરના પાકને નુકસાન થયું છે. જેમાં પણ વરસાદના કારણે કપાસ, એરંડા, તુવેરને નુકસાન વધુ થયું છે. આ માટે સર્વેની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.
એસડીઆરએફના નિયમ પ્રમાણે સહાય આપવાની કૃષિમંત્રી રાઘવજી પટેલની જાહેરાત : ટૂંક સમયમાં સર્વે શરૂ કરાશે
માવઠા અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, તુવેરના પાકનું વાવેતર 2 લાખ હેક્ટરમાં થયું છે. જેમાં વાવેતરમાં નુકસાન પહોંચ્યું છે. ખરીફ પાકમાં નુકસાન થવાની ભીતિ રહેલી છે. અગાઉથી સૂચના આપી હોવાથી ખેડૂતો સતર્ક બન્યા હતા. તેમજ મોટાભાગના ખેડૂતોએ પાકને સુરક્ષિત કર્યો હતો. જેમાં ખેડૂતોની સાવચેતીના પગલે ઓછું નુકસાન થયુ છે.
આ ઉપરાંત ઊભા પાક અંગે કૃષિ મંત્રીએ જણાવ્યું કે, 25 લાખ હેકટર કપાસ, એરંડા, તુવેર જેવા પાકો ઊભા હતા. રવિપાક પ્રારંભીક તબક્કામાં હોવાથી નુકસાનની શક્યતા ઓછી રહેલી છે. કપાસ અને દીવેલામાં મોટું નુકસાન નહીં. તેમજ બાગયતી પાકોમાં પણ નુકસાન થયું છે. આ માટે 33 ટકાથી વધુ નુક્સાન થયું હોય તેવા ખેડૂતોને સહાય મળશે. તેમજ જઉછઋના નિયમ પ્રમાણે ખેડૂતોને ચૂકવાશે સહાય તેમ પણ જણાવ્યું છે.
જ્યારે માવઠાથી થયેલા નુકસાનની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક બોલાવવામાં આવી છે. જેમાં કમોસમી વરસાદને લઈ સરકારની બેઠક મળશે. જેમાં મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાશે. આ બેઠકમાં કૃષિ વિભાગ, નાણાં વિભાગના અધિકારીઓ હાજર બેઠકમાં રહેશે. તેમજ મહેસૂલ વિભાગના અધિકારીઓ બેઠકમાં હાજર રહેશે. પાકમાં થયેલા નુકસાન અંગે સમીક્ષા બેઠકમાં ચર્ચા થશે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં બેઠકનું આયોજન કરવામાં આવશે. જેની સાથે જ નુકસાનીના વળતર સંદર્ભે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રમાઁ પડેલા માવઠાથી ખેડુતોને વ્યાપક નુકશાન થયાનું જાણવા મળી રહ્યું છે. ભારે પવન અને વરસાદ સાથે કરા પણ વરસ્યા હોય પાકને ભારે અસર પહોંચી છે જેને પગલે હવે તંત્ર દ્વારા થોડા દિવસોમાં સરવેની કામગીરી હાથ ધરવામાં આવશે.