કાલે ભાદર-૨ ડેમ ઉપર ઉમટી પડવા ખેડુતોને હાંકલ: ગ્રામ્ય વિસ્તારનો પ્રવાસ ખેડતા લલિત વસોયા
ઉપલેટા તાલુકાના ભાદર-૨ ડેમ વિસ્તારના કમાન્ડ એરિયામાં આવતા ગામોના ખેડુતોને સિંચાઈ માટે પાણી મળે તે માટે ભાદર પટી વિસ્તારના ગ્રામોનો વિધુત વેગી પ્રવાસ કરી ઠેર-ઠેર ખેડુતોને સંગઠિત બનવા હાંકલ કરેલ હતી.
ઉપલેટા-ધોરાજી વચ્ચે આવેલ ભાદર-૨ ડેમ માત્ર સિંચાઈના દેણ માટે બનાવવામાં આવેલ હોય પણ સરકાર અને અધિકારીઓની અણઆવડતને કારણે ખેડુતોને સિંચાઈ માટેના પાણીથી વંચિત રાખવાના કારસાને ધારાસભ્ય લલિત વસોયાએ સખ્ત શબ્દોમાં વખોડી ભાદર-૨ ડેમ કમાન્ડ વિસ્તારમાં આવતા ચિખલીયા, સમઢીયાળા, તલંગણા, કુઢેચ, મજેઠી, લાઠ, ભીમોરા ગામના ગઈકાલે વિદ્યુતવેગી પ્રવાસ કરી ખેડુતો સાથે બેઠક કરી આવતીકાલે ૪:૦૦ વાગ્યે ભાદર-૨ ડેમના જાતે દરવાજા ખોલી ખેડુતોએ પોતાના હકકનું પાણી મેળવું પડશે. ગ્રામ્ય વિસ્તારના ખેડુતોને ધારાસભ્ય લલિત વસોયા હાંકલ કરતા જણાવેલ કે વેપારીઓને જીએસટી કર આવે તો તે બંધ પાડી રોષ વ્યકત કરે છે.
અધિકારીઓ અને સરકાર હુકમ આપે તો તેમની પાસેથી આંચકી લેતા પણ ન અચકાવવું જોઈએ. ગઈકાલે વિદ્યુતવેગી પ્રવાસ દરમ્યાન ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ જણાવેલ કે હાલ ભાદર-૨ ડેમ પુરેપુરા ભરાઈ ગયેલ છે ત્યારે સરકાર અને અધિકારીઓ આંકડાકિય માહિતી આપી ખેડુતોને ગુમરાહ કરી ઓછુ પાણી આપવાનો હિન પ્રયાસ કરી રહી છે તે બિલકુલ ખેડુત સમાજે ચલાવી લેવાય નહીં.
ઓણસાલ ભાડર બે ડેમમાંથી ખેડુતોને હાલ બે પાણ અને શિયાળુમાં જયાં સુધી પાક ન પાકે ત્યાં સુધી પાણી ખેડુતોને આપે તો પણ પાછળના દિવસોમાં પીવામાં કોઈ વાંધો આવે તેમ નથી. છેલ્લા પાંચ વર્ષના સરકારના અને સિંચાઈ વિભાગના ચોપડે જે આંકડા બતાવે છે તે મુજબ પીવાના પાણીનો જથ્થો અનામત રાખી બાકી વધારાનું પાણી ખેડુતોને આપવું જોઈએ તેવી માંગણી છેલ્લા ૧૫ દિવસ થયા રાજયના સિંચાઈ મંત્રી તેમજ જે-તે વિભાગના અધિકારીઓને કરેલ હોવા છતાં કોઈ ઉકેલ નહીં આવતા આવતીકાલે ખેડુતોના હિત માટે અને તેના મુરઝાતી મૌલાતને જીવનદાન મળી જાય તે માટે ભાદર-૨ ડેમના દરવાજા ખોલી ખેડુતો પોતાનો હક માગશે.
આ અંગે ધારાસભ્ય લલિત વસોયાએ વધુમાં જણાવેલ કે, ખેડુત સમાજ જાગૃત થઈ સંગઠન થઈ તમારા પ્રશ્ર્ને કોઈપણ પ્રશ્ર્નો કે રાજકીય આગેવાન આવે તો તેની સાથે ખંભે ખંભા મિલાવી તેની લડતમાં જોડાજો પણ તમારા હિત અને હકની વાત હોય તો ત્યારે આવતીકાલે ૪ વાગ્યે ભુખી ગામ પાસે આવેલ ભાદર-૨ ડેમ ઉપર વધુમાં વધુ સંખ્યામાં ખેડુતો હાજર રહી પોતાના હક માંગી ભાદર બે ડેમના દરવાજા ખોલવા અધિકારીઓને ફરજ પાડશે જો અધિકારીઓ દરવાજા નહીં ખોલે તો ખેડુતો જાતે દરવાજા ખોલી નાખશે.