ચોમાસામા રસ્તામાં પાણી ભરાઈ જતું હોવાથી ખેડૂતોને ખેતરે પહોંચવા ૪૦ કીમીનું ચક્કર મારવું પડે છે : પુલને મંજૂરી મળી પરંતુ કામ શરૂ ન થયું
મોરબી તાલુકાના ધૂળકોટ ગામમાં ખેડૂતોની હાલત દયનિય છે. ચોમાસામાં અહીં વરસાદી પાણી ભરાઈ જતા ખેતરે જઇ શકાતું નથી. ત્યારે ખેડૂતોએ ૪૦ કિમિ લાબું ચક્કર મારીને ખેતરે જવાની ફરજ પડે છે. ખેડૂતોની આ મુશ્કેલી દૂર કરવા પુલના કામને મંજૂરી તો મળી ગઈ છે. પરંતુ કામ શરૂ કરવામાં આવ્યું નથી. ત્યારે ખેડૂતોએ તંત્ર પર આશા રાખવાનું છોડી જાતે જ માટીનો પુલ બનાવી નાખ્યો છે.
મોરબી પંથકમાં હજુ નોંધપાત્ર વરસાદ વરસ્યો નથી ત્યારે સૌ કોઈ આતુરતાથી વરસાદની રાહ જોઈ રહ્યા છે તો ધરતીપુત્રો આકાશ તરફ મીટ માંડી બેઠા છે પરંતુ મોરબી તાલુકાના ધૂળકોટ ગામમાં ઉલટી સ્થિતિ જોવા મળે છે કારણકે આ ગામમાં ચોમાસામાં વરસાદી પાણીનો નિકાલ થતો ના હોય જેથી કમર સુધી ક્યારેક માથા સુધીના પાણી ભરાઈ જતા હોય છે તો ખેડૂતોને પોતાના ખેતરે જવાનો રસ્તો પાણીથી તરબોળ થઇ જતો હોય છે જેથી આ ગામ માટે વરસાદ કુદરતની મહેર નહિ પરંતુ આફત બની રહે છે.
મોરબી તાલુકાનું ધૂળકોટ ગામ દર ચોમાસે નર્કાગાર સ્થિતિમાં ફેરવાઈ જાય છે કારણકે વરસાદી પાણીનો નિકાલ ના થતો હોવાથી પાણી ભરાઈ જાય છે અને ગામમાં વસતા ખેડૂતોને પોતાના ખેતરમાં જવાનો રસ્તો બંધ થઇ જતો હોય છે અને ખેતરમાં જવાનો રસ્તો પાણીથી ભરાય જતો હોવાથી ખેડૂતોને ત્રણ કિમી છેટે આવેલી તેની વાડી-ખેતર જવા માટે ૪૦ કિલોમીટર લાંબો રાઉન્ડ મારવો પડે છે અને પુલની તાતી જરૂરિયાત હોય વર્ષોથી કરવામાં આવેલી માંગણી પછી આ પુલને મંજુરી આપવામાં આવી છે પરંતુ પુલ બનવાનું હજુ શરુ પણ કરાયું નથી
ત્યારે આ ચોમાસામાં પણ ગ્રામજનો અને ખેડૂતોને આફત અને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે જોકે તંત્ર અને સરકારે હાથ ના ઝાલતા ગ્રામજનોએ જાતે જ માટીનો કામચલાઉ પુલ સ્વખર્ચે બનાવી નાખ્યો છે જોકે આ પુલ ક્યાં સુધી ચાલે છે તે કહી સકાય તેમ નથી છતાં ડૂબતે કો તિનકે કા સહારાની જેમ ગ્રામજનો હાલ આ પુલના સહારે પોતાનું ગાડું ગબડાવી રહ્યા છે.
ગામના સરપંચ નટવરલાલ રાઘવાણી જણાવે છે કે તંત્રને કરેલી રજૂઆત બાદ ગત વર્ષે અઢી કરોડના ખર્ચે બ્રીજને મંજુરી આપવામાં આવી છે પરંતુ તંત્ર અને સરકાર સારા મુર્હતની રાહ જોઈ રહી છે અને હજુ સુધી કામ શરુ થયું નથી ત્યારે ચોમાસા પૂર્વે જ ગ્રામજનોએ જાગૃતિ દાખવીને કામચલાઉ માટીનો પુલ સ્વખર્ચે બનાવ્યો છે જેથી ૩ કિમીનો રસ્તો કાપવા ૪૦ કિમી લાંબો રાઉન્ડ ના મારવો પડે
આ મામલે જીલ્લા પંચાયતના કાર્યપાલક ઈજનેર એ.એન. ચૌધરી સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે બ્રીજને મંજુરી મળી છે અઢી કરોડના ખર્ચે બ્રીજ બનાવવાની સૈદ્ધાંતિક મંજુરી મળી છે જેની કાર્યવાહી ચાલુ છે અને સરકારમાં રજુ કરેલ છે પુલનું કામ ઝડપથી શરુ થાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.