અમદાવાદ ન્યુઝ
ગુજરાત સરકારે ખેડૂતો માટે મહત્વનો નિર્ણણ લીધો છે. જે ખેડૂત તેના ખેતરમાં વરસાદી પાણીનો ઉપયોગ કરતા હશે તેવા ખેડૂતના ખેતરમાં વધુ એક વીજ જોડાણ આપવાનો નિર્ણય કરાયો છે. ડિસાના ધારાસભ્ય પ્રવીણ માળી દ્વારા ઉર્જા પ્રધાનને સરફેસ વોટર વાપરવા ઈચ્છતા ખેડૂતોને હયાત વીજ કનેક્શન સિવાય વધું એક વીજ કનેક્શન આપવા રજુઆત કરી હતી. સરકારના આ નિર્ણય સાથે ખેડૂતો કેનાલ, તળાવો, નદી, ખાડી, ડેમ, ચેકડેમ, સુજલામ સુફલામ્ અંતર્ગત ભરાતા તળાવો, ખેત તલાવડી, તેમજ અન્ય વરસાદી સ્ત્રોતો માધ્યમથી સિંચાઇ કરવા હેતુ ખેડુતોને વધુ એક વીજ જોડાણ મળશે.
જે જગ્યાએ પાણીના તળ નીચા ગયા છે ત્યાં આવું વીજ કનેકશન આપવા માટે ખેડૂતોની, લોકપ્રતિનિધિઓની અને ખેડૂત સંગઠનોની રજૂઆત હતી જેને ધ્યાને લઈને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ લેવાયેલ આ નિર્ણયના કારણે ઉત્તર ગુજરાત,સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લાના મહત્તમ ખેડૂતોને લાભ મળશે.
રાજ્ય સરકારના આ ખેડૂત-હિતલક્ષી નિર્ણયને કારણે ભૂગર્ભજળની બચત થશે સાથે સાથે માત્ર 5 હો.પા.ના ખેતીવાડી વીજ જોડાણના વીજ વપરાશને કારણે ખેડૂતોને વીજબીલમાં પણ બચત થશે. તેમજ પોતાના ખેતરમાં ખેત-તલાવડી બનાવી તેના પાણીનો સિંચાઇ માટે ઉપયોગ કરવા ખેડૂતોને પ્રોત્સાહન મળશે.
રાજય સરકાર દ્વારા વર્ષ 2017માં ધારાધોરણો નિયત કરાયા હતા. હવે તેમાં સુધારો કરી હોજ ઉપરાંત સંપ, ટાંકા અને ખેત-તલાવડીમાં થી પણ ખેડૂત પાણી ઉદ્વહન કરી શકશે એવો સુધારો કરવાનો નિર્ણય કર્યો છે. સિંચાઈ વિભાગ દ્વારા નોંધવામાં આવેલ ખેત-તલાવડીઓ ઉપરાંત સ્વખર્ચે બનાવેલ ખેત તલાવડીઓને પણ આ નિયમ લાગુ રહેશે.