જીએસટીને લીધે ઉદ્યોગો પડી ભાંગ્યા હોવાનો આક્ષેપ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જનવિકલ્પ મોરચો સફળ બનશે એવા વિશ્ર્વાસ સાથે શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, લોકોની સંવેદનાઓ સમજીને પ્રજાહિતમાં નિર્ણય લે તેવી સરકાર બનાવીશું. કોંગ્રેસમાં ઉમેદવારોની પસંદગીમાં વહાલાદવલાની નીતિના કારણે ૬૦ કરતા એક પણ બેઠક વધી નથી ત્યારે ૨૦૧૭ની ચૂંટણીમાં બેઠકો કોંગ્રેસની બેઠકો વધવાની કે સરકાર બનાવવા સામે મોટો પ્રશ્ર્નાર્થ છે. જ્યારે ભાજપના ૨૦ વર્ષના શાસનથી લોકો પરેશાન છે. ખેડૂતોને પાક વીમાની રકમ મેળવવા માટે લાંચ આપવી પડે છે. ભાજપ સરકારે મગફળીના રૂ. ૧૨૦૦ અને કપાસના રૂ. ૧૫૦૦ના ટેકાના ભાવે ખરીદ કેન્દ્રો શરૂ કરવા જોઈએ. ખેડૂતોનું દેવું માફ કરવા કરતા પોષણક્ષમ ભાવ આપવા જોઈએ એટલે ખેડૂતોને દેવું જ ન થાય. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મેં છેલ્લા ૧૩ દિવસથી ગુજરાતમાં ૬ હજાર કિ.મી.નો પ્રવાસ ખેડીને પ્રજાની આંતરવેદના જાણવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં પ્રજાજનોના અસાધારણ સમર્થનને કારણે ખૂબ આત્મબળ મળ્યું છે. મેં સૌરાષ્ટ્ર-કચ્છને અલાયદુ સચિવાલય વહીવટી તંત્ર કાર્યરત કરવાની વાત કરી ત્યારે સ્થાનિક લોકોએ અન્યાય દૂર કરવાની વાતને વધાવી લીધી હતી. જનવિકલ્પ માેરચાની સરકાર બનશે તો યુવાનોને ૧૦૦ દિવસમાં રોજગારી આપશે. ગુજરાતની આર્થિક રાજધાની ગણાતું સુરત બેહાલ સ્થિતિમાં મૂકાઈ ગયું છે અને આશરે ૧૫ લાખ પરપ્રાંતીય કારીગરો સુરત છોડીને જતા રહ્યા છે. ઉદ્યોગો જીએસટી અને મંદીને લીધે ત્રાહિમામ્ પોકારી ગયા છે. વગર મતલબની નોટબંધીએ ઉદ્યોગોની કમર તોડી નાખી છે. દરમિયાન આગામી ૧૮ મહિના સુધી જીએસટીનો કાયદો મોકૂફ રાખવાથી સરકારની આવકમાં બહુ ફેર પડવાનો નથી. અને ફેર પડે તો જાહેરાતો પાછળ ઓછો ખર્ચ કરવો જોઈએ. પેટ્રોલ-ડીઝલને જીએસટીમાં સામેલ કરવું જોઈએ અથવા રાજ્ય સરકારે ૧૦ ટકા ટેક્સ ઘટાડવો જોઈએ. ખેડૂતોને વીજળી બિલમાં ૫૦ ટકાની રાહત આપવી જોઈએ.