ગામના ખેડુતની 50 મણ ઘાસ બાકાત કરી દલાલે 15 હજારની કરી છેતરપિંડી
રાજકોટ જુના માર્કેટિંગ યાર્ડ ખાતે સૂકા ઘાસચારો લઈને ખેડૂતો મોટી સંખ્યામા જુના યાર્ડમાં આવતા હોય છે ત્યારે વેપારીઓ અને દલાલો દ્વારા ખેડૂતોના સૂકા નીણમાં વજનમાં કટ કરીને ખેડૂતોનું શોષણ કરવામાં આવી રહ્યું છે,
આણંદપર (બાધી) ગામના ખેડૂતોએ અબતક મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે અમારા ગામમાંથી દરરોજ 150 થી વધુ વાહનો નિણ લઈને જુના યાર્ડમાં જાય છે, જ્યાં દલાલો દ્વારા શુકા નિણ લઈને જતા 100 મણે 5 મણ બાદ કરી નાખવામાં આવે છે, ખેડૂતોએ દલાલો દ્વારા આપવામાં આવેલ બિલ દેખાડીને ખેડૂતો સાથે થતી છેતરપીંડીની વાત કરી હતી, ગામના ખેડૂતે વધુ વાત કરતા જણાવ્યું હતું કે અમારા ગામના એક ખેડૂતના જેનું નામ કલ્પેશભાઈ છે તેનું 50 મણ નિણને બાકાત કરીને ભાવ ગણ્યા છે, જે નિણના એક મણના 300-350 સુધીના ભાવ છે જેથી એક જ ખેડૂતને 15,000 રૂપિયાની નુકશાની ગઈ છે તેમ જણાવ્યું હતું.
ગામના 150 સહિત જિલ્લાભરના ખેડુતો સાથે છેતરપિંડી: સરપંચ ધનરાજસિંહ રાઠોડ
આણંદપર (બાધી) ગામના સરપંચ ધનરાજસિંહ રાઠોડે અબતક મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે ગામમાંથી 150 થી વધુ વાહનો નિણ લઈને જતા હોય છે, જ્યારે જિલ્લામાંથી આવતા તમામ ખેડૂતો સાથે અન્યાય કરીને નિણ કપાત કરીને છેતરપિંડી કરવામાં આવી રહી છે, અનેક વખત રજુઆત કર્યા હોવા છતાં કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી, ત્યારે નિણની કપાત બંધ કરવામાં આવે તેવી ખેડૂતોએ અને ગામના સરપંચે માંગ કરી છે.