- કુખ્યાત અલ્પેશ દોંગા આણી ટોળકીનું વધુ એક કારસ્તાન
- ઠગાઈથી મેળવી લીધેલી જમીન પરત જોતી હોય તો રૂ.4 કરોડ આપવા પડશે કહી ધમકી આપી : પડધરી પોલીસમાં ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાયો
કુખ્યાત અલ્પેશ દોંગા આણી ટોળકી વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ છે. ખેડૂતના પત્ની અને ભાઈ બીમાર પડતા સારવાર અર્થે પૈસાણી જરૂર પડતા ખેડૂતે અલ્પેશ દોંગા પાસેથી રૂ. 35 લાખ સવા ટકા વ્યાજે લીધા હતા. સિક્યુરિટી પેટે પડધરીના સાલપીપળીયા ગામણી વાડીણી ફાઈલ ગીરવે મુકવાનું જણાવી અલ્પેશ દોંગાએ દસ્તાવેજ કરાવી લીધો હતો અને હવે જમીન પરત જોઈતી હોય તો રૂ. 4 કરોડ આપવા પડશે તેમ કહી છેતરપિંડી આચરી લીધાનો બનાવ પડધરી પોલીસના ચોપડે નોંધાયો છે.
રાજકોટ શહેરના સાધુ વાસવાણી રોડ પર બાલાજી ચોક પાસે રહેતા ખેડૂતને 35 લાખ રૂપિયા વ્યાજે આપી પડધરીના સાલ પીપળિયાની વાડીના દસ્તાવેજ ગીરવે રાખવાનું કહી અસલી દસ્તાવેજ કરાવી તમારે ચાર કરોડ આપવા પડશે કહી કિંમતી વાડીનો દસ્તાવેજ કરાવી લીધાની ફરિયાદ કરતાં પડધરી પોલીસે કુખ્યાત અલ્પેશ દોંગા સહિત ત્રણ સામે છેતરપિંડી સહિતનો ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર શહેરના સાધુ વાસવાણી રોડ પર રહેતા અને ખેતીકામ કરતાં વિશાલભાઇ બાબુભાઇ ગઢિયાએ પડધરી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, અગાઉ મકાન લીધું હોય અને તેની બેંકમાં લોન ચાલતી હતી તેમજ ફાઇનાન્સમાંથી વધુ લોન લઇને ફ્લેટ લીધો હતા, જેના હપ્તા ચાલુ હોય તે દરમિયાન તેની પત્ની બીમાર પડી હતી અને તેનો ભાઇ પડી જતા હોસ્પિટલનો ખર્ચ આવ્યો હતો. જેથી તેના ભાઇ રાજેશને વાત કરતાં તેને 150 ફૂટ રિંગ રોડ પર પટેલ ઇન્વેસ્ટમેન્ટ નામે ઓફિસ ચલાવતા અલ્પેશ દોંગા પાસે જઇને પૈસાની વાત કરી હતી.
અલ્પેશ દોંગાએ સવા ટકા વ્યાજે નાણાં આપવાનું તેમજ જમીનનું સિક્યુરિટી પેટે લખાણ કરવાની વાત કરી હતી. બાદમાં જમીન તેના માતાના નામે હોય તેના ભાઇ અને માતા ત્યાં ગયા હતા અને વાડીના ઓરિજિનલ દસ્તાવેજની ફાઇલ આપી હતી જેથી તેને મામલતદાર ઓફિસે આવવાનું કહ્યું હતું. બાદ ત્યાં ગયા હતા અને સહીઓ કરાવી લઇને તમારા પૈસા બે દિવસમાં આવી જશે કહી બે દિવસ બાદ તેની માતાના બેંક ખાતામાં રૂ. 35 લાખ જમા કરાવ્યા હતા.
ફરિયાદીએ બાદમાં તેને કટકે કટકે 13 લાખ આપ્યા હતા. બાદમાં ફરિયાદીણી વાડીના માણસોએ ફોન કરી કહ્યું કે, આપણી વાડીએ આવો જમીન ખાલી કરાવવા કેટલાક શખ્સો આવ્યા છે. જેથી તે વાડીએ જતા ત્યાં અલ્પેશભાઇની ઓફિસે પૈસા આપવાની વાત કરનાર વત્સલભાઇ સખિયા અને તેના પિતા રસિકભાઇ સખિયા સહિતના લોકો આવ્યા હતા અને તેને આ વાડી હવે અમારી માલિકીની છે, તમે ખાલી કરી દેજો કહી ચાલ્યા ગયા હતા.
બાદમાં વિશાલભાઇએ ઘેર આવી વાત કરી હતી અને અલ્પેશને વાત કરી તેની ઓફિસે તેને મળવા જતા તેને તમે અમારી પાસેથી ચાર કરોડ લીધા છે અને અગાઉના 35 લાખ મળીને બધા રૂપિયા આપી દેજો પછી તમારી જમીન તમને મળશે તેમ કહેતા તેને એક કાગળ કાઢી હિસાબ બતાવ્યો હતો. જેમાં તેના ભાઇની સહીઓ હતી જેથી તેના ભાઇને વાત કરતા તેને આવા કોઇ પૈસા લીધા ન હોવાનું જણાવી સબ રજિસ્ટ્રાર ઓફિસમાં તપાસ કરતાં તેની જમીન છેતરપિંડીથી વત્સલભાઇ સખિયાના નામે થઇ ગયાનું જણાવતા વિશાલભાઇએ અલ્પેશ દોંગા, વત્સલ રસિકભાઇ સખિયા અને રસિકભાઇ સખિયા સામે ફરિયાદ કરતાં પીએસઆઇ પરમાર સહિતે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.